કચ્છને નર્મદાનું વધારાનું ૧ મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવા રૂ. ૩૮૭૫ કરોડની યોજનાને વહીવટી મંજૂરી ટૂંક જ સમયમાં મળી જશે. આ અંગેની સૂચના તાજેતરની કેબિનેટ બેઠકમાં આપવામાં આવી છે. ડિસેમ્બર સુધીમાં આ યોજનાના વિકાસ કાર્યો આરંભી દેવાશે. આ યોજનાના પ્રથમ ફેઝનું કાર્ય શરૂ થતાં જ બીજા ફેઝની પણ મંજુરી આપવામાં આવશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
કચ્છ જિલ્લાને નર્મદાનું વધારાનું એક મિલિયન એકર ફીટ પાણી આપવા રૂ. ૩૮૭૫ કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કચ્છના ભાજપના ધારાસભ્યો, સાંસદો, શ્રેષ્ઠિઓ અને સ્થાનિક હોદ્દેદારો, સંતો-મહંતોએ ગાંધીનગરમાં ઉમળકાભર્યુ અભિવાદન કર્યું હતું. કચ્છ માટેની આ યોજનાથી કચ્છના ૬ તાલુકાઓના ૯૬ ગામોના ૩.૮૦ લાખ લોકો અને ર.૩પ લાખ એકર જમીનને નર્મદા જળની સુવિધા મળશે. સરન જળાશય સહિત જિલ્લાના ૩૮ જળાશયોમાં નર્મદાના પાણી ભરાશે. ચેકડેમ – તળાવોને પણ આ નર્મદા જળથી ભરી ભૂગર્ભ જળ ઊંચા લવાશે.
સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે કચ્છને લીલોછમ્મ જિલ્લો બનાવવા સરકાર કટિબદ્ધ છે. રાપર, અંજાર, મૂંદ્રા, માંડવી, ભૂજ, નખત્રાણા, લખપત અને અબડાસા જેવા વિસ્તારોમાં સિંચાઈનું પાણી પહોંચાડવા રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ છે. કચ્છી ખેડૂતોના બાવડામાં તાકાત છે અને રાજ્ય સરકાર તેમની પડખે છે. કચ્છના ડિસેલિનેશન પ્લાન્ટ અને રિન્યુએબલ એનર્જી પાર્ક સહિતના પ્રકલ્પોનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે આવા અનેક વિશિષ્ટ પ્રકલ્પોથી કચ્છ જિલ્લાના વિકાસને નવી ગતિ પ્રદાન કરી છે.
તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોને પીવાનું અને સિંચાઈનું પાણી પહોંચાડવા છેલ્લા અઢી દાયકામાં ભાજપની સરકારે અભૂતપૂર્વ કાર્યો કર્યા છે. પીવાના પાણી માટે બેડા લઇ ભટકવું, દુકાળ અને હિજરતની પરિસ્થિતિને ભૂતકાળ બનાવી સરકાર ગુજરાતને પાણીદાર રાજ્ય બનાવવા કૂદકેને ભૂસકે આગળ વધી રહી છે.
ભૂતકાળમાં કચ્છમાં પીવાના અને સિંચાઇના પાણીના પ્રશ્નો અંગે કોંગ્રેસની સરકારે કશું કર્યું નથી ત્યારે આજે હવે કચ્છમાં નર્મદાના પાણી પહોંચાડવાના સરકારના આયોજનોને ઠાલા વચન ગણાવી પાણીમાંથી પોરા કાઢે છે. કોંગ્રેસે ગેરવ્યાજબી નિવેદનો કરવાના બંધ કરી વિકાસ કામોમાં ઊંબાડિયા નાખવાનું બંધ કરવું જોઈએ, તેવી નૂકચેતીની તેમણે કરી હતી.
આજે કેરી સહિત અનેક પાકો માટે કચ્છ વિશ્વભરમાં જાણીતું બન્યું છે: નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાત સરકારે નર્મદાના પાણી છેવાડાના વિસ્તારોમાં પહોંચાડવા માટે બજેટની માંગ સામે ફાળવણીમાં એક રૂપિયાનો પણ ઘટાડો ક્યારેય કર્યો નથી. ગુજરાતની ભાજપ સરકાર છેલ્લા અઢી દાયકાથી કચ્છમાં સિંચાઈ અને પીવા માટે નર્મદાનું પાણી ઠેરઠેર પહોંચાડવાના લક્ષ્ય સાથે કાર્ય કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, કચ્છના ખેડૂતો પ્રગતિશીલ છે. ટપક સિંચાઈ પદ્ધતિમાં કચ્છી ખેડૂતો ગુજરાતમાં મોખરે છે. પહેલા વાગડનો માત્ર કપાસ વખણાતો, આજે કેરી સહિત અનેક પાકો માટે કચ્છ વિશ્વભરમાં જાણીતું બન્યું છે.