શું પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ માટે ‘નો-વિન’ સ્થિતિ?
મલેશિયામાં ફરી એકવાર મંદિરોની જમીન સંબંધિત વિવાદો ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં સેલાંગોરના રાવાંગ વિસ્તારમાં આવેલ શ્રી ઉચિમલાઈ મુનિસ્વરન મંદિરના વિવાદે દેશભરમાં ચર્ચા જગાવી છે. વિશ્લેષકો માને છે કે આ મુદ્દો માત્ર જમીનનો વિવાદ નથી, પરંતુ ઓળખ રાજકારણ, ધાર્મિક સંવેદનાઓ અને કાયદાકીય પ્રશ્નો સાથે જોડાયેલ છે. સમગ્ર મુદ્દો મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ માટે પણ રાજકીય પડકાર ઉભો કરી રહ્યો છે.

સ્થાનિક વેપારી આર. અરિન્દ્રન માટે આ મંદિર માત્ર પૂજા સ્થળ નહોતું, પરંતુ તેમની જીવન સાથે જોડાયેલ સ્મૃતિઓનું કેન્દ્ર હતું. તેઓ કહે છે કે તેમના પિતા વર્ષો પહેલા મંદિરના સંભાળક હતા અને આસપાસના રબર પ્લાન્ટેશનમાં કામ કરતા મજૂરો માટે આ મંદિર શ્રદ્ધા અને સુરક્ષાનું પ્રતિક હતું. પરંતુ હવે જમીનના માલિકો દ્વારા વિકાસ યોજનાઓના કારણે આ મંદિર વિવાદના કેન્દ્રમાં આવ્યું છે.
મંદિર તોડવાના બનાવે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી. કેટલાક લોકોનો દાવો છે કે જમીન ખાનગી માલિકીની હોવાથી કાયદાકીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી થઈ છે, જ્યારે મંદિર સમર્થકોનું કહેવું છે કે દાયકાઓથી ચાલતા ધાર્મિક સ્થળને તોડતા પહેલા સંવાદ અને કોર્ટની પ્રક્રિયા વધુ પારદર્શક હોવી જોઈએ.
વિશ્લેષકોનું કહેવું છે કે આ પ્રકારના વિવાદોના મૂળ બ્રિટિશ શાસનકાળ સુધી જાય છે. તે સમયે ભારતીય મજૂરો દ્વારા પ્લાન્ટેશન વિસ્તારોમાં અનેક મંદિરો બનાવવામાં આવ્યા હતા. ત્યારે આ સ્થળો દૂરદરાજ વિસ્તારમાં હતાં અને સત્તાવાર જમીન હક્ક મળ્યા નહોતા. આજે શહેરીકરણ અને જમીનની કિંમત વધવાથી તે જ સ્થળો હવે વિકાસ પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ બની ગયા છે.
મલેશિયામાં જમીન માલિકીના કાયદા હેઠળ નોંધાયેલ માલિકને પ્રાથમિકતા આપવામાં આવે છે. તેથી ઘણા જૂના મંદિરો પાસે કાનૂની દસ્તાવેજ ન હોવાને કારણે વિવાદ ઊભા થાય છે. બીજી તરફ, ધાર્મિક અને સામાજિક ભાવનાઓને કારણે આ મુદ્દો વધુ સંવેદનશીલ બની જાય છે.જો કે રાજકીય રીતે પણ આ મુદ્દો જટિલ છે. મલેશિયામાં ભારતીય મૂળના લોકોની સંખ્યા લગભગ સાત ટકા છે અને ઘણા લોકો ગયા ચૂંટણીમાં અનવર ઇબ્રાહિમના ગઠબંધનને સમર્થન આપ્યું હતું. જો સરકાર કડક કાયદાકીય પગલાં લે તો અલ્પસંખ્યકોમાં અસંતોષ વધી શકે છે. પરંતુ જો સરકાર નરમ વલણ દાખવે તો વિરોધ પક્ષ તેને રાજકીય મુદ્દો બનાવી શકે છે.
આ કારણે રાજકીય નિરીક્ષકો માને છે કે મંદિર જમીન વિવાદો મલેશિયામાં માત્ર કાયદાકીય પ્રશ્ન નહીં પરંતુ સામાજિક સમરસતા અને રાજકારણ વચ્ચેનું નાજુક સંતુલન છે. અને હાલની પરિસ્થિતિમાં પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ માટે આ ખરેખર એક ‘નો-વિન’ સ્થિતિ બની રહી છે.