સુરતઃ કાપોદ્રા ખાતે આવેલી નાલંદા વિદ્યાલયની ગાડીના કાચ એક લેડી ડોન બનીને ફરતી ભાવના અને તેની સાથે બીજા 5 જણાએ તોડી ભયનો માહોલ ઉભો કરવા પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પુણા ગામ ખાતે આવેલા દાન ગીગેવ સોસાયટીમાં નાલંદા વિદ્યાલયના ટેરેસ ઉપર રહેતા અને સ્કુલમાં જ ક્લાર્ક તરીકે નોકરી કરતા 30 વર્ષીય જયેશભાઈ બાલુભાઈ ગરેજાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વિરાગ ઉર્ફે ફાફડી, પાર્થ ઉર્ફે ભાણો, નિરવ ગૌસ્વામી, ભાવના ઉર્ફે ભાવલી તથા 3 અજાણ્યાઓની સામે ફરિયાદ નોંધાવી છે.
ગત 6 તારીખે રાત્રે બારેક વાગે સ્કુલના એડમિન વિપુલભાઈએ ફોન કરીને જયેશને સ્કુલના નીચે બોલાવ્યો હતો. સ્કુલની ગાડીના કાચ કોઈએ તોડી નાખ્યા હોવાથી સીસીટીવી ચેક કરવાના હતા. જયેશે આવીને સીસીટીવી ચેક કરતા કિરણપાર્ક તરફથી એક બાઈક ઉપર બે જણા આવીને સ્કુલની ગાડી પાસે આવી ઉભી રહી હતી. પાછળ બેસેલો વ્યક્તિ ઉતરી ગયો હતો. અને બાઈક ચાલક જતો રહ્યો હતો. બાદમાં બીજી બાઈક ઉપર બે જણા આવ્યા હતા.
બીજી એક મોપેડ ઉપર ત્રણ સવારી આવ્યા હતા. તેમાં પાછળ એક છોકરી પણ હતી. તેમના હાથમાં અણીદાર હથિયાર જેવું હતું. જેમાંથી એક જણાએ તેના વડે સ્કુલની ગાડીના કાચને ફટકો મારી કાચ તોડી નાખ્યો હતો. ત્યારબાદ મોપેડ ચાલક અને તેમની સાથે આવેલી છોકરી ભાવના બંને જતા રહે છે. જ્યારે બાઈક ચાલક અને બીજા ત્રણ જણા ઝઘડો બોલાચાલી કરતા સીસીટીવીમાં દેખાય છે. તેમને સ્કુલના વોચમેન સાથે પણ ગાળાગાળી કરી હતી. ગાડીનો કાચ તોડનાર વ્યક્તિ વિરાગ ઉર્ફે ફાફડી અને બીજો પાર્થ હોવાની ઓળખ થઈ હતી. કાપોદ્રા પોલીસે તમામની સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ભાવનાનો હથિયારો લઈને મોપેડ ઉપર ત્રણ સવારી જતો વિડીયો વાયરલ થતા ગુનો દાખલ
બીજી બાજું કાપોદ્રા પોલીસે સોસિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થતા તેની તપાસ કરી ફરિયાદ દાખલ કરી છે. ગત 6 તારીખે જ્યારે સ્કુલની ગાડીના કાચ તોડવાની ઘટના બની તે પહેલા રાત્રે અગિયાર વાગે એક મોપેડ ઉપર ત્રણ જણા વાહન હંકારી જતા હતા. બીજા વાહન ચાલકો સાથે અકસ્માત થાય તેવી રીતે મોપેડ ચલાવતા હતા. અને પાછળ બેસેલા બંને વ્યક્તિઓના હાથમાં ધારદાર ચપ્પુ અને દંડા જેા હથિયાર હતા. પોલીસે આ વાયરલ વિડીયો ચેક કરતા કાપોદ્રા મુરઘા કેન્દ્રથી સત્યનારાયણ સોસાયટી તરફ જતા રોડ પરનો હોવાનું જાણવા મળ્યું હતું. મોપેડમાં પાછળ બેસેલી ભાવના ઉર્ફે ભાવીકા અનીલભાઈ વાળા હતી. અગાઉ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ દાખલ થઈ હતી અને તેની ધરપકડ પણ થઈ હતી. તેની સામે કાપોદ્રા પોલીસે વધુ એક ફરિયાદ જાહેરનામા ભંગની દાખલ કરી હતી.