ભારત સરકાર જરીપુરાણા થઈ ગયેલા લેબર કાયદાઓને ધરમૂળથી બદલી રહી છે જેનાથી તે 21મી સદીના બિઝનેસ વાતાવરણને અનુકૂળ હોય અને રોકાણ પણ આકર્ષી શકે. નવા કાયદામાં 44 શ્રમ કાયદાઓને ભેળવીને એને ચાર કેટેગરીના કૉડમાં ફેરવી નખાયા છે અને આ કૉડ્સ છે: વેજ કોડ, સોશિયલ સિક્યોરિટી કૉડ, ઓક્યુપેશનલ સેફટી, હેલ્થ અને વર્કિંગ કન્ડિશન કોડ અને ઇન્ડસ્ટ્રીઅલ રિલેશન કોડ.
આ ચાર કૉડ ક્યારથી અમલી બનશે?
ચારેય કોડ્સ સંસદમાં પસાર થઈ ચૂક્યા છે અને રાષ્ટ્રપતિની સંમતિ પણ મળી ચૂકી છે. સરકાર આ ચારેય કોડને આગામી નાણાકીય વર્ષ 2021-22થી એકી સાથે અમલી કરવા ધારે છે પણ તારીખ હજી નક્કી નથી. આના અમલીકરણથી શ્રમ ક્ષેત્રે સુધારાનો પહેલો તબક્કો પૂરો થશે. પહેલો વેજીસ કોડ 2019 છે એ સંગઠિત અને અસંગઠિત તમામ ક્ષેત્રના કર્મચારીઓને લાગુ પડે છે. એનો હેતુ પગાર અને બોનસ ચૂકવણીઓને નિયમિત કરવાનો છે. સાથે દરેક ઉદ્યોગ, વેપાર, ધંધા કે ઉત્પાદનમાં સરખા પ્રકારનું કામ કરતા કર્મચારીઓને સમાન વળતર મળે એ સુનિશ્ચિત કરવાનો છે.
બીજો કોડ ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ અને વર્કિંગ કન્ડિશનનો છે તે 10 કે એનાથી વધારે કર્મચારીઓ કામ કરતા હોય એવી સંસ્થાઓમાં અને તમામ ખાણ અને ડૉક્સમાં કામદારોની આરોગ્ય અને સલામતી નિયમન કરવાનો છે.
સોશિયલ સિક્યોરિટી કોડ, 2020 સમાજ સુરક્ષા અને મેટરનિટી લાભોને લગતા નવ કાયદાઓને એક કરે છે. ઇન્ડસ્ટ્રીઅલ રિલેશન કોડ, 2020 આ ત્રણ કાયદાઓને એક કરે છે: ઇન્ડસ્ટ્રિઅલ ડિસ્પ્યુટ્સ એક્ટ, 1947, ટ્રેડ યુનિયન એક્ટ 2926 અને ઇન્ડસ્ટ્રિઅલ એમ્પ્લોઇમેન્ટ એક્ટ 1946. ઉદ્યોગો પર અનુપાલનનો બોજો ઘટાડીને દેશમાં બિઝનેસ વાતાવરણ સર્જવાનો છે.
આ દરેક કોડ હેઠળ મંત્રાલયે નિયમોના મુસદ્દા પણ ઘડ્યા છે અને એના પર લોકો પાસેથી સલાહ/સૂચનો મગાવ્યા છે. શ્રમ કાયદાઓને ભારતના બંધારણમાં સહયાદીમાં મૂકાયેલા છે એટલે રાજ્યો એમને ત્યાં પોતાના કાયદા ઘડવાનું પસંદ કરી શકે છે. નવા શ્રમ કાયદાઓ બહુ મહત્ત્વના ફેરફારો લાવે છે અને એની વ્યાપક અસર સૌના પર થવાની છે.
શ્રમ કાયદાઓ તમને કેવી રીતે અસર કરશે?
દરેક બિઝનેસ સંસ્થાઓ માટે શ્રમ અને રોજગાર કાયદાઓની દૂરગામી અસરો થવાની છે. પહેલાં તો આ કાયદાઓ કર્મચારીઓ અને નોકરીદાતાઓ વચ્ચે સુમેળભર્યા સંબંધો માટે મહત્ત્વના છે. ઝઘડા અને વિવાદ હોય ત્યાં તમે હાઇ પ્રોડક્ટિવિટી અને ઇનોવેશનની અપેક્ષા ન રાખી શકો, બીજું, મોટા ભાગના બિઝનેસ સંસ્થાઓમાં લેબર અને એમ્પ્લોઇઝ કોસ્ટ 10થી 50% વચ્ચે થાય છે અને નવા કાયદાઓની કોસ્ટ સ્ટ્રક્ચર પર અસર પડશે. નવા કાયાદોમાં તમામ એમ્પ્લોઇમેન્ટ કોન્ટ્રાક્ટ્સ, વળતર માળખા, નોંધણી અને અનુપાલનની સમીક્ષા અને સુધારાની જરૂર પડશે. વહીવટી અને આઇટી માળખામાં અનુકૂળ ફેરફારો કરવા પડશે. એમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ અભિગમ અને રોડમેપની જરૂર પડશે.
પગારની વ્યાખ્યામાં સાતત્ય: હાલના શ્રમ કાયદા હેઠળ પગાર શબ્દની ઓછામાં ઓછી 12 વ્યાખ્યાઓ છે!! આના લીધે સંખ્યાબંધ કાનૂની વિવાદ થયા અને કંપનીઓ માટે પણ ગૂંચવાડો પેદા થયો. ચાર કૉડમાં પગાર શબ્દની એકસમાન વ્યાખ્યા કરવામાં આવી છે અને એટલે એના વિશે ચાલતો બહુ ગૂંચવાડો ઘટી જવાની અપેક્ષા છે, અને પગારમાં શું શું સમાવેશ થાય એની પણ સ્પષ્ટતા છે.
પગારમાં શું સામેલ અને શું નહીં એ બિઝનેસે સ્પષ્ટપણે સમજવાની જરૂર: ઉદ્યોગોએ જે વિચારવાનું છે એમાં સૌથી અગત્યનું પાસું હશે પગારની વ્યાખ્યા. પગારની વ્યાખ્યા સાથે કોડમાં સ્પષ્ટ છે કે શું શું પગારમાં ગણાય અને શું શું નહીં. વળી કોડ ઑફ વેજિસમાં નક્કી થયું છે કે નિર્ધારિત બાકાતોને સરવાળો 50%થી વધી જાય તો એ વધારાની રકમ વળતર તરીકે ધારી લેવાશે અને વ્યાખ્યા મુજબ પગારમાં ઉમેરાઇ જશે. તમામ કંપનીઓએ પગારની વ્યાખ્યા, એમના કર્મચારીઓના સીટીસી અને એના ઘટકો સમજીને ફરી ચકાસવા પડશે.
સમાજ સુરક્ષા અને ટેક હોમ સેલરી પર નવા કોડની અસર: પગારની વ્યાખ્યામાં ફેરફાર અને પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઇટિ અને ઈએસઆઇસી જેવા વિવિધ સામાજિક સુરક્ષાના લાભોને પગારના ટકા તરીકે નિર્ધારિત કરાયા છે, નહીં કે બેઝિક પગાર વત્તા મોંઘવારી ભથ્થાના ટકા તરીકે, એ હકીકતના કારણે કુલ ચૂકવણી બદલાઇ જવાની ધારણા છે. એમ્પ્લોઇમેન્ટ લેટર અને હાલના કર્મચારીઓના સેલરી બ્રેક અપના આધારે કર્મચારીઓની ટેક હોમ સેલેરી પણ અસરગ્રસ્ત થશે. ટીડીએસની ગણતરી પણ ધ્યાને લેવી પડશે.
વધારે વ્યાપક કવરેજ: હાલના શ્રમ કાયદાઓમાં કર્મચારી કયા પ્રકારનું કામ કરે છે એના આધારે કવરેજ અલગ અલગ છે. હવે એવું નથી. નવા કાયદામાં નવું એજ વર્કિંગ મોડેલ્સ છે અને 21મી સદીના કામદારોને પણ રક્ષણ અને કાનૂની ઉપાયો આપે છે. લેબર કોડ્સ કોન્ટ્રાક્ટ લેબર, ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોઇમેન્ટ, ગિગ વર્કર્સ, પ્લેટફોર્મ વર્કર્સઅને બીજા ઘણાં વિચારોને આવરી લે છે. આમ આ કાયદા વધારે સમાવિષ્ટ છે.
ઝડપી પતાવટ: વેજીસ અંગેના કોડની કલમ 17(2) હેઠળ કર્મચારીને કાઢી મૂકવામાં આવે, બરતરફ કરાય કે રાજીનામું આપે તો બે દિવસની અંદર ચૂકવવા પાત્ર વેજીસ ચૂકવી દેવાની જોગવાઇ છે. આને લીધે એક્ઝિટ વિધિઓ અને એચઆર પ્રોસેસ ઝડપથી પતાવવી પડશે અને કંપનીઓએ આંતરિક પ્રક્રિયાઓમાં આવશ્યક સુધારા કરવા પડશે.