National

‘વાંગચુક પાકિસ્તાની જાસૂસના સંપર્કમાં હતા..’ લદ્દાખના DGPનો ચોંકાવનારો ખુલાસો

લદ્દાખના ડીજીપી એસડી સિંહ જામવાલે શનિવારે જણાવ્યું હતું કે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓપરેટિવ (પીઆઈઓ) ના સભ્યના સંપર્કમાં હતા. પીઆઈઓ સભ્યની પોલીસે થોડા દિવસો પહેલા ધરપકડ કરી હતી અને તે પાકિસ્તાનને મહત્વપૂર્ણ માહિતી મોકલી રહ્યો હતો. અમારી પાસે આના રેકોર્ડ છે. વધુમાં વાંગચુકે પાકિસ્તાની અખબાર ડોન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. તેમણે બાંગ્લાદેશની પણ મુલાકાત લીધી હતી. આ તમામ બાબતોની તપાસ હાલમાં ચાલી રહી છે.

લદ્દાખના ડીજીપી એસડી સિંહ જામવાલે સોનમ વાંગચુકની ધરપકડન બાબતે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે વાંગચુક વિશે ચોંકાવનારા દાવા કર્યા. એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જામવાલે કહ્યું કે 24 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકાર સાથેની વાતચીત પહેલા “કહેવાતા પર્યાવરણીય કાર્યકરો” દ્વારા ભડકાઉ ભાષણોથી હિંસા ભડકી હતી. તેમણે આરોપ લગાવ્યો કે કાર્યકર્તા સોનમ વાંગચુકે વાતચીત પ્રક્રિયાને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. ડીજીપીએ જણાવ્યું કે હિંસા દરમિયાન આશરે પાંચથી છ હજાર લોકોએ સરકારી ઇમારતો અને રાજકીય પક્ષના કાર્યાલયો પર હુમલો કર્યો. ચાર લોકો માર્યા ગયા અને મોટી સંખ્યામાં નાગરિકો, પોલીસ અને અર્ધલશ્કરી કર્મચારીઓ ઘાયલ થયા.

વિદેશી કડીઓની તપાસ
વિદેશી દખલગીરી વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું, “તપાસમાં વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. શું તેઓ કોઈ ષડયંત્રનો ભાગ છે કે નહીં તે હમણાં કહેવું મુશ્કેલ છે. નેપાળી મજૂરો અહીં કામ કરી રહ્યા છે, તેથી તપાસ જરૂરી છે.” ડીજીપીએ જણાવ્યું હતું કે કર્ફ્યુમાં બે તબક્કામાં છૂટછાટ આપવાની યોજના છે.

જામવાલે કહ્યું કે તપાસકર્તાઓ સંભવિત પાકિસ્તાની કડીઓની તપાસ કરી રહ્યા છે, વાંગચુકની સરહદ પારની અગાઉની યાત્રાઓ અને ઇસ્લામાબાદમાં અધિકારીઓ સાથેની કથિત વાતચીત તરફ ધ્યાન દોર્યું. ડીજીપીએ દાવો કર્યો હતો કે “યોજના અને સંકલન પહેલાથી જ થઈ ગયું હતું,” અને ભાર મૂક્યો હતો કે તણાવ વધુ વધતો અટકાવવા માટે ધરપકડ જરૂરી હતી.

ડીજીપી જામવાલે કહ્યું, “24 સપ્ટેમ્બરે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. ચાર લોકોના મોત થયા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા. કેટલાક કહેવાતા પર્યાવરણીય કાર્યકરોએ પ્રક્રિયાને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો.” સૌથી અગ્રણી નામ સોનમ વાંગચુક છે જેમણે અગાઉ સમાન નિવેદનો આપીને પ્રક્રિયાને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો છે.

સોનમ વાંગચુકની એનએસએ હેઠળ ધરપકડ
પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (એનએસએ) હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે. શુક્રવારે લદ્દાખમાં ધરપકડ કર્યા પછી તેમને ગઈકાલે રાત્રે જોધપુર જેલમાં લઈ જવામાં આવ્યા હતા.

Most Popular

To Top