શ્રી કૃષ્ણ પ્રભુ : નરથી નારાયણની યાત્રા
વસુદેવ સૂતમ દેવમ્ કંસ ચારુણ મરદનમ્
દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુમ્ ।।
ભગવાન શ્રીકૃષ્ણને હિન્દુસ્તાનના લોકોએ જગતગુરુ કહ્યા છે. કૃષ્ણ એટલે આઠેય પ્રકારના કર્મોનો ક્ષય કરનારા દેવ. ધર્મથી આધ્યાત્મ તરફની યાત્રા એટલે ભગવાન શ્રીકૃષ્ણનું જીવન દર્શન. ગોકુળમાં નાના બાળકો સાથે એક સામાન્ય બાળક તરીકે રમતા બાલ શ્રીકૃષ્ણ પછી ધર્મની સ્થાપના માટે અને રક્ષણ માટે પોતાના જીવનને સમર્પિત કરનાર ભગવાન શ્રીકૃષ્ણ અને અંતે શ્રી અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં યુધ્ધના સમયે વિષાદમાંથી બહાર કાઢવા માટે આધ્યાત્મનો ઉપદેશ આપી તત્વજ્ઞાનનાં ઉપયોગથી દ્રષ્ટિને નિર્મળ બનાવતા ભગવાન શ્રીકૃષ્ણના યોગેશ્વર સ્વરુપને કરોડો નમન કરીએ.
ભગવાન શ્રીકૃષ્ણને વાસુદેવ પણ કહેવામાં આવે છે .
‘ૐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્ર બહુ પ્રચલિત છે. વાસુદેવ એ પદવી છે. કૃષ્ણ ભગવાનની પહેલાં પણ 9 વાસુદેવ થઈ ગયા. ભગવાન શ્રીકૃષ્ણ છેલ્લાં વાસુદેવ કહેવાયા. વાસુદેવ એ ક્વોલિટી છે. તેઓ ધર્મના રક્ષક હોય કોઈપણ ભોગે ધર્મનું રક્ષણ કરવાનું સામર્થ્ય ધરાવતા હોય છે. એવા વાસુદેવને નમસ્કાર કરું છું. કૃષ્ણ ભગવાને આ વિશ્વના લોકોને ભગવત ગીતા નામનો મહાન ગ્રંથ આપ્યો છે, જેમાં જીવન જીવવાનો સાચો રસ્તો બતાવ્યો છે. ભગવાને અર્જુનને યુધ્ધનાં મેદાનમાં જે જ્ઞાન આપ્યું તે જ જ્ઞાનથી અર્જુનને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયો અને તે જ જ્ઞાનને સમજીને અનુસરીને અર્જુન લાખો લોકોની હિંસાના નિમિત્ત બન્યા પછી પણ મોક્ષે ગયા.
આથી સાબિત થાય છે કે ક્રિયા એ કર્મ સાથે જોડાયેલી વસ્તુ નથી જો કર્મ સાથે જોડાયેલી વસ્તુ હોય તો અર્જુન મોક્ષે જાય નહીં. એ જ રીતે ભગવાન રામ પણ સીતા માતાને રાવણ પાસેથી મુક્ત કરાવવા યુધ્ધમાં લાખો લોકોની હિંસાના નિમિત્ત બન્યા હતા. પરંતુ ભગવાન રામ પણ તે જ ભવે મોક્ષે ગયા. આથી સમજાય છે કે સંસારમાં રહીને પણ મુક્તિ મળી શકે છે. કર્મ એ ભાવ સાથે જોડાયેલી વસ્તુ છે. એટલે કે આપણે જે સારા કે ખરાબ ભાવો કરીએ છીએ તેનાથી કર્મ બંધાય છે. ક્રિયાથી નથી બંધાતા.
શ્રીકૃષ્ણ ભગવાને ભગવત ગીતાના ગ્રંથ દ્વારા સમાજને મૂળ પાયાની વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન કહે છે હે અર્જુન, તું તારા સ્વ ધર્મમાં આવ. સ્વધર્મથી જ મુક્તિ છે. શરીરથી, આ સંસારથી મુક્ત થવા સ્વધર્મ જ ઉપકારી છે. સ્વધર્મ એટલે આત્મધર્મ. શરીરના દરેક અવયવો પોતાના ધર્મ બજાવે છે. કાનનો ધર્મ સાંભળવાનો છે, તે જોઈ નથી શકતા. આંખનો ધર્મ જોવાનો છે પણ તે સુગંધને પારખી નથી શકતી. નાકનો ધર્મ સુગંધ પારખવાનો છે પણ તે બોલી નથી શકતુ. તો આ દરેક પોતાના ધર્મમાં છે તો તું પોતે આત્મા છે.
તારું ખરું સ્વરૂપ ચેતન, અવિનાશી અને અનંત શક્તિવાળું એવું આત્મસ્વરૂપ છે. તો તું તારા ધર્મમાં આવ. ભગવાન કહે છે કે હે! અર્જુન તું તારા પોતાના સ્વ સ્વરૂપના લક્ષ સાથે યુદ્ધ કરીશ તો તારું એક પણ કર્મ બંધાશે નહીં. તેથી યુધ્ધના મેદાનમાં તું આ બધાને મારીશ તો પણ પાપ નથી થવાનું અને આ બધાને મારવા માટે તું જવાબદાર પણ નથી…..ફક્ત કુદરતે જ તને ધર્મના રક્ષણ માટે પસંદ કર્યો છે. સ્વધર્મમાં રહીને જ તો આ સંસારને કુદરતી રચનાના પક્ષે મૂકીને, જોઈને તું મુક્ત રહી શકીશ. સ્વધર્મ એ જ આત્મધર્મ છે અને એ જ દરેક વ્યક્તિ જો અનુસરે તો શરીરથી છૂટાપણું અનુભવી શકે.
મુક્તિની પહેલી શરૂઆત સદેહે જ શરૂ થાય છે. જ્ઞાની ભગવંતોએ બહુ સરસ કીધું છે કે …. ધારો કે દરેક વ્યક્તિને મોક્ષ કે મુક્તિ ન જોઈતી હોય તો પણ ઉચ્ચ મનુષ્યભવની પ્રાપ્તિ પણ થઈ શકે છે. નરક ગતિ અને તિર્યંચ ગતિ એટલે કે જાનવર ગતિના કર્મથી મુક્ત રહેવા માટે પણ દ્રષ્ટિને શુદ્ધ કરવી જ રહી. કષાયોથી મુક્તિ માટે દર્શન શુધ્ધિ એ પહેલી પાયાની જરૂરિયાત છે. ભગવત ગીતાને યથાર્થ સ્વરૂપે સમજવા માટે અનુભવી જ્ઞાની પુરુષ મળે તો જ તત્વદર્શન સમજાય. ગીતામાં ભગવાન કહે છે કે……
‘હું જે છું તે જ તું છે અને તું જે છે તે જ હું છું’ એટલે કે હું પણ આત્મા છું અને તુ પણ આત્મા જ છે. હું અને તું એક જ છીએ. એટલે આપણે દરેક જીવને અભેદ દ્રષ્ટિથી જોવાની આદત કેળવવાની છે. આ કળિયુગમાં આપણને પ્રત્યક્ષ અનુભવ લઇને આવેલા અનુભવી જ્ઞાની પુરુષથી જે જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણએ, શ્રી અર્જુનને આપ્યું હતું તે જ ફરી વિજ્ઞાન સ્વરૂપે જેમ છે તેમ સમજાવી રહ્યાં છે. હવે આપણે દ્રષ્ટિથી પુરુષાર્થ કરવો રહ્યો. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા જ્ઞાન તરફ લઈ જાય છે. નમ્રતા સમાજમાં માન અપાવે છે અને યોગ્યતા ઉચ્ચ સ્થાને લઈ જાય છે. અને જો એક જ વ્યકિતમાં આ ત્રણેય ગુણો મળી જાય તો જીવનમાં સન્માન અપાવે છે.
– ફાલ્ગુની રા .પંડ્યા