SURAT : ચેમ્બર ઓફ કોમર્સ ( chember of commerce) એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘ટેરેસ ઉપર પોતાનાં શાકભાજી ઉગાડો અને કિચન ગાર્ડન’ વિષય ઉપર વેબીનારમાં ( webinar) કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક પ્રોફેસર ભક્તિ પંચાલે જણાવ્યું હતું કે, ઘર–મકાનની જમીન, અગાસી, છત કે બાલ્કનીમાં કુટુંબની જરૂરિયાત પૂરતી શાકભાજી ઉગાડી શકાય છે. શાકભાજીની સાથે ફૂલછોડ અને આયુર્વેદિક છોડ પણ વાવવા જોઇએ.
જેથી મધમાખી આવી શકે. રીંગણ, ટામેટાં, મરચાં, ભીંડા વગેરે શાકભાજીને છથી આઠ કલાક સૂર્યપ્રકાશની જરૂર પડે છે. જ્યાં સૂર્યપ્રકાશ આવતો હોય અને પાણી સરળતાથી આપી શકાય એવી જગ્યાનો ગાર્ડનિંગ માટે ઉપયોગ કરવો જોઇએ. સિઝન પ્રમાણે પાલક, મેથી, ફૂદીનો, લીલી ચા, કઢી લીમડો, ધાણા, કારેલાં, દૂધી, તુરિયાં, ગલકાં, બીટ, ગાજર, લસણ, મૂળા, ડુંગળી અને ચોળી ઉગાડી શકાય છે. તેમણે માટી, અળસિયાનું ખાતર, કોકોપીટ, નીમ કેક, કેસ્ટ્રા કેક અને ટ્રાયકોડર્મા વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
નાયબ બાગાયત નિયામક દિનેશ પડાલિયાએ જણાવ્યું હતું કે, આરોગ્યને સાચવવા માટે કિચન ગાર્ડનની જરૂરિયાત ઊભી થઇ છે. રોજિંદા જીવનમાં દરેકે રપ૦ ગ્રામ લીલી શાકભાજી અને ૧પ૦ ગ્રામ ફળો આરોગવા જોઇએ. પણ લોકો જરૂરિયાત કરતાં ઓછી શાકભાજી અને ફળો આરોગે છે. વિટામિન અને મિનરલ્સની ઉણપને કારણે પૂરતું પોષણ નહીં મળે તો પાચન પ્રક્રિયા નબળી પડે છે અને હૃદયરોગ સહિતના વિવિધ રોગ થતા હોય છે. કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડનને કારણે હવામાં રહેલા રજકણોને ગાળીને ઘરમાં ચોખ્ખી હવા આવે છે. બધી વનસ્પતિઓ રોજિંદા ખોરાકમાં લેવામાં આવે તો શરીર માટે જડીબુટીનું કામ કરે છે અને શરીરને ઝેરરહિત કરે છે. પ્રકૃતિ જ ઘરમાં આવે તો વાતાવરણ પણ સકારાત્મક બને છે અને બધા સભ્યો મેન્ટલી તાજા રહે છે. ઘરમાં રહેનારી વ્યક્તિઓનો મિજાજ પણ સુધારે છે. શાકભાજી માટેનો ખર્ચ પણ ઘટી જાય છે.
કિચન ગાર્ડનનાં ( kitchan garden) ફૂલોમાંથી ઘણી ખાદ્યવસ્તુઓ બનાવી શકાય છે. ગુલાબને એકઠા કરીને ગુલાબ જળ, ગુલકંદ, ગુલાબ શરબત તથા જાસૂદનાં ફૂલમાંથી જાસૂદનું શરબત તથા તેના પાન અને ફૂલમાંથી વાળ માટે તેલ બનાવી શકાય છે. ઘરઆંગણે તથા આજુબાજુની ખુલ્લી જગ્યામાં છોડ ઉછેરવાથી ઘરની આસપાસના તાપમાનમાં ઘટાડો કરી શકાય અને ઓક્સિજન વધારી શકાય છે. અજાણતાને કારણે ઘણી વખત કિચન ગાર્ડનમાં બિયારણ, માટી, ખાતર માટે કરેલો ખર્ચ જેટલું શાકભાજી મેળવી શકાતું નથી. આથી કિચન ગાર્ડનમાં થતાં શાકભાજીને લગાવવાની ૠતુ, પદ્ધતિ, રોગ અને જીવાત વિશે સમજણ કેળવવી જરૂરી છે.
ડો.રેખા મિસ્ત્રીએ તેમનો અનુભવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, લોકો ઓર્ગેનિક ફાર્મિંગ વિશે જાણે છે અને ઓછા તબક્કે પણ એક પ્રકારે ટેરેસ ઉપર ઓર્ગેનિક ફાર્મિંગ કરી શકાય છે. ટેરેસ ગાર્ડન કે કિચન ગાર્ડનમાં કોઇપણ પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો નથી. આથી ઓર્ગેનિક શાકભાજી અને ફળો પરિવારજનોને પોષણ આપે છે. ટેરેસ ગાર્ડનિંગને કારણે ઓક્સિજન વધે છે અને પર્યાવરણમાં રહેલું પ્રદૂષણ પણ ઘટે છે. ટેરેસ ગાર્ડન કે કિચન ગાર્ડનમાં ઘરના દરેક સભ્યો જોડાય છે. જેથી તેમની એકબીજાના પ્રત્યે આત્મિયતા વધે છે. કિચન ગાર્ડનિંગનો ફાયદો એવો છે કે જે સ્થળે ગાર્ડનિંગ હશે ત્યાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટી જાય છે.