નવી દિલ્હી (New Delhi): કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક નાના દિનારા (Nana Dinara, Bhuj, Kutch) અને આસપાસના ગામોના રહેવાસીઓ ખુશ છે. હકીકતમાં આ ગામનો વર્ષ 2008માં ગુમ થયેલ ભરવાડ ઇસ્માઇલ સમા શુક્રવારે 13 વર્ષ બાદ પાછો ફર્યો છે. 2008માં જ્યારે ઇસ્માઇલ સમા ગાયોને ચરાવા ગયો હતો, તેને વીંછી કરડી ગઇ હતી. તેનું કહેવુ છે કે વીંછી કરડ્યા પછી તે બેભાન થઇ ગયો હતો અને ત્યારપછી જ્યારે તેની આંખ ખૂલી તો તે પાકિસ્તાની આર્મીના કબજામાં હતો. પાકિસ્તાને તેને ભારતીય જાસૂસ ગણી તેની ધરપકડ કરી હતી, અને ત્યારથી તે પાકિસ્તાનની જેલમાં કેદ હતો.
ઇસ્માઇલ સમાએ કહ્યુ કે, ‘પાકિસ્તાનની આર્મીએ મને પકડીને ઘણો માર્યો.મને લાગ્યું કે હું ક્યારેય પાછો ફરી શકીશ નહી. મને ઘર વિશે વિચારવાની હિંમત પણ નહોતી થઈ, કારણ કે ઘર વિશે વિચારીને હું દુ:ખી થતો. મને ડર હતો કે એ લોકો મને પાગલ કરશે, કારણ કે પાકિસ્તાનમાં રાખવામાં આવેલા ઘણા ભારતીયો સાથે એવું થાય છે. હું અલ્લાહને પ્રાર્થના કરતો હતો અને તેણે મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે. ઘરે પાછા આવવું એ મારો બીજો જન્મ છે. ISI (Inter-Services Intelligence, Pakistan) ઇચ્છતું હતું કે હું જાસૂસ હોવાનું પણ મેં તેમ કર્યુ નહીં. મેં તેમને કહ્યું કે અલ્લાહ મારો રક્ષક છે અને હું ખોટું બોલવા કરતા મરવાનું પસંદ કરીશ. પછી ISIએ જો હું તેમના માટે કામ કરું તો મને છોડી દેવાની ઑફર પણ કરી હતી જે મેં સ્વીકારી નહોતી.
ત્રણ વર્ષ માટે હૈદરાબાદની પાકિસ્તાની સૈન્ય સુવિધામાં રાખ્યા પછી કોર્ટે તેને જાસૂસીના આરોપોસર 2011મા પાંચ વર્ષ કેદની સજા સંભળાવી હતી. 2014 માં જ તેને પાકિસ્તાન દ્વારા કોન્સ્યુલર આપવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2020 માં કુલભૂષણ જાધવ કેસની સુનાવણી દરમિયાન ભારતીય અધિકારીઓએ તેના કેસનો ઉલ્લેખ કર્યા બાદ ઈસ્લામાબાદ હાઈ કોર્ટે ઇસ્માઇલને મુક્ત કરવાની મંજૂરી આપી હતી. 21 જાન્યુઆરીએ તેને કરાચી સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો અને બીજા જ દિવસે વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. શુક્રવારે કચ્છ પોલીસની ટીમ તેને પાછો લઇને આવી હતી. ઇસ્માઇલને પાંચ પુત્ર અને ત્રણ પુત્રીઓ છે, તેના આઠ સંતાનોમાંથી ચારના લગ્ન થઇ ચૂક્યા છે.