ઇંગ્લેન્ડ સામે આજે અહીં રમાયેલી પ્રથમ વન ડેમાં ભારતીય ટીમ વતી ડેબ્યુ કરનારા કૃણાલ પંડ્યાએ માત્ર 26 બોલમાં અર્ધસદી ફટકારીને ડેબ્યુટન્ટ તરીકે સૌથી ઝડપી અર્ધસદી ફટકારવાનો ન્યુઝીલેન્ડના જોન મોરિસનો રેકોર્ડ તોડીને પોતાના નામે કર્યો હતો. જોન મોરિસે 1990માં ઇંગ્લેન્ડ સામે ડેબ્યુટન્ટ તરીકે 35 બોલમાં અર્ધસદી ફટકારી હતી.
7માં કે તેનાથી નીચેના ક્રમે રમીને ડેબ્યુ મેચમાં અર્ધસદી ફટકારનારો તે ત્રીજો ભારતીય બન્યો હતો. તેના પહેલા સબા કરીમ અને રવિન્દ્ર જાડેજાએ ડેબ્યુ મેચમાં 7થી નીચલા ક્રમે બેટિંગ કરીને અર્ધસદી ફટકારી હતી. સબા કરીમ 1997માં દક્ષિણ આફ્રિકા સામે 55 રનની જ્યારે જાડેજાએ શ્રીલંકા સામે 2009માં નોટઆઉટ 60 રનની ઇનિંગ રમી હતી. કૃણાલે 31 બોલમાં નોટઆઉટ 58 રનની ઇનિંગ રમી હતી, જેમાં 7 ચોગ્ગા અ્ને 2 છગ્ગા ફટકાર્યા હતા.
તે પેવેલિયન પરત ફર્યો ત્યારે બ્રોડકાસ્ટર ટીમના મુરલી કાર્તિકને ઇન્ટરવ્યુ આપતી વખતે તે પોતાના સ્વર્ગસ્થ પિતાને યાદ કરીને રડી પડ્યો હતો. તેણે કહ્યું હતું કે આ અર્ધસદી મારા પિતાને સમર્પિત છે. કૃણાલ અને હાર્દિકે વર્ષની શરૂઆતમાં જ તેમના પિતાને ગુમાવ્યા છે. ઇંગ્લેન્ડ સામે વન ડેમા ડેબ્યુ કરીને અર્ધસદી ફટકારનારો કૃણાલ ચોથો ભારતીય છે, તેના પહેલા અજિત વાડેકર, બ્રિજેશ પટેલ, રોબિન ઉથપ્પા ઇંગ્લેન્ડ સામે ડેબ્યુ મેચમાં 50 કે તેનાથી વધુ રનની ઇનિંગ રમી ચુક્યા છે.