Columns

કૃષ્ણ શીખવાડે છે

એક દિવસ રુકમણીજી ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા. ભગવાન શ્રી કૃષ્ણ ક્યારે ભવનમાં આવ્યા તે પણ તેમને ખ્યાલ ન રહ્યો. ભગવાને પાસે જઈને પોતાના મારકણા સ્મિત સાથે પૂછ્યું, ‘દેવી, કોના વિચારોમાં ખોવાયેલા છો. હું આવ્યો તો પણ તમને ખબર ન પડી. શું વિચારો છો?’ રુકમણીજીએ કહ્યું, ‘સ્વામી તમારા વિશે જ વિચારી રહી હતી.’ કૃષ્ણએ મજાક કરતા કહ્યું, ‘એવું તે મારા વિશે શું વિચારતા હતા કે મને જ ભૂલી ગયા’ રુકમણીજી બોલ્યા, ‘સ્વામી, તમે કેવી વાત કરો છો? મારું તો સર્વસ્વ જ તમે છો પણ હું વિચારી રહી હતી કે તમે તમારા અવતાર દરમ્યાન સમાજ અને મનુષ્યને કેટલી વસ્તુઓ શીખવાડી છે. તમે તમારુ જીવન એવી રીતે જીવ્યા છો કે તેમાંથી બીજાને સંદેશ મળે, શીખવા મળે.’

કૃષ્ણ બોલ્યા, ‘પ્રિયે, મને પણ કહો કે મેં એવું તે શું યાદ રાખવા જેવું માનવ સમાજને શીખવાડ્યું છે!’ રુકમણીજી ભાવથી બોલ્યા, ‘પ્રભુ ભલે તમે મારી મજાક કરો પણ હું સાચું કહું છું. હું વિચારી રહી હતી કે તમે જગતના સ્વામી છતાં તમે પાર્થના રથની લગામ ઝાલી તેના સારથી બન્યા અને વિશ્વને સંદેશ આપ્યો કે કોઈપણ કામ નાનું નથી હોતું. પ્રભુ તમે શિશુપાલના સો ગુના માફ કર્યા અને પોતાના ક્રોધને કાબૂમાં કેમ રાખવો તે શીખવ્યું અને ત્યારબાદ તેને સજા પણ કરી એમ પણ શીખવ્યું કે ગુનેગારને સજા કરવી જ જોઈએ. તમે મહાભારતનું યુદ્ધ અટકાવવા સંધી પ્રસ્તાવ માટે પણ ગયા અને મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને સાચું જ્ઞાન આપી અધર્મનો નાશ કરવા પ્રેરીત કર્યો અને સંદેશ આપ્યો કે અન્યાય સામે લડવું જ જોઈએ અને જીવનમાં જે કઈ પણ થાય છે તેની પાછળ કોઈ કારણ હોય છે.

નિયતીએ કર્મફળ પ્રમાણે જે નક્કી કર્યું હોય છે તે અનિવાર્ય હોય છે. મનુષ્યે તે સ્વીકારવું જ પડે છે.’ કૃષ્ણ પોતે સ્મિતસહ રુકમણીજીની ભાવભરી વાતો સાંભળી રહ્યા. રુકમણીજી આગળ બોલ્યા, ‘પ્રભુ, તમે જગતને સાચો માર્ગ દેખાડતો જ્ઞાન ગ્રંથ ગીતા આપ્યો અને તે ગ્રંથમાં અને જીવનમાં પણ ભક્ત અને ભક્તિનું મહત્ત્વ સૌથી વધારે આંક્યું અને જગતને સમજાવ્યું કે ભક્તિ સર્વોપરી છે. તમે તમારા ગરીબ મિત્ર સુદામાનું દ્વારકાધીશ હોવા છતાં દોડીને સ્વાગત કર્યું, તેના પગ ધોયા, તેના લાવેલા તાંદુલ પ્રેમથી આરોગ્યા અને તેમના સર્વ દુઃખો દુર કર્યા અને દુનિયાના માણસોને દાખલો આપી સમજાવ્યું કે મૈત્રીનું અમુલ્ય છે. હંમેશા સાચા મિત્ર બનો.

તમે મારો સ્વીકાર કર્યો અને સુભદ્રાને અર્જુન સાથે પરણાવી તમે જગતને જણાવ્યું કે નારીની મનની ભાવનાનું સન્માન કરવું જરૂરી છે. પ્રભુ તમે તમારા જીવન કાર્યો દ્વારા આવા ઘણું યાદ રાખવા જેવું જગતને શીખવ્યું છે. જે મનુષ્ય જીવો આ બધું સમજીને સ્વીકારી જીવનમાં ઉતરશે તેમનું જીવન સુંદર બનશે. ભગવાન કૃષ્ણએ હાથ ઝાલી રુકમણીજીને પોતાની બાજુમાં બેસાડ્યા અને કહ્યું, ‘પ્રિયે, મેં જગતને પ્રેમ, સ્નેહ અને ધર્મનો સંદેશ આપ્યો છે.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top