સુરત: સુરત અને ઉધના રેલવે સ્ટેશન ખાતે હેલ્પ ડેસ્કના અભાવે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 8 જાન્યુઆરીથી બ્લોકને કારણે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 2 અને 3 બંધ કરવામાં આવી રહ્યા છે. જેને લઇને મોટાભાગની ટ્રેનોને સુરતને બદલે ઉધના સ્ટોપેજ આપવાનું નક્કી કરાયું છે, પરંતુ યોગ્ય માહિતીના અભાવે મુસાફરો હજી પણ મુંઝવણમાં મુકાયા છે.
- સુરતના પ્લેટફોર્મ નં. 2-3 8મીથી બંધ થઈ રહ્યાં છે અને 200થી વધુ ટ્રેન ઉધનાથી ઉપડશે, પરંતુ મુસાફરો પાસે સચોટ માહિતીનો અભાવ
- પ્લેટફોર્મ ક્રમાંક 2-3 પે આને-જાનેવાલી ટ્રેન કબ આયેગી, કબ જાયેગી?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પશ્ચિમ રેલવે 8 જાન્યુઆરીથી સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપર કોંક્રોસના પાયા માટે 60 દિવસ માટે આ બંને પ્લેટફોર્મ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ ટ્રેનોની માહિતી મુસાફરો સુધી કેવી રીતે પહોંચાડવામાં આવશે તેની રૂપરેખા હાલમાં માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે.
તંત્ર દ્વારા હજી સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 અને 3, 8 જાન્યુઆરીથી 60 દિવસ માટે બંધ રાખવામા આવશે. જેથી 200 જેટલી ટ્રેનો સુરતને બદલે ઉધના રેલવે સ્ટેશન ખાતે ખસેડવામાં આવી છે. જ્યારથી આ સમાચાર પ્રસિદ્ધ થયા છે ત્યારથી સુરત રેલવે સ્ટેશનેથી મુસાફરી કરનારા મુસાફરો મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે.
મુસાફરોને હાલાકી વેઠવી નહિ પડે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી હોવાની વાતો કરી રહી છે. પરંતુ આ કામગીરી ફકત કાગળ ઉપર જ હોય તેવું પ્રાથમિક દ્વષ્ટિએ જોવા મળી રહ્યું છે. દરેક વ્યક્તિ ટ્રેન વિશે માહિતી મેળવવા માટે અલગ-અલગ પ્રયાસ કરી રહ્યા છે. જેથી સુરત તેમજ ઉધના રેલવે સ્ટેશન ખાતે વહેલી તકે હેલ્પ ડેસ્ક ચાલુ કરે તેવી આશા છે. જેથી તમામ ટ્રેનોની માહિતી આ હેલ્પ ડેસ્ક પર મળી રહેશે.
પશ્ચિમ રેલ્વેએ બાંદ્રા ટર્મિનસ અને અજમેર વચ્ચેની વિશેષ ટ્રેનની મુદત લંબાવી
સુરત: મુસાફરોને સુવિધા આપવા અને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલ્વેએ બાંદ્રા ટર્મિનસ અને અજમેર વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનોની મુદ્દત વધારી છે.
ટ્રેન નંબર 09622 બાંદ્રા ટર્મિનસ-અજમેર સાપ્તાહિક વિશેષ, જે અગાઉ 30 ડિસેમ્બર સુધી સૂચિત કરવામાં આવી હતી, તે હવે 06 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે, ટ્રેન નંબર 09621 અજમેર-બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ, જે અગાઉ 29 ડિસેમ્બર સુધી સૂચિત કરવામાં આવી હતી, તેને હવે 05 જાન્યુઆરીથી 30 માર્ચ સુધી લંબાવવામાં આવી છે.