નડિયાદ: ખેડા શહેરથી ખેડા કેમ્પ જવાના રસ્તા ઉપર વળાંકમાં આવેલ એક જમીનના માલિકે રોડ માર્જીનની જગ્યા છોડ્યા વિના, મુખ્ય માર્ગને અડોઅડ માટી પુરાણ કરી સરકારી જગ્યા ઉપર દબાણ કરી, તે જગ્યા ઉપર લગાવવામાં આવેલા દિશાસૂચક બોર્ડ તોડી પાડી તંત્રને નુકશાન પહોંચાડ્યું હોવા અંગે પ્રાંત અધિકારીને રજુઆત કરવામાં આવી છે.
ખેડા શહેરથી ખેડા કેમ્પ તરફ જવાના માર્ગ પરના એક વળાંક પર રોડને અડીને એક જમીન તાજેતરમાં જ અમદાવાદના એક ઈસમે ખરીદી, તેમાં માટી પુરાણની કામગીરી શરૂ કરાવી હતી.
જે દરમિયાન માથાભારે જમીન માલિકે રોડ માર્જીનની જગ્યા છોડ્યાં વિના મુખ્ય માર્ગને અડોઅડ માટીનું પુરાણ કરી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કર્યું હતું. એટલું જ નહીં રસ્તાની સાઈડમાં લગાવવામાં આવેલાં બે દિશાસૂચક બોર્ડ આ ગેરકાયદેસર દબાણ વચ્ચે અડચણરૂપ બનતાં હોવાથી જમીન માલિકે બંને બોર્ડ તોડી પડાવી તંત્રને નુકશાન પહોંચાડ્યું હતું. જે પૈકી એક બોર્ડ પુરાણ કરેલી માટી નીચે દબાવી દીધું હતું. આ અંગેની જાણ સ્થાનિકો તેમજ પાલિકાના એક કાઉન્સિલરને થતાં, તેઓએ આ મામલે ખેડા પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી હતી અને ભુમાફિયા સામે ત્વરિત પગલાં ભરી, નિયમોનુસારની કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ભૂમાફિયાઓએ માથું ઉંચક્યું છે. વહીવટી તંત્રની આળસ અને ખાણ – ખનિજ વિભાગની હપ્તાખોરીની નીતિના કારણે માટી ચોરી, ખનનનું પ્રમાણ વધી ગયું છે. આ બાબતે પગલાં ભરવા જરૂરી બન્યું છે.
ભુમાફિયાઓ અને બોગસ ખેડુતો સાથે સ્થાનિક તંત્રની મિલીભગત હોવાની ચર્ચા
સરકારના કડક કાયદાઓ વચ્ચે સ્થાનિક તંત્રને લાલીયાવાડી ને પગલે ખેડા અને માતર પંથકમાં બોગસ ખેડુતો તેમજ ભુમાફિયાઓનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે બની બેઠેલાં આવા બોગસ ખેડુતો સામે હાલ ઉચ્ચ અધિકારીની તપાસ ચાલી રહી છે. એવા સમયે જ ભુમાફિયાઓ દ્વારા સરકારી જગ્યાઓ ઉપર ગેરકાયદેસર દબાણો કરવાના કિસ્સોઓ સામે આવતાં ચકચાર મચી છે. ત્યારે ભુમાફિયાઓ અને બોગસ ખેડુતો સાથે સ્થાનિક તંત્રની મિલીભગત હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.