National

લાલુ યાદવની તબિયત લથડી, મોડી રાત્રે દિલ્હીની AIIMSમાં દાખલ કરાયા

નવી દિલ્હી: બિહારના (Bihar) પૂર્વ સીએમ લાલુ યાદવના (Lalu Yadav) સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું હતું. અસલમાં લાલુ યાદવની તબિયત બગડવાને કારણે ગઈકાલે રાત્રે તેમને દિલ્હી એમ્સમાં (AIIMS) દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે તેમની તબિયત સ્થિર હોવાથી તેમને દિલ્હી એઈમ્સમાંથી રજા આપવામાં આવી હતી.

મળેલી માહિતી મુજબ લાલુ યાદવની તબિયત અચાનક બગડી હતી, જે બાદ તેમને ગઈકાલે રાત્રે દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે લાલુ યાદવની એઈમ્સમાં ડોક્ટરોની કડક દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હતી અને રાત્રે પણ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ દરમિયાન લાલુ અને તેમના પરિવારના સભ્યો હોસ્પિટલમાં હાજર હતા.

લાલુ સોમવારે જ પટનાથી દિલ્હી આવ્યા હતા. ત્યારે ડોક્ટરોએ જણાવ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવનું બીપી લેવલ વધી ગયું હતુ. હાલમાં દિલ્હી AIIMSના વરિષ્ઠ ડૉક્ટર રાકેશ યાદવે કહ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવની હાલત સ્થિર છે અને તેઓ ઠીક છે. તેમજ તેમને પ્રાથમિક સારાવાર બાદ રજા આપવામાં આવી હતી.

લાલુનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું
લાલુનું વર્ષ 2022માં મોટું ઓપરેશન થયું હતું અને તેમની કિડની સિંગાપોરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે લાલુ લાંબા સમયથી અનેક બીમારીઓથી પીડિત છે. તેઓ લાંબા સમયથી ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી પીડિત હતા. ત્યારે વર્ષ 2022માં લાલુ યાદવને સિંગાપોરના ડોક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી. જે બાદ તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી અને ત્યારથી તેમની તબિયતમાં સુધારો થયો હતો.

સ્વસ્થ થયા બાદ લાલુ ફરી રાજકારણમાં સક્રિય થયા અને ચૂંટણી દરમિયાન મંચ પરથી ભાષણ પણ આપ્યું હતું. અગાઉ લાલુ યાદવને ઘાસચારા કૌભાંડ કેસમાં સજા સંભળાવવામાં આવી હતી, ત્યારબાદ તેમને રાંચીની રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલુ હતી. સારવાર દરમિયાન તેમની તબિયત વધું બગડતાં તેમને એરલિફ્ટ કરીને દિલ્હી એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા.

લાલુ યાદવની સોશિયલ મીડિયા પોસ્ટ
લાલુ હાલના દિવસોમાં સક્રિય રાજનીતિથી દૂર છે. ત્યારે તેઓ સમય સમય પર X પર કંઈક પોસ્ટ કરતા હોય છે. હાલમાં જ તેમણે NDA સાથે જોડાયેલી એક પોસ્ટ કરી હતી. માનવામાં આવે છે કે લાલુ યાદવ હવે તેજસ્વી યાદવને બિહારના મુખ્યમંત્રી બનતા જોવા માંગે છે. હોસ્પિટલમાંથી લાલુ યાદવની તસ્વીર બહાર આવતા જ આરજેડી સમર્થકો અને તેમના ચાહકો તેમના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરવા લાગ્યા હતા. ત્યારે આરજેડીના નવા ચૂંટાયેલા સાંસદ સુરેન્દ્ર પ્રસાદ યાદવે ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી હતી. સુરેન્દ્ર પ્રસાદ યાદવે લખ્યું હતું કે મારા ગુરુ અને રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય લાલુ પ્રસાદ યાદવની તબિયત ખરાબ હોવાના સમાચાર મળ્યા બાદ તેઓ લાલુના સ્વાસ્થ્યની માહિતી લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

Most Popular

To Top