મુંબઈ: સ્પાઈસ જેટની (Spice Jet) એક ફ્લાઈટને (Flight) અચાનક મુંબઈમાં (Mumbai) ઈમરજન્સી લેન્ડિંગ (Emergency landing) કરાવવું પડ્યું હતું. ડીજીસીએના (DGCA) જણાવ્યા અનુસાર 23 હજાર ફૂટની ઉંચાઈ પર સ્પાઈસ જેટના ક્યૂ-400 એરક્રાફ્ટની વિન્ડશિલ્ડમાં તિરાડ (Crack) પડી હતી. આ પછી તરત જ કંડલા-મુંબઈ ફ્લાઈટને મુંબઈ એરપોર્ટ (Airport) પર લેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ડીજીસીએના અધિકારીઓ પાસેથી જાણકારી મળી આવી છે કે ફલાઈટની વિન્ડશિલ્ડનો બહારનો ભાગ 23,000 ફૂટની ઉંચાઈએ તૂટી ગયો હતો, ત્યારબાદ પ્લેનને મુંબઈમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. આ ઘટના પર સ્પાઈસ જેટનું નિવેદન પણ સામે આવ્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે વિમાનને સુરક્ષિત રીતે મુંબઈમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. છેલ્લા 17 દિવસમાં સ્પાઈસ જેટના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાવાની આ સાતમી ઘટના છે. આ પહેલા મંગળવારે સ્પાઈસ જેટની ફ્લાઈટ કરાચીમાં લેન્ડ કરવામાં આવી હતી. ડીજીસીએ અનુસાર અધિકારીઓએ મંગળવારે બનેલી બંને ઘટનાઓની તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત છેલ્લા ધણા દિવસોથી બનતા તમામ બનાવોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
દિલ્હીથી દુબઈ જતી સ્પાઈસ જેટની SG 11 ફ્લાઈટનું પાકિસ્તાનમાં લેન્ડીંગ કરવું પડ્યું
નવી દિલ્હી: દિલ્હીથી દુબઈ જતી સ્પાઈસ જેટની SG 11 ફ્લાઈટનું પાકિસ્તાનમાં લેન્ડીંગ કરવું પડ્યું હોવાની ઘટના બની છે. ફ્લાઈટમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા પાયલોટે પાકિસ્તાનના કરાચી તરફ ડાઈવર્ટ કરવી પડી હતી અને ત્યાર બાદ ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું હતું. સ્પાઈસ જેટની ફ્લાઈટ કરાચીમાં ઉતર્યા બાદ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જણાવવામાં આવ્યું છે કે તે ઈમરજન્સી લેન્ડિંગ નથી, ફ્લાઈટ સામાન્ય રીતે લેન્ડ થઈ હતી. દિલ્હીથી બીજું પ્લેન કરાચી મોકલવામાં આવ્યું છે. તે મુસાફરોને દુબઈ લઈ જશે.
આ મામલે DGCAનું નિવેદન પણ આવ્યું છે. એવું કહેવામાં આવ્યું હતું કે સ્પાઇસજેટ એરક્રાફ્ટના ક્રૂએ જોયું કે ઇંધણની ટાંકી સૂચક ઇંધણની માત્રામાં ઝડપથી ઘટાડો દર્શાવે છે. આ પછી, ચેકિંગમાં કંઈ ખોટું જણાયું ન હતું, ટાંકીમાં ક્યાંયથી કોઈ લીક થયું ન હતું. પરંતુ સૂચક હજુ પણ ઓછું ઇંધણ બતાવી રહ્યું હતું. જેથી પ્લેનને કરાચીમાં લેન્ડ કરવામાં આવ્યું હતું. 2 જુલાઈએ પણ સ્પાઈસ જેટના પ્લેનમાં સમસ્યા સર્જાઈ હતી. ત્યારબાદ દિલ્હીથી જબલપુર જઈ રહેલા પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કેબિનમાં ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.
સ્પાઈસજેટના પ્રવક્તાએ માહિતી આપી હતી કે ફ્લાઈટના ટેકઓફ બાદ જ્યારે વિમાન 5000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું ત્યારે પાઈલટની કેબિનમાં ધુમાડો જોવા મળ્યો હતો. આ પછી પ્લેનને દિલ્હી એરપોર્ટ પર પાછું લેન્ડ કરવામાં આવ્યું હતું. ગયા મહિને પણ 19 જૂને પણ સ્પાઈસ જેટના પ્લેનમાં સમસ્યા સર્જાઈ હતી. આ વિમાન પણ દિલ્હીથી જબલપુર જઈ રહ્યું હતું. તેની કેબિન પ્રેશરમાં સમસ્યા હતી. જેના કારણે પ્લેનને દિલ્હી પરત લાવવામાં આવ્યું હતું. તે જ દિવસે સ્પાઈસ જેટના અન્ય એક પ્લેનમાં ખામી સર્જાઈ હતી. આ પ્લેન પટનાથી દિલ્હી આવી રહ્યું હતું.