કૃષ્ણે માતાને પોતાનામાં રહેલી વિશિષ્ટ શકિતનો પરિચય કરાવવા પોતાનું મોં ખોલીને વિશ્વરૂપ બતાવ્યું

કંસ પાસે સહાયકોની ખોટ નથી, પૂતના ગઇ. શકટાસુર ગયો એટલે હવે તો તે મરણિયો બનવાનો. કોઇ પણ ભોગે આ બાળકનો ખાત્મો બોલાવવો જ પડે. તેને પોતાના મૃત્યુનો ડર બહુ લાગે છે અને જો દેવતાઓ પણ અમર થવા માટે અમૃતપાન કરવા અધીરા થયા હોય તો રાક્ષસો કે મનુષ્યોની વાત કરવી જ કેવી રીતે? હવે કંસે તૃણાવંત નામના રાક્ષસને કૃષ્ણહત્યાની કામગીરી સોંપી. જશોદાએ જયારે કૃષ્ણને પોતાના ખોળામાં લીધા ત્યારે ત્યાં તૃણાવંત રાક્ષસ આવ્યો. કૃષ્ણને તો ખ્યાલ આવી જ ગયો કે આ રાક્ષસ મારો વધ કરવા આવ્યો છે. હવે શું કરવું? જો રાક્ષસો માયાવી હતા તો કૃષ્ણને પણ માયાઓ રચતાં આવડતું હતું એટલે પોતાનો ભાર-પોતાનું વજન વધારી દીધું. જશોદા પોતાની આપવીતી કોને કહે? પોતાનો જ પુત્ર-અને તેનો વળી ભાર લાગે? કૃષ્ણ ગબડી પડયા અને તે વેળા તૃણાવંત ત્યાં આવી ચડયો. તેના આવવાથી શું થયું? પ્રેમાનંદ પોતાના શ્રોતાઓને માત્ર એટલું કહીને બેસી ન રહે કે તૃણાવંત આવ્યો-પણ તેના આગમનથી ગોકુળમાં શું થયું? એ રાક્ષસ તો ઝંઝાવાત લઇને આવ્યો હતો-મકાનોનાં છાપરાં ઊડી ગયાં, ધૂળના ગોટેગોટા ઊડયાં, શ્રોતાઓને પ્રતીતિ થવી જોઇએ કે જાણે આપણી આસપાસ જ આ રાક્ષસ ઊભો છે-એ રાક્ષસે તો ગોદડીમાં સૂતેલા કૃષ્ણને ગોદડી સમેત ઊંચકી લીધા અને આકાશમાં ઊડી ગયો એટલે હજુ શ્રોતાઓને આ રાક્ષસની પ્રતીતિ કરાવવી પડે.

ઊડે રેણુ, કાંકરા, કોરણ (ધૂળની આંધી), ગોકુળમાં થયો અંધકાર
વિપરીત જમુનાનું જળ વહેતું, હરિ હર્યા, હવો હાહાકાર.
નદીનું પાણી અવળું વળવા માંડે એને ભલે અતિશયોકિત કહીએ પણ એને કારણે તૃણાવંત રાક્ષસનો અતિ પ્રભાવ જોઇ શકાય છે. બધાની આંખોમાં ધૂળ ધૂળ એટલે કોઇને દેખાય નહીં-જશોદા બાળકને શોધે-પોતે જયાં તેને સુવાડયો હતો ત્યાં તે બાળક નથી-બધા આક્રંદ કરવા લાગ્યા. કૃષ્ણને ચિંતા થઇ કે આ આઘાતથી મારાં માતાપિતા મૃત્યુ પામે તો! રાક્ષસ તો વધ્યે ગયો પણ કૃષ્ણ તેને ગળે વળગ્યા. આમ સ્થૂળ રીતે જોઇએ તો બે વિરુધ્ધ પરિમાણ-કયાં બાળક અને કયાં આકાશ વ્યાપી અસુર પણ આ તો પૂર્ણ પુરુષોત્તમ એવા ભગવાન હતા એટલે રાક્ષસને મરડી નાંખ્યો. પથ્થર ઉપર ફેંકી દીધો એટલે ગોપીઓએ કૃષ્ણને ઊંચકીને જશોદાને આપ્યો. દશમ સ્કંધમાં તો કૃષ્ણ મહિમા છે પણ શ્રોતાઓમાં કેટલાક રામભકતો પણ બેઠા હોય એટલે તેવા ભકતોને કેન્દ્રમાં રાખીને પ્રેમાનંદ કહેશે:

ભકિતભાવે આ દ્વેષભાવે, હૃદયમાં રઘુપતિ રાખો,
કહે પ્રેમાનંદ: રામભજન વિના રખે દિવસ એળે નાંખો.
અહીં પ્રેમાનંદ ઉદાર બનીને રામસ્મરણના બે વિકલ્પ બતાવે છે.

રામની ભકિત પણ કરી શકાય અને તેમનો દ્વેષ પણ કરી શકાય-રાવણની જેમ, રાક્ષસનો નાશ થયો એટલે ગોકુળમાં તો ઉત્સવ ઉત્સવ થયો. પણ ત્રણ ત્રણ વખત કૃષ્ણવધના પ્રયત્ન થયા એટલે સ્વાભાવિક રીતે માતાને ચિંતા થાય. મા વિચારે-આ બધા લોકોમાં સાવ ગરીબો તો આહીરો-તો તેમની પાછળ પડવાથી શું મળે? આમ જ થયા કરે તો ભવિષ્યમાં શું થશે? અને આ જન્મભૂમિ છોડીને બીજે જવું પણ કયાં? કૃષ્ણ માતાની ચિંતા દૂર કરવા પોતાનામાં રહેલી વિશિષ્ટ શકિતનો પરિચય કરાવવા પોતાનું મોં ખોલીને વિશ્વરૂપ દેખાડે છે. કેટલીક મધ્યકાલીન રચનાઓમાં આ વાતને જુદી રીતે મૂકવામાં આવી છે. ગોપબાળો જશોદા આગળ ફરિયાદ કરે છે કે કૃષ્ણ માટી ખાય છે એટલે જશોદા કૃષ્ણને બોલાવીને તેનું મોં ખોલાવડાવે છે અને તે વખતે કૃષ્ણના ઉઘાડા મોંમાં જશોદાને બ્રહ્માંડ દર્શન થાય છે. શું શું જોયું?

નવકુળ નાગ, અષ્ટકુળ પર્વત, અષ્ટ વસુ, અષ્ટ સિધ્ધિ
નવખંડને નવ જોગોશ્વર, નવ ગ્રહ ને નવ નિધિ
સાત દ્વીપ ને સપ્ત સાગર, સપ્ત સ્વર્ગ ને સપ્ત પાતાળ,
સપ્ત ધાતુ ને સપ્ત ઋષિ રે, સપ્ત સ્વર રસાળ.
અને આમ બ્રહ્માંડમાં જેટજેટલું હતું તે બધું જ કૃષ્ણે જશોદાને દેખાડી દીધું. જશોદાને પ્રતીતિ થઇ કે આ સામાન્ય બાળક નથી. ‘આજથી હું નહિ એની માતા!’ પણ આ જ્ઞાન ટકવું તો ન જોઇએ, તો જ જશોદા પુત્રવત્સલ માની જેમ વર્તે એટલે ફરી જશોદાને આવેલું જ્ઞાન કૃષ્ણે અદ્રશ્ય કરી દીધું પરિણામે ફરી જશોદા અને કૃષ્ણ સામાન્ય માતા અને બાળક બની ગયાં.

Most Popular

To Top