ગાંધીનગર: કચ્છ (Kutch) જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૩૬ ખેડૂત (Farmer) ખાતેદારોને રૂપિયા ૨૬૪ લાખની સહાય ચૂકવાઇ છે, તેવું વિધાનસભામાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને આવરી લેવાયા છે. જેમાં અકસ્માતે મૃત્યુ, કાયમી અપંગતાના કિસ્સામાં સહાય ચૂકવાય છે. તેમજ ખાતેદાર ખેડૂતના સીધી લીટીના વારસદાર ખાતેદારને સહાય અપાય છે. આ માટે ખાતેદાર ખેડૂતોને કોઈ પ્રીમિયમ ભરવાનું રહેતું નથી ખેડૂતો વતી વીમાના પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર ચૂકવે છે.
આ યોજના હેઠળ મૃત્યુના કિસ્સામાં તેમજ બે હાથ-બે પગની અપંગતા હોય તો ૧૦૦ ટકા સહાય. તેમજ એક આંખ – એક પગની અપંગતા આવે તો ૫૦ ટકા સહાય ચૂકવવામાં આવે છે. આ યોજના માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી, જિલ્લા કક્ષાએ મદદનીશ ખેતી અધિકારી, ખેતીવાડી અધિકારી તેમજ કૃષિ વિભાગની વેબસાઇટ પરથી ફોર્મ મેળવી ભરવાની હોય છે. આ માટે સહાય મેળવવા ઈચ્છતા ખેડૂત ખાતેદારોએ મૃત્યુના કિસ્સામાં મૃત્યુ બાદ ૧૫૦ દિવસમાં સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અરજી કરવાની હોય છે. અરજી કર્યાથી ૬૦ દિવસમાં વીમાની ઉપલી કચેરી દ્વારા જરૂરી ચકાસણી બાદ સમય મર્યાદામાં સહાય ડી.બી.ટી.ના ધોરણો ખેડૂતોના ખાતામાં જમા કરાવાય છે.