આમીરખાને નિર્માતા- અભિનેતા તરીકે બનાવેલી ‘લગાન’ ફિલ્મને હમણાં વીસ વર્ષ પૂરા થયા. આ એ ફિલ્મ છે જેનાથી તે નિર્માતા તરીકે અને આશુતોષ ગોવારીકર દિગ્દર્શક તરીકે સ્થપાયો. આ ફિલ્મમાં ક્રિકેટ છે પણ તેનો ઉપયોગ સાવ જૂદી રીતે થયો છે. ક્રિકેટની ટીમ જયારે બનાવો તો તેમાં રમત રમવાની ક્ષમતા જોવામાં આવે છે. કઇ જ્ઞાતિ, ધર્મ, વર્ગ નથી જોવાતો. આવું સંગઠન આ ફિલ્મમાં એકતા રચે છે ને એ એકતા જ અંગ્રેજોને શિકસ્ત આપે છે. ક્રિકેટ મેચનો આખો અર્થ આ ફિલ્મમાં બદલાઇ ગયો છે કારણકે અંગ્રેજો જે ‘લગાન’ વસુલી શોષણ કરે છે તેની સામેનો જંગ છે. આમીર અને આશુતોષે આખી ફિલ્મનું લેવલ મોટું કરી નાંખ્યુ છે અને તેની તે કલાસિકલ બની ગઇ છે.
આમીરખાને આ ફિલ્મ માટે કોઇ વિદેશનું લોકેશન પસંદ કરવાનું નહતું અને તેણે પોતે પ ણ ગામડાના માણસ તરીકે જ દેખાવાનું હતું. આમીરે કચ્છમાં આ ફિલ્મનું શૂટિંગ પસંદ કરેલું. આમીરે અપૂર્વ લાખિયાને મુખ્ય સહાયક દિગ્દર્શક તરીકે રાખેલા કારણકે તે ગુજરાતી હોવાથી કચ્છને ય બરાબર જાણતા હતા. પણ લોકેશન ગુજરાતી હતું એટલે ગુજરાતી સંગીતની જરૂર હોય એવું નહોતું. આમીરે એ.આર. રહેમાન પાસે સંગીત તૈયાર કરાવેલું અને જાવેદ અખ્તર પાસે ગીતો લખાવેલા. ફિલ્મમાં એક પ્રણય ત્રિકોણ પણ ઉમેરેલો જે રાધા-કૃષ્ણ પ્રેમ કથા સાથે પ્રેક્ષકને જોડે છે. વિદેશ સ્ત્રી (રાચેલ શેલી) સાથે પ્રેમ નથી પણ આમીરને ચાહતી (ગ્રેસીસીંગ) ઇર્ષા અનુભવે છે ને ‘રાધા કૈસે ના જલે’ ગીત આવે છે.
આશુતોષ જયારે આમીર પાસે ‘લગાન’ની પટકથા સાથે આવ્યો ત્યારે આમીરને પટકથા તો ગમી પણ પછી બંને વિચારવા માંડયા કે નિર્માતા તરીકે કોને કહીએ. આશુતોષ ત્યારે બે ફિલ્મનું દિગ્દર્શન કરી ચુકેલો પણ નિષ્ફળ ગયેલી એટલે કોઇ નિર્માતા તૈયાર થાય તેમ નહતું. આમીરને થયું ફિલ્મ તો બનવી જ જોઇએ અને તેથી થયું કે કોઇ નહિ તો હું જાતે જ તેનું નિર્માણ કરીશ. આમીરે પોતાની રીતે કળાકારો પસંદ કર્યા. તેને કોઇ બીજા મોટા સ્ટાર્સની જરૂર નહતી એટલે ટીમ તરીકે બહુ જાણીતા ન હતા એવા કળાકારો લઇ શકાય તેમ હતું. હીરોઇન તરીકે ય ત્યારની કોઇ જાણીતી અભિનેત્રીને બદલે ગ્રેસી સિંઘને લીધી. વિચાર તો રાણી મુખર્જીનો થયેલો પણ તેની પાસે તારીખ નહતી પછી સોનાલી બેન્દ્રે, નંદિતા દાસ, શમીતા શેટ્ટી અને અમીષા પટેલ પણ વિચારાયેલી પણ આખર ગ્રેસીસિંઘ આવી ગઇ.
આશુતોષ શરૂમાં ફિલ્મ વિચારેલી ત્યારે તો તેના મનમાં શાહરૂખખાન, બોબીદેઓલ, ઋત્વિક રોશન અને અભિષેક બચ્ચન પણ હતા પણ આમીરને પકથા સંભળાવ્યા પછી કોઇ બીજું શકય જ ન હતું. ‘લગાન’ એક વર્ષમાં બની હતી. ભૂજ પાસે છ મહિના સુધી શૂટિંગ ચાલ્યું. જાન્યુઆરમાં શરૂ ને જૂનમાં પૂરું. સવારે છ વાગ્યે બધાએ લોકેશન પર હાજર થઇ જવાનું. બધા ભુજમાં રોકાતા અને ત્યાંથી લોકેશન માટે બસ ઉપડતી. આમીરખાન બધા સાથે બસમાં જ સફર કરતા એટલે સેટ પર કોઇ મોડું પહોંચે એ શકય જ ન હતું. આ બધાને કારણે જ ફિલ્મ જે રીતે બની તે તેને સફળ બનાવી ગઇ. આમીરે ૬૫૯.૭ મિલીયનની કમાણી કરેલી અને પછી ચીનમાં રજૂ થઇ તો ત્યાં ૧૭.૧ મિલીયનની કમાણી થઇ.