સુરત(Surat) : ‘બન્ને પાર્ટીઓ મારી ઉપર દબાણ કરી માનસિક ત્રાસ આપી રહી છે, જીવવા પણ નથી દેતા અને શાંતિ થી રહેવા પણ નથી દેતા, ભાઈ ને વિનંતી કરું છું કે મારા બાળકો ને સાચવી લેજે’ એવી સુસાઇડ (Suside) નોટ લખી લાજપોરના (Lajpore) જમીન દલાલે (Land Broker) ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.
ગઈ તા. 7 ની ઓક્ટોબર ના રોજ ચીખલીના આલીપોર નજીકથી પોતાની કારમાં બેભાન મળી આવેલા ઇરફાન સુલેમાન ગરડાને મિત્રોએ પ્રથમ નજીકની પછી લાજપોરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. કારમાંથી સુસાઇડ નોટ મળી આવ્યા બાદ પોલીસે ઇરફાન ભાઈના નિવેદન લીધાના કલાકોમાં ઇરફાન ગરડા એ છેલ્લો શ્વાસ લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. હાલ પોલીસે કમરું અન્સારી, ઉમર કોલા, સલીમ શેખ, અને જયરામ ભાઈ સહિત ના વ્યાજખોરો સામે તપાસ કરી કડક સજા કરાવવા ગરડા પરિવારે પોલીસ સમક્ષ રજૂઆત કરી છે.
પરિવારે જણાવ્યું હતું કે ઇરફાન સુલેમાન ગરડા (ઉં.વ. 38 ) લાજપોર ગરડા મોહલ્લોમાં રહેતા હતા અને જમીન દલાલી અને ખેતીવાડી ના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. પરિવારમાં પત્ની અને 5 વર્ષની દીકરી તેમજ 8 મહિનાનો દીકરો છે. ગઈ તારીખ 7 મી ના રોજ ઇરફાન ભાઈ મોડી સાંજે ચીખલીના આલીપોર નજીક પોતાની કારમાંથી ઝેરી પીધેલી હાલતમાં મળી આવતા મિત્રો એ પરિવાર ને જાણ કરી હતી. ત્યારબાદ નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ બીજા દિવસે લાજપોરની ખાનગી હોસ્પિટલમાં લઈ (રીફર) આવ્યા હતા. જ્યાં ચીખલી પોલીસ નિવેદન પણ લઈ ગઈ હતી.
વધુમાં જણાવ્યું હતું કે 9 મી મધરાત્રે ઇરફાન ભાઈનું પોલીસ નિવેદન લઈ ગયા બાદ થોડા કલાકોમાં જ મોત નીપજ્યું હતું. પરિવાર આખું શોકમાં ગરકાવ થઈ ગયું હતું. ઘટનાની જાણ ફરી ચીખલી પોલીસ ને કરવામાં આવી હતી. ઇરફાન ભાઈ એ કેટલાક લોકોને માનસિક ત્રાસથી આવું પગલુ ભર્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ત્યારબાદ પોલીસે કાર ની અંદર તપાસ કરતા ચાર પાના ની સુસાઇડ નોટ ઇરફાન ભાઈના હાથે લખેલી મળી આવી હતી. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.
સ્યુસાઈડ નોટમાં લખી આપવીતી
જમીનના સોદા પેટે લીધેલા 10 લાખ ચૂકવી દીધા બાદ પણ સામા વાળા નફા પેટે 50 લાખની માગણી કરી ફોન પર ઈરફાનને ધમકીઓ આપતા હતા. એટલું જ નહીં પણ ડીંડોલીના એક વ્યાજખોર 50 લાખ સામે 1.75 કરોડ માંગી વારંવાર ફોન કરી ધમકીઓ સાથે માનસિક ત્રાસ પણ આપી રહ્યા છે. જીવવા પણ નથી દેતા અને શાંતિથી રહેવા પણ નથી દેતા, વારંવાર ટોચર કરવા ફોન કરી રહ્યા છે, પરિવાર ની માફી માગું છે અને ભાઈ મારા બન્ને બાળકો ને સાચવી લેજે એવી સુંસાઈડ નોટ લખી ઇરફાન ગરડા એ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.