Columns

વિદેશીઓની કૃષ્ણભકિત

ભગવાન શ્રીકૃષ્ણ એવા દેવ છે જે સૌને પ્રિય છે. બાલકૃષ્ણ બાળકોને પ્રિય છે. વનમાં ગાયો ચારતો અને વાંસળી વગાડી ગોપીઓને મોહિત કરતો કૃષ્ણ યુવાઓને પ્રિય છે. કુરૂક્ષેત્રમાં ગીતાનો સંદેશ આપતા યોગેશ્વર કૃષ્ણ સૌના મનની દ્વિધાનો ઉકેલ આપે છે. પ્રૌઢો અને વૃધ્ધો પણ નાનકડા બાલકૃષ્ણને રોજ નવા વાઘા પહેરાવી બંને ટાઇમના ભોગ ધરાવી લાડ લડાવે છે. એવા શ્રીકૃષ્ણે કૃષ્ણભકિતનું વિદેશીઓને પણ ઘેલું લગાડયું છે. અહીં વાત કરવી છે આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘના વિદેશી અનુયાયીઓની….

ગુરુભકિત સિધ્ધાંત સરસ્વતી ગોસ્વામીએ તેના શિષ્ય પ્રભુપાદ મહારાજને આજ્ઞા કરી કે તમે યુવાન છો, તેજસ્વી છો તો ભારતીય સંસ્કૃતિ અને કૃષ્ણભકિતનો વિદેશમાં પણ પ્રચાર – પ્રસાર કરો. યુવાનવયે દિક્ષા લેનાર પૂજય પ્રભુપાદ ગુરુની આજ્ઞા શિરોમાન્ય ધરી માત્ર સત્તર વર્ષની વયે અમેરિકા ગયા અને બાદમાં ન્યૂયોર્કમાં કૃષ્ણ ભાવનામૃત સંઘની ૧૯૬૬ માં સ્થાપના કરી. અમેરિકા જેવા ઇસાઇ દેશમાં હિન્દુ સંસ્કૃતિ અને પ્રચાર – પ્રસારનું કામ સહેલું તો નહોતું જ, અથાગ પરિશ્રમની ફળશ્રુતિ સ્વરૂપ કૃષ્ણભાવનામૃતની ભકિતધારા અમેરિકાનાં શહેરો સહિત વિશ્વના દેશોમાં વહેવા લાગી. કૃષ્ણભકિતના રંગે રંગાવા અને આધ્યાત્મિક શાંતિની શોધ કરતા હજારો વિદેશીઓ પૂજય પ્રભુપાદના સંઘમાં જોડાવા લાગ્યા.

પૂજય પ્રભુપાદનો આ આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ એટલે જ ઇસ્કોન. ઇંગ્લિશ સ્વરૂપે International Society for Krishna Consciousness નું શોર્ટ ફોર્મ એટલે ISKCON….. આ ક્રિષ્ણભાવનામૃત સંઘ દ્વારા હિન્દુ સંસ્કૃતિ અને કૃષ્ણભકિતના પ્રચાર – પ્રસારને વેગ મળતાં શરૂઆતનાં એ દસ વર્ષમાં જ વિદેશમાં, વિશ્વભરમાં ૧૦૮ ક્રિષ્ણમંદિરોની સ્થાપના પણ થઇ ચૂકી હતી. અત્યારે ભારત સહિત વિશ્વભરમાં સંઘના ૪૦૦ થી વધુ મંદિરો છે. ૧લી સપ્ટેમ્બર ૧૮૯૬માં કોલકાત્તામાં જન્મેલા પૂજય પ્રભુપાદે વિશ્વભરનાં લાખો લોકોને કૃષ્ણભકિતના માર્ગે વાળેલા. ૧૪ નવેમ્બર ૧૯૭૭ ના રોજ વૃંદાવન ખાતે ૮૧ વર્ષની ઉંમરે તેમણે દેહ છોડયો હતો. અત્યારે ચાલુ વર્ષે સંઘ પૂજ્ય પ્રભુપાદની 125 મુ જન્મજયંતી વર્ષ કોરોનાકાળ ચાલતો હોવાથી સાદાઈથી ઉજવી રહ્યું છે.

પૂજય પ્રભુપાદના કૃષ્ણભકિતના આ અભિયાનમાં જ્ઞાની – વિજ્ઞાની, સાહિત્યકારો, સંગીતકારો, ઉદ્યોગપતિઓ જેવા બુધ્ધિજીવીઓની એક ગણનાપાત્ર સંખ્યા છે. સંઘનાં મંદિરો ઉચ્ચ કોટિના ઉત્તમ સ્થાપત્યના નમૂના સ્વરૂપ છે. જો કે સંઘનું પ્રથમ મંદિર ભારતમાં નહિ પણ અમેરિકામાં બન્યું હતું. ઇસ્કોનનું હેડકવાર્ટર કલકત્તા પાસેનું માયાપુર ખાતેનું મંદિર હોવાનું મનાય છે. દિલ્હીમાં ૧૯૮૪ માં અને મુંબઇમાં ૧૯૭૮ માં સંઘના મંદિરની સ્થાપના થઇ હતી. સુરત ખાતે પણ તાપી તટે જહાંગીરપુરા ખાતે પણ ૧૩૬૦૦ સ્કે. ફૂટમાં સ્થાપિત ઇસ્કોન મંદિર છે. જયાં તહેવારો અને રવિવાર તથા જાહેર રજાઓના દિવસે ભકતોની ભીડ જામે છે. સંઘનાં મંદિરોમાં હિન્દુ પ્રણાલી મુજબ તહેવારો ઉજવાય છે. સાથે સંઘ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, વૃધ્ધાશ્રમો જેવાં સામાજિક કાર્યો સાથે મંદિરમાં આવતા હરિભકતો માટે પ્રસાદ – ભોજનની વ્યવસ્થા પણ પ્રત્યેક મંદિરોમાં જોવા મળે છે.

ઇસાઇ દેશોએ ઇસ્કોન મંદિરોને સ્વીકાર્યાં છે તો મુસ્લિમ દેશો જેવા કે દુબઇ, અરબ અમીરાત, બહેરીન, ઇરાન, શારજાહ જેવા ખાડી દેશોમાં પણ ઇસ્કોન ગૃપ કૃષ્ણચેતના અને હિન્દુ સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે. દુબઇમાં અત્યારે  ઇસ્કોનના ૫૦ થી વધુ ગૃપ કાર્યરત છે. ત્યાં  શુક્રવારના રોજ આધ્યાત્મિક સત્સંગ અને કિર્તન – ભજન કરતા હોય છે જેમાં સાતસોથી આઠસો લોકો ભાગ લેતાં હોય છે અને આશ્ચર્યજનક બાબત એ છે કે તેમાં યુવાવર્ગની સંખ્યા વધુ હોય છે. વર્તમાને પાકિસ્તાનમાં એક અને બાંગ્લાદેશમાં ૨૦ ઇસ્કોન મંદિર કાર્યરત છે. રૂઢિચુસ્ત ઇસાઇઓ અને મુસ્લિમ દેશોમાં મુસ્લિમોનો વિરોધ પણ સહન કરાવો પડયો છે પણ નિર્લેપ ભાવે હિન્દુધર્મ પ્રચારને જે તે દેશની સરકારનો સહયોગ મળી રહેતા પ્રવાહને વેગ મળ્યો છે.

તપ, શૌચ, દયા અને સત્યના સિધ્ધાંતોને અનુસરતા ઇસ્કોન અનુયાયીઓ તામસી પ્રકૃતિના ભોજન નથી આરોગતા એટલે કે માંસાહાર, લસણ, ડુંગળીને અભક્ષ્ય ગણે છે. પરસ્ત્રીગમન, જુગાર, મદ્યપાનનો ત્યાગ અને શુદ્ધ વ્યવહારિકતાના હિન્દુ સંસ્કૃતિના પાયાના સિધ્ધાંતને અનુસરતા ઇસ્કોન અનુયાયીઓને જોઇ દુનિયાની વિખ્યાત ફોર્ડ કંપનીના બોર્ડ ઓફ ડાયરેકટર કમીટિના અલ્ફ્રેડ ફોર્ડ પણ પ્રભાવિત થઇ પૂજય પ્રભુપાદના સંપર્કમાં આવ્યા.

ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાથી પ્રભાવિત આલ્ફ્રેડ ફોર્ડે હિન્દુ ધર્મ અપનાવ્યો અને પૂજય પ્રભુપાદ દ્વારા તેમનું અંબરીષ દાસજી નામે નામાકરણ કરાયું. કલકત્તા પાસેના માયાપુર ખાતે ભવ્યાતિભવ્ય ચંદ્રોદય મંદિર બનાવવામાં આવી રહેલ છે. કરોડોના ખર્ચે બનનાર આ મંદિરનું ૮૫ ટકા કામ પૂર્ણ થયું છે અને ૨૦૨૨ માં મંદિર પૂર્ણ થઇ જશે. આ ‘ટેમ્પલ ઓફ વૈદિક પ્લેનેટોરિયમ’ તરીકે ઓળખાતાં ચંદ્રોદય મંદિરના સ્થાપત્ય માટે અલ્ફ્રેડ ફોર્ડે રૂા. ૨૫૦ કરોડનું દાન આપ્યું છે. વૈદિક સંસ્કૃતિ, જ્ઞાન અને ધર્મના પ્રસારાર્થે નિર્મિત આ મંદિર ૩૮૦ ફૂટ ઊંચું છે.

બહુમાળી આ મંદિરમાં ૨૦ મીટર લાંબું વૈદિક ઝુમર લગાવવામાં આવશે. એક લાખ સ્કે. ફૂટમાં નિર્મિત આ મંદિરના એક માળ પર ૧૦,૦૦૦ થી વધુ ભકતો  બેસી શકે તેવી વ્યવસ્થા છે. કૃષ્ણભકિતથી રંગાયેલા અલ્ફ્રેડ ફોર્ડ ઉર્ફે અંબરીષ દાસજીએ ડેટ્રોઇટમાં ભગવદ્‌ ગીતા કલ્ચરલ સેન્ટર માટે પાંચ લાખ ડોલરનું દાન આપેલું તો હોનોલુલુમાં કૃષ્ણમંદિર અને લર્નિંગ સેન્ટર માટે છ લાખ ડોલર ફાળવેલા ઉપરાંત હવાઇ ખાતે અને રશિયાની રાજધાની મોસ્કોના કલ્ચરલ સેન્ટર માટે પણ મોટી આર્થિક મદદ કરી છે. હિન્દુ સંસ્કૃતિ, ભગવદ્‌ ગીતા અને કૃષ્ણભકિતના પ્રચારાર્થે ઇસ્કોન દ્વારા ૨૧૦૦ કરોડના ખર્ચે વૃંદાવન, બેંગલુરૂ, મૈસુર, જયપુર, તેલંગાણા, અમદાવાદ અને ગુવાહાટી એમ સાત સ્થળે અદ્યતન મંદિરો બની રહ્યાં છે.

જેમાં બેંગલુરૂ અને વૃંદાવનનાં અત્યાધુનિક બની રહેલાં મંદિરો સંપૂર્ણ થતા વિશ્વવ્યાપી ખ્યાતિ પામશે. વૃંદાવનમાં બનનારું કૃષ્ણમંદિર વિશ્વનું  સૌથી ઊંચું મંદિર બનશે. ૭૦૦ ફૂટ ઊંચા આ મંદિરમાં ૭૦ માળ હશે. વિવિધ સ્થળે ક્રિષ્ના બાળલીલા, ભાગવતના પ્રસંગો પ્રદર્શિત હશે. વિવિધ માળ પર જવા કેપ્સ્યુલ એલિવેટર હશે જેમાંથી બ્રહ્માંડનું દર્શન થતું હોય તેવી રચના હશે. ૬૫ એકરમાં ફેલાયેલા આ મંદિરની આજુબાજુ થીમપાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક જેવી આનંદ-પ્રમોદની સગવડો પણ હશે. આ જ  ઇસ્કોનના ઉપરોકત વિવિધ સ્થળે બનનારાં મંદિરોની વિશિષ્ટ ખાસિયતો હશે. 

ઇસ્કોન સાથે જોડાયેલા વિદેશીઓ ધર્મનું ચુસ્તપણે પાલન કરતા હોય છે. પુરુષો ધોતી – ઝભ્ભા અને સ્ત્રીઓ હંમેશ પારંપારિક ઓળખ સમી સાડીઓમાં નજરે પડે છે. હરે રામ હરે કૃષ્ણની ૧૦૮ મણકાની ૧૬ તુલસીમાળા રોજ કરવી ફરજીયાત હોય છે. સાથે ઇશ્વર ધ્યાન અને કિર્તન-ભજન દ્વારા ભકિત સહજ નિત્યક્રમ હોય છે. માત્ર મુસ્લિમ કે ઇસાઇઓનો જ નહિ પણ કટ્ટર હિન્દુ સંસ્થાઓનો પણ વિરોધ સહન કરવો પડયો એવો પૂજય પ્રભુપાદના કૃષ્ણભાવનામૃત સંઘ હિન્દુ સંસ્કૃતિ અને કૃષ્ણભકિતનો પ્રચાર અવિરત કરતી રહી છે.

Most Popular

To Top