ગુરુદત્તે વહીદા રહેમાનને, જોની વોકરને ફિલ્મમાં પહેલી તક આપી તેવું બધાને યાદ છે, પણ કુમકુમ જેવી અભિનેત્રીને પણ પહેલી તક આપનારા ગુરુદત્ત છે તે કોઇ યાદ નથી કરતું. બનેલું એવું કે તેઓ ‘આરપાર’ ફિલ્મ બનાવી રહ્યા હતા અને તેનું ગીત ‘કભી આર કભી પાર, લાગા તીરે નજર’ ગીત જગદીપ પર ફિલ્માવતા હતા, પણ તેમને થયું કે ના ના, આ ગીત કોઇ અભિનેત્રીને લઇને ફિલ્માવવું જોઇએ. તેમણે કેટલીક અભિનેત્રીને પૂછી જોયું પણ એક ગીત પૂરતું કામ કરવા કોઇ તૈયાર ન થઇ અને તેમાં કુમકુમનો ચાન્સ લાગી ગયો. ગુરુદત્તે પછી તો તેને ‘પ્યાસા’માં પણ નાની ભૂમિકા આપી અને ‘સી.આઇ.ડી.’માં ‘એ દિલ હે મુશ્કિલ, જીના યહાં જરા હસકે જરા હસકે જરા બસકે યે હે બંબઇ મેરી જાં’ ગીતમાં ય તક આપી. ગુરુદત્ત કોઇને તક આપે તો બીજા નિર્માતાઓની નજર તરત પડે અને ‘મેમસાબ’ ફિલ્મમાં શમ્મીકપૂર સાથે તે સહઅભિનેત્રી બની અને ‘ચાર દિલ ચાર રાહે’માં રાજકપૂર-મીનાકુમારી ઉપરાંત શમ્મીકપૂર-કુમકુમની જોડી બની. એ ફિલ્મ ખ્વાજા-અહમદ અબ્બાસે બનાવી હતી. કુમકુમ અભિનેત્રી તરીકે તરત જ સફળ ગઇ તેનું કારણ કે કથક નૃત્ય શીખી હતી અને તે પણ પંડિત શંભુ મહારાજ પાસે. ‘કોહીનૂર’ ફિલ્મનું ‘મધુબન મેં રાધિકા નાચે રે’ ગાત જોજો તો તેમાં કુમકુમ જ નાચે છે. ‘હાયે જાદુગર કાતિલ, હાજિર હે મેરા દિલ’ ગીતમાં પણ કુમકુમનું જ નૃત્ય છે. તેણે હેલનની જેમ નૃત્યાંગનાની કારકિર્દી બનાવવી ન હોતી અને તેની સાથે કામ કરવા અનેક હીરો તૈયાર હતા. કિશોરકુમાર સાથે તેણે હીરોઇન તરીકે ‘ગંગાકી લહેરેં,’ ‘શ્રીમાન ફટુંશ’, ‘હાય મેરા દિલ’ અને ‘મિસ્ટર એક્સ ઇન બોમ્બે’ માં કામ કર્યું છે. ‘ખૂબસૂરત હસીના જાને જાં જાનેમન’ ગીત કુમકુમ માટે ગવાયું છે. ‘શ્રીમાન ફટુંશ’માં ‘સુલતાના સુલતાના તુ ના ગભરાના’ ગીત પણ કુમકુમ પર ફિલ્માવાયેલું જોવા મળશે. ‘મચલતી હુઇ હવામાં છમછમ’ ગીતમાં પણ કુમકુમ જ તો છે. કુમકુમને રામાનંદ સાગર બહુ જ પસંદ કરતા. ‘આંખે’ માં તેમણે તેને ધર્મેન્દ્રની બહેન બનાવી અને પછી ‘ગીત’માં પણ તક આપી. ‘લલકાર’ ફિલ્મમાં ધર્મેન્દ્ર સાથે જોડી બનાવી. ‘જલતે બદન’ ફિલ્મ પણ રામાનંદ સાગરની જ છે, જેમાં કુમકુમને કિરણકુમારની હીરોઇન બનાવેલી. એ વખતે કુમકુમને વિનોદખન્ના સાથે ‘ધમકી’ ફિલ્મ પણ મળેલી. કુમકુમ જો કે હીરોઇન બનવા પ્રયત્ન કરતી હતી ત્યારે તો મીનાકુમારી, વહીદા રહેમાન, નૂતન, માલાસિંહા, સાધના જેવી અનેક અભિનેત્રીઓ છવાયેલી હતી. એટલે વધારે તક મળે તેમ નહોતી. તેણે બીજો રસ્તો કાઢ્યો અને ભોજપુરી ફિલ્મોની હીરોઇન બની ગઇ. ‘ગંગા મૈયા તોહે પિયર ચઢઇબો તો ખૂબ જ સફળ રહી એટલે ‘લાગી નાહી છૂટે રામ’, ‘બલમા બડા નાદાન’, ‘નૈહર છૂટલ જાયે’, ‘ભૌજી’ અને ‘ગંગા’ વગેરે ફિલ્મોમાં કામ કર્યું. ભોજપુરીમાં તો ટોપ પર પહોંચી ગયેલી.
કુમકુમનું ખરું નામ ઝેબુન્નિસા ખાન હતું અને તે બિહારના શેખપુરામાં જન્મી હતી. જેમ તેની ફિલ્મો રામાનંદ સાગર સાથે ખૂબ છે, તેમ મહેબૂબ ખાનની પણ તે ખાસ હતી. એટલે ‘મધર ઇન્ડિયા’, ‘સન ઓફ ઇન્ડિયા’ માં પણ છે. બાકી દેવઆનંદની ‘હાઉસ નંબર 44માં હીરોઇને કલ્પના કાર્તિક પણ ‘દેખ ઇધર ઓ જાદુગર’ કુમકુમ પર ફિલ્માવાયું છે. દેવઆનંદની ‘ફટુંશ’માં તમને તે જોવા મળશે.
તેની ફિલ્મોની યાદીમાં ‘બસંત બહાર’, ‘નયા દૌર’, ‘શરારત’, ‘ઉજાલા’, ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ સહિત ઘણી ફિલ્મો છે. લગભગ 115 ફિલ્મોમાં તેણે કામ કર્યું કરેલું અને જ્યારે લાગ્યું કે હવે પરણી જવું જોઇએ ત્યારે મૂળ લખનૌના પણ સાઉદી અરેબિયામાં રહેતા સૈયદ સજ્જાદ અકબર ખાનને પરણી સાઉદી અરેબિયા ચાલી ગયેલી. એ લગ્નના 23 વર્ષ પછી તે 1995માં ભારત પાછી ફરેલી. તેનાં બંગલાનું નામ પણ કુમકુમ જ હતું અને ત્યાં મૃત્યુ સુધી રહી. 22 એપ્રિલ 1934માં જન્મેલી કુમકુમ 28 જુલાઇ 2020માં મૃત્યુ પામી. તેને એક દીકરો છે જેનું નામ અદબીબ સજ્જાદ ખાન છે. કુમકુમ ફિલ્મોમાં આવી ત્યારે ખબર નહોતી કે 100થી વધુ ફિલ્મોમાં કામ કરશે, પણ તે પોતાની ક્ષમતા પર અને અમુક નિર્માતા સાથેના હુંફાળા સંબંધથી ટકી ગઇ અને જામી પણ હતી. •

