બાર ગામે બોલી બદલાય. દુનિયામાં બોલીઓ તો ખૂબ ઝડપથી ભૂલાઈ રહી છે. ગુજરાતીને અંગ્રેજીનું ઘેલું લાગ્યું છે.માણસ જેટલો આધુનિક થતો જાય છે તેટલો ભાષાબોલી અને શબ્દ પરની પકડ ગુમાવતો જાય છે. હા, કેટલાક નવા મોડર્ન અંગ્રેજી શબ્દો ગુજરાતી સાથે ગુજરાતી પોતીકી ભાષા પણ દુકાનમાં હોટલમાં જઇને ગુજરાતી મોટા ભાગે હિન્દીમાં વાતો કરશે. નવા જનરેશનને તો વળી અંગ્રેજીનું વળગણ છે. દરેક યુગે ભાષા બદલાતી રહી છે. વસ્તી વધે છે પણ ગુજરાતી બોલવાવાળા ઓછા થાય છે, જે ચિન્તાજનક છે.આજે રહેવાના ઘર, મકાન, ફળિયું, પાદર, ખેતર, ઓજાર, આવા શબ્દો ઝડપથી બદલાઈ રહ્યા છે. નવી પેઢી નવું (મોડર્ન )ચિત્ર જોઈ રહી છે. ટૂંકમાં સમય સાથે ઘણું બદલાઈ રહ્યું છે.
ઢીંફો, ફોદળો ,ઘરેડ , હાંબેલું’ નળિયું , ખાંડણિયું, કોઠી , હાંડી , કોઠાર , કોઠી , દાતરડી, ખુરપણી , ખળી , દેગડો , વાહીદું , કોઢ, કામડી , દાતરડું, ભીંત, કાગળી , વાવ, રેંટ , હાંબેલ, હાંબેલું ,જોતર , ગાલ્લું, સવારી, છાણાં , વલોણું , ડંગોરો ,પાટલો ,ગરગડી , ચિપિયો , આ બધા શબ્દોથી નવી પેઢી મોટા ભાગે અજાણ છે. નવી સદીનાં બાળકો કોડી કૂકા રમીશું દોરડાં કુદીશું , અંતકડી રમીશું , થપ્પો ,ભમરડા , લખોટા રમીશું , હવે નહીં બોલી શકે. મોબાઈલમાં વ્યસ્ત આજનું યુવાધન યુગ ભલે નવો પણ ભાષા, બોલી ને શબ્દોથી અજાણ જ રહેવા નું! નવા જમાનાનું આ પરિવર્તન નિસાસા સહ સ્વીકારવું રહ્યું.
બામણિયા – મુકેશ બી. મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
એડવાન્સમાં મિલકત વેરો ભરનારને લાભ આપો
એસ.એમ.સી. દ્વારા ચાલુ વર્ષનો મિલ્કત વેરો એડવાન્સમાં એપ્રિલ મહિનામાં લેવામાં આવે છે. પરંતુ શહેરનાં હજારોની સંખ્યામાં એડવાન્સમાં મિ.વેરો ભરનારને જે રીબેટ આપવામાં આવે છે તે ખૂબ જ નહીંવત્ રકમનો હોય છે. તો આ અંગે સંબંધિત વિભાગના સત્તાધીશો વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે અને એડવાન્સમાં મિ.વેરો ભરનાર જનતાને સંતોષકારક રકમનો વિશેષ લાભ મળે એ સંદર્ભમાં જરૂરી કાર્યવાહી કરે જેથી ટેક્ષ ભરનારાં વ્યક્તિઓને વધુ પ્રોત્સાહિત કરીને એ સંખ્યામાં વધારો પણ થઈ શકે તો આ અંગે એસ.એમ.સી. ના સત્તાધીશો ગંભીરતાથી વિચારી જનતા હિતને ધ્યાનમાં રાખીને ન્યાયલક્ષી નિર્ણય લેવો જરૂરી છે.
સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.