ગાંધીનગર: રાજ્યના સરહદી જિલ્લા કચ્છના છેવાડાના વિસ્તાર નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતનાં ત્રણ ગામો નખત્રાણા મોટા, નખત્રાણા નાના અને બેરૂ ગામોનો સમાવિષ્ટ કરતી નખત્રાણા નગરપાલિકાની રચના કરવાની મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે.ભૂપેન્દ્ર પટેલે કચ્છના છેવાડાના વિકસીત તાલુકા તરીકે નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતના પાણી, વીજળી, ગટર વ્યવસ્થા, બસ સ્ટેશન, બાગ-બગીચા, ટાઉન હોલ તેમજ રસ્તા જેવી માળખાકીય પાયાની સુવિધા-સુખાકારી નાગરિકોને સરળતાએ ત્વરિત મળી રહે તેવા ઉદાત ભાવ સાથે આ નિર્ણય કર્યો છે.
એટલું જ નહીં, નખત્રાણા તાલુકાની નજીકના વિસ્તારોમાં હાલ કાર્યરત ઉદ્યોગો તેમજ ભવિષ્યમાં આવનારા નવા ઉદ્યોગોના પરિણામે આ વિસ્તારમાં ઊભી થનારી નાગરિક સુવિધા સુખાકારીની જરૂરિયાતોને ધ્યાને રાખી નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતે નગરપાલિકાનો દરજ્જો મેળવવા સર્વાનુમતે કરેલા ઠરાવને તેમણે અનુમોદન આપ્યું છે. આ નખત્રાણા નગરપાલિકાના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી નખત્રાણાની નિમણૂક કરતું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.