ભારત સાથે લશ્કરી સ્તરની નવ રાઉન્ડની વાતચીત બાદ પણ ચીની સૈન્ય પૂર્વી લદ્દાખ સરહદે એલએસીમાંથી પાછા જવાનું તો દૂર, તે સરહદ વિસ્તારે પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે. જાણકારી અનુસાર, ચીને પહેલાથી જ સરહદ પર લશ્કરી શસ્ત્રોની સંખ્યામાં વધારો કર્યો છે. ચીનના જવાબમાં ભારત પણ તકેદારી અને સર્વેલન્સમાં વધારો કરી રહ્યું છે.
ભારતની રાષ્ટ્રીય સુરક્ષા નીતિકારો અનુસાર, હાલમાં જ ચીની સૈન્યએ નવી જમાવટ કરી છે. સરહદ વિસ્તારે માત્ર સૈનિકો જ નહીં પરંતુ, ભારે સૈન્ય શસ્ત્રો પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 35 નવા લશ્કરી વાહનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.
પૂર્વ લદ્દાખના ચૂમારમાં એલએસીથી માત્ર 82 કિલોમીટરના અંતરે ચીની સેનાના કેમ્પની આસપાસ 35 ભારે લશ્કરી વાહનો અને ચાર 155 મીમી પીએલઝેડ 83 સ્વ-સંચાલિત હોવીઝર્સ ખડગવામાં આવ્યા છે. એલએસીથી 90 કિમી દૂર સૈનિકો માટે ચાર નવા મોટા શેડની રચના કરવામાં આવી છે. તેમજ વાહનોની ભારે જમાવટની સાથે નવા બાંધકામનું પણ કાર્ય ચાલી રહ્યું છે.
ભારતીય સૈન્યના કમાન્ડરોના જણાવ્યા અનુસાર, પેંગોંગ ત્સોની ઉત્તરીય કિનારે ફિંગર ચાર અને ફિંગર સાતની વચ્ચે નવી જમાવટ થઈ છે અને ચીને સૈન્યની સંખ્યામાં વધારો કર્યો છે.
ચીને સરહદ પર 20 લશ્કરી વાહનો અને અન્ય પ્રકારના ઉપકરણો પણ તૈનાત કર્યા છે. જે એલએસીથી 16 કિમી દૂર છે. એક સૈન્ય અધિકારીએ કહ્યું કે, ‘ચીની સેના પોતાને મજબૂત કરી રહી છે. ચીને લદાખમાં લાંબા સમયથી 1597 કિમી એલએસી પર સૈનિક લાંબા સમય માટે તૈનાત કર્યા છે. જે ભારતીય સેનાને કાઉન્ટર કરવા માટે કરવામાં આવી રહ્યું છે.