કુલુ: હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) કુલુમાં (Kullu) ગંભીર ભૂસ્ખલનને (Land Sliding) કારણે ઘણા મકાનો ધરાશાયી (Collapsed) થયા છે. પહાડી વિસ્તારમાં થયેલા મોટા ભૂસ્ખલનના લીધે ધ્વસ્ત થયેલી ઈમારતોના કાટમાળમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.
આ ભૂસ્ખલનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં મકાનો ધરાશાયી થતા જોઈ શકાય છે. ભૂસ્ખલનના દ્રશ્યોમાં અનેક બહુમાળી ઇમારતો ધરાશાયી થતી જોવા મળે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજથી આગામી બે દિવસ હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની રેડ એલર્ટની ચેતવણી જારી કરી છે.
હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રહેવાસીઓને ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત કુલ્લુ-મંડી હાઈવે પર સેંકડો વાહનો ફસાઈ ગયા છે. કુલ્લુ અને મંડીને જોડતો રસ્તો ક્ષતિગ્રસ્ત થયો છે.
પંડોહ થઈને એક વૈકલ્પિક માર્ગ પણ તૂટી ગયો છે. તેથી, ટ્રાફિકની અવરજવર હાલમાં રોકી દેવાઈ છે,” એમ કુલુના સિનીયર પોલીસ અધિકારી સાક્ષી વર્માએ જણાવ્યું હતું.
અવિરત ભારે વરસાદના લીધે પહાડી રાજ્યમાં ભૂસ્ખલન, વાદળ ફાટવા અને અચાનક આવેલા પૂરના લીધે ભારે વિનાશ સર્જાયો છે. રાજ્ય સરકારે અગાઉ સમગ્ર રાજ્યને “કુદરતી આફત અસરગ્રસ્ત વિસ્તાર” તરીકે જાહેર કર્યું હતું અને નુકસાનનું મૂલ્યાંકન કરવા અને અસરગ્રસ્ત લોકોને રાહત આપવા માટે કામ કરી રહી છે.
આ ચોમાસામાં ભારે વરસાદને કારણે કુલ 709 રસ્તાઓ બંધ થઈ ગયા છે. હિમાચલ પ્રદેશ સરકારનો અંદાજ છે કે 24 જૂનથી રાજ્યમાં ચોમાસું આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં જાહેર માળખાગત સુવિધાઓને કુલ રૂ. 8,014.61 કરોડનું નુકસાન થયું છે.
રાજ્ય સરકારના આંકડાઓ અનુસાર, વરસાદને કારણે 2,022 મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે અને 9,615 મકાનોને આંશિક નુકસાન થયું છે. રાજ્યમાં 113 ભૂસ્ખલન પણ નોંધાયા છે, જેના કારણે માળખાકીય સુવિધાઓને વ્યાપક નુકસાન થયું છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. એક સરકારી બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે વરસાદને કારણે 224 લોકોના મોત થયા છે, જ્યારે 117 અન્ય લોકો વરસાદ સંબંધિત અકસ્માતોમાં મૃત્યુ પામ્યા છે.