ચંદ્રશેખર આઝાદ બ્રીજ ઉપરથી સવારે પસાર થઈ રહ્યો હતો.200 મીટરની રેન્જમાં બે આઘાતજનક દૃશ્યો જોવા મળ્યાં.બ્રીજની ફૂટપાથની લગોલગ બાઈક પાર્ક કરી,એક ધર્મભીરુએ બિંદાસ્ત પ્લાસ્ટિકની થેલી તાપી નદીમાં પધરાવી,પ્રણામ કર્યા અને ધન્યતા અનુભવી! (તાપી નદીને પ્રદૂષિત કરવા બદલ.)ફૂટપાથ પરથી નીચે ઊતરી,અધૂરી રહી ગયેલી ઈચ્છાને પૂર્ણ કરવા,મોઢામાં થૂંસેલ માવાની ઉલ્ટી કરી,તે પણ ક્યાં,તાપીમાં! વાહ રે વડીલ! પેલા પ્રણામને શું સમજવું? પવિત્ર નદીની માફી,અંધશ્રધ્ધા કે નફફટાઈ? થોડાક અંતરે… એક બાઈક ચાલકે પાછળ આવતી વ્યકિતનો વિચાર કર્યા વગર લાંબી પીચકારી મારી.ઓવરટેક કરવા જતી બુકાનીધારી યુવતી કોઈ પણ પ્રતિક્રિયા વગર પસાર થઈ ગઈ.લોકો આવી ઘટનાઓથી કેટલી હદે ટેવાઈ ગયા છે.આઘાત પણ લાગે અને આશ્ચર્ય પણ થાય છે.જાહેરમાં થૂંકનારને દંડનો ફતવો કેટલો હાસ્યાસ્પદ! સ્વચ્છતામાં નંબર વન સુરતની સૂરત બગાડનારને શું કહેવું? સ્વજાગૃતિ વગરની બધી ઝુંબેશ નક્કામી.
સુરત – અરુણ પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
કુડસદ સ્ટેશને ટ્રેનના સ્ટોપેજ ક્યારે મળશે?
છેલ્લાં પાંચ વર્ષથી કોરોના મહામારીમાં બંધ થયેલી ટ્રેનો અને સ્ટોપેજ મહદ્ અંશે ચાલુ થઈ ગયા છે. પરંતુ 44 વર્ષ જૂના કુડસદ ફલેગ સ્ટેશને એક પણ ટ્રેનનું સ્ટોપેજ નથી મળતું. વિદ્યાર્થીઓ, નોકરિયાતો, મજૂરો, કારીગરો, વેપારીઓ વગેરે 6000 જેટલાં રોજિંદા મુસાફરોને વધારાના 20 રૂપિયા રિક્ષાના આપી ચાર કિ.મી. દૂર કીમ સ્ટેશનેથી ટ્રેન મુસાફરી કરવી પડે છે. આવક માટે બુકિંગ એજન્ટની નિમણૂકની કાર્યવાહી રેલવેમાં શરૂ થયેલી પણ પરિણામ મળ્યું નથી.
આનંદની વાત એ છે કે અમને પ્રજાવત્સલ જનસેવક દર્શનાબેન જરદોશ કે જેઓ અમારા મતક્ષેત્ર સુરતનાં સાંસદ અને રેલવેમંત્રી છે ત્યારે અમો પ્રજાજનોની સમસ્યા ઉકેલવામાં ઊંડો રસ લઇ ટ્રેનોના બંધ સ્ટોપેજ આપવામાં સહાયભૂત થાય તેવી સૌ પ્રજાજનોની લાગણી અપેક્ષા છે. ગામમાં આજ સુધી સરકારી એસ.ટી. બસની પણ કોઇ વ્યવસ્થા નથી, બધો જ જીવનવ્યવહાર માત્ર ટ્રેન પર જ આધારિત છે, જેથી ટ્રેનના સ્ટોપેજ અપાવવા માટે અમારા પ્રજાવત્સલ મંત્રીશ્રીઓ દિલી સહકાર આપી લોકલ ટ્રેનોનો લાભ મળે તેવી અપેક્ષા છે.
કુડસદ- યોગેશ, દિ. લિમ્બચીયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે