નડિયાદ: નડિયાદ પાલિકાની સામાન્ય સભા તારીખ ૨૮ જાન્યુઆરીને શુક્રવારના રોજ બપોરના ૧૨ વાગ્યે પાલિકાના સભાગૃહમાં યોજાઈ હતી. જેમાં એજન્ડા મુજબના ૧૩ કામો બહુમતીના જોરે મંજુર કરી અડધી મિનીટમાં જ સભા પૂર્ણ કરવામાં આવી હતી. ચાલુ સભા દરમિયાન વિપક્ષના સભ્યોએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. નડિયાદ પાલિકાની સામાન્ય સભા શુક્રવારના રોજ પાલિકાના સભાગૃહમાં યોજાઈ હતી. સામાન્ય સભાની શરૂઆત થતાંની સાથે જ વિપક્ષના સભ્યો દ્વારા થાળી વગાડી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જોકે, પાલિકાના પ્રમુખ દ્વારા તમામ કામો મંજુર બોલી માત્ર અડધી મિનીટમાં જ સભા પૂર્ણ કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં એજન્ડા મુજબના ૧૩ કામો સર્વાનેમતે મંજુર કરવામાં આવ્યાં હતાં. જેમાં ગત સામાન્ય સભાનું પ્રોસીડીંગ, પાલિકાનો દ્વિતીય ત્રિમાસક હિસાબ, ચિલ્ડ્રન સ્વીમીંગ પુલના નિયમો તથા ફીનું ધોરણ, પાલિકાના એડવોકેટ તરીકે અલ્પેશ શાહને બહાલી, જનભાગીદારીથી બનાવવામાં આવનાર ખુશ્બુ પાર્ક સોસાયટીના રસ્તા માટે થનાર રૂ.૩,૦૫,૩૦૦, સરદાર યુથ ક્લબનું બાકી ભાડું વસુલ કરી વહીવટકર્તાંનું નામ બાબતની અરજી ધ્યાને લઈ નિર્ણય લેવા, નગર રચના યોજના નં ૮ મુળખંડોની માપણી કરી મૂળ રેકર્ડ સાથે મેળવણું કરવા તેમજ ડીઆઈએલઆરનું નિમતાણું મેળવવાની કામગીરી માટે નેવીગેટર મોર્ડન સર્વે એજન્સીના ભાવો ઓછા હોવાથી તેનું ચુકવણું કરવા,.
દાવલીયાપુરા સ્પોર્ટ્સ સંકુલમાં આવેલ પાંચ દુકાનો હરાજીથી ભાડે આપવા, ગુજરાત મ્યુ.ફાઈનાન્સ બોર્ડના તા.૮-૧૦-૨૧ થી ત્રીજા હપ્તા પેટે રૂપિયા ૧.૨૫ કરોડ તેમજ ૨૦-૧૨-૨૧ અંતર્ગત આખરી હપ્તા પેટે રૂપિયા ૧.૨૫ કરોડની મળનાર ગ્રાન્ટનું આયોજન પ્રમુખ તથા મુખ્ય અધિકારીને સત્તા આપવા, ગુજરાત.મ્યુ.ફા.બોર્ડના તા.૧૬-૯-૨૧ થી મળેલ દંડકીય વ્યાજની રકમ રૂ.૨,૨૩,૩૯૪ નું આયોજન કરવા પ્રમુખ તથા મુખ્ય અધિકારીને સત્તા આપવાનો નિર્ણય લેવા બાબત, ગુ.મ્યુ.ફા.બોર્ડના તા.૧૨-૧૧-૨૧ થી મળેલ રકમ રૂ.૨,૯૩,૪૫,૦૬૬ નું આયોજન પ્રમુખ તથા મુખ્ય અધિકારીને સત્તા આપવાનો નિર્ણય, પાલિકાના છ કર્મચારીઓને હાઈકોર્ટના તા.૨૯-૧-૧૪ ના ઓરલ ઓર્ડર મુજબ પુન: નિયમીત કરવા જરૂરી દરખાસ્ત નિયામક દ્વારા તા.૮-૨-૧૬ ના રોજ નામંજુર કરતાં તમામ કર્મચારીઓએ તા.૨-૧૨-૨૧ ના રોજ ઓરલ ઓર્ડર મુજબ ફરીથી અપીલ કરતાં તેઓને પુન: નિયમીત કરવા કમિશ્નરને દરખાસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.