Business

કુંભમેળો અને દેશદ્રોહ

કુંભમેળો જોરશોરથી ચાલી રહ્યો છે. ગંગામાં લાખો લોકો આસ્થાની ડૂબકી લગાવી રહ્યાં છે. કોઈ શ્રદ્ધાથી, કોઈ દેખાદેખી કે કોઈ ફરવાના નવા સ્થળ તરીકે જતાં હશે એમ બને. જેની જેવી માન્યતા. દરમ્યાન બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું. ડૂબકી લગાવ્યા બાદ એમણે એમ કહ્યું કે દરેકે અહીં આવવું જોઈએ, ગંગામાં ડૂબકી લગાવવી જોઈએ. આટલે સુધી તો ઠીક છે, આગળ કહ્યું કે, જે અહીં નથી આવતાં તે દેશદ્રોહી છે! આ તો હદ થઈ ગઈ. ધર્મના કહેવાતા ઠેકેદારો કે જેમનાં લાખો ભક્તો, અનુયાયીઓ હોય એટલે એમને બેફામ બોલવાનો પરવાનો મળી જાય? જે લોકો કુંભમેળામાં નથી ગયાં એ બધાં દેશદ્રોહી અને જે ગયા છે એ બધાં દેશભક્ત? હદ થાય છે. આ દેશમાં વાણી સ્વાતંત્ર્યને નામે છાસવારે કેટલાંક નેતાઓ અને પ.પૂ.ધ.ધૂ.ઓ દ્વારા થતો બેફામ વાણીવિલાસ દુઃખદ છે. આ અટકવું જોઈએ.
સુરત – સુનીલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે


ટ્રમ્પની સામુહિક દેશનિકાલ ઝુંબેશ
અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને વર્ષોથી વસવાટ કરતા ઘૂસણખોરોનો દેશનિકાલ કરવામાં આવી રહ્યો છે જેને પરિણામે સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આપણા ભારત દેશનાં પણ અસંખ્ય લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસવાટ કરી રહ્યાં છે તે કોઈથી અજાણ્યું નથી. હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે કોઈ પણ દેશ દ્વારા પોતાના દેશમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયેલાઓનો દેશનિકાલ કરવામાં આવે તો તે બિલકુલ ખોટું નથી. જો આપણે આપણા ઘરમાં અજાણી વ્યક્તિને ઘૂસવા નહીં દઈએ તો પછી કોઈ પણ દેશ પોતાના દેશમાં અન્ય દેશનાં લોકોને ગેરકાયદેસર રીતે ઘૂસવા નહીં જ દે તે સ્વાભાવિક છે.

એક રીતે જોવા જઈએ તો ટ્રમ્પ ચૂંટણી દરમિયાન આપેલું પોતાનું વચન પાળી રહ્યા છે. એવું નથી કે અમેરિકામાંથી પ્રથમ વખત જ ગેરકાયદેસર લોકોને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે. આ અગાઉ પણ યુનાઇટેડ સ્ટેટ્સમાંથી ગેરકાયદેસર વસાહતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે દેશોમાં ગેરકાયદેસર રીતે કાયદાનો ભંગ કરીને ઘૂસણખોરી થાય તેને પરિણામે તે દેશમાં વસ્તીનું સંતુલન ખોરવાઈ જાય છે અને તે દેશની સુરક્ષા માટે પણ જોખમી બની જાય છે. ગેરકાયદેસર લોકો જે તે દેશ માટે બોજારૂપ બને છે તેથી ગેરકાયદેસર રીતે પ્રવેશતાં લોકોને દેશનિકાલ કરવામાં આવે તેમાં કંઈ જ ખોટું નથી.
નવસારી – ડો. જે. એમ. નાયક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top