સુરત : ઉમરવાડામાં ધો.7ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં ઉમરવાડામાં આવેલા રાજીવનગરમાં રહેતા રાજકુમાર પટેલ કાપડ માર્કેટમાં સાડીની દુકાનમાં કામ છે. તેમના પરિવારમાં પત્ની અને 2 સંતાન છે. રાજકુમારના 2 સંતાન પૈકી 12 વર્ષીય પુત્રી સંજોગતા બોમ્બે માર્કેટ પાસે મનપા સંચાલિત પ્રાથમિક શાળામાં ધો.7માં અભ્યાસ કરતી હતી. આજે સવારે સંજોગતાએ ઘરમાં છતની એંગલ સાથે સાડી બાંધીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેણીએ કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે રહસ્ય સર્જાયું છે. આ અંગે વધુ તપાસ પુણા પોલીસ કરી રહી છે.
લાન્સર્સ આર્મી સ્કૂલની ધોરણ-9 વિદ્યાર્થિની દસમાં માળેથી નીચે પટકાતા મોત
સુરત : ભટાર ખાતે રહેતી અને લાન્સર્સ આર્મી સ્કૂલમાં ધોરણ-9માં ભણતી વિદ્યાર્થિની દસમાં માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. વિદ્યાર્થિની ઘરના દસમાં માળની અગાસી પર રમી રહી હતી. એ વેળા રમતા-રમતા અકસ્માતે નીચે પટકાઇ હતી. જેથી તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેણીને મૃત જાહેર કરી હતી.
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં ભટાર વિસ્તારમાં આવેલ આર.ડી હાઈરાઇઝમાં પ્રમોદ સ્વામી પત્ની અને બે પુત્રી સાથે રહે છે. પ્રમોદ ભેસ્તાન વિસ્તારમાં આવેલ યુનિટી ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોડરીનું યુનિટ ચલાવે છે. પ્રમોદની બે પુત્રી પૈકી 14 વર્ષીય યતીકા પીપલોદ વિસ્તારમાં આવેલ લાન્સર્સ આર્મી સ્કૂલનાં ધોરણ-9માં અભ્યાસ કરતી હતી. કાલે યતીકા ઘરના દસમાં માળની અગાસી પર રમતી હતી. એ વેળા અકસ્માતે યતીકા નીચે પટકાઇ હતી. જેથી તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેણીને મૃત જાહેર કરી હતી. આ અંગે વધુ તપાસ ખટોદરા પોલીસ કરી રહી છે.
