ભૂતકાળના ગૌરવને ફરી જીવંત કરવાનું કામ પણ પૂણ્યનું છે ને તે અત્યારે ‘પૂણ્યશ્લોક અહિલ્યાબાઇ’ વડે થઇ રહ્યું છે. જેકસન શેઠીના દિગ્દર્શનમાં બનેલી આ સિરીયલ સોની ટીવી પર ૪ જાન્યુઆરી ૨૦૨૧ થી ચાલી રહી છે. અહિલ્યાબાઇએ ૧૭૬૭ થી ૧૭૯૫ દરમ્યાન માલવા પર રાજ કરેલું અને ત્યારના સ્ત્રી શાસકોમાં તે ઉદાહરણરૂપ હતી, અત્યંત પ્રગતિશીલ અને તેજસ્વી હતી. આ સિરીયલમાં અદિતી જલતરે અહિલ્યાબાઇનું પાત્ર ભજવે છે. તેના પતિની ભૂમિકામાં ક્રિશ ચૌહાણ છે. અત્યારે આ બંને પાત્રો કુમારાવસ્થામાં છે એટલે અદિતી અને ક્રિશ બન્ને કળાકારો પણ એજ અવસ્થાના છે. આ સિરીયલમાં આ ઉપરાંત રેણુ તરીકે શ્રેયા ચૌધરી ઉપરાંત તુકોજી રાવ હોલ્કર તરીકે જેમ્સ નૈવેદ્ય ઘાટગે, ગુણોજીરાવ તરીકે હર્ષ જોશી છે. આ બધાની ઉંમર ૧૦ થી ૧૫ વર્ષ વચ્ચેની છે અને પ્રભાવક રીતે અભિનય કરી રહ્યા છે. આ માટે પટકથા, દિગ્દર્શન અને યોગ્ય પાત્રવરણીને જવાબદાર ગણવા જોઇએ.
ક્રિશ ચૌહાણ કે જે ખંડેરાવની ભૂમિકામાં છે તે મૂળ વડોદરાનો છે. ૧૨ ઓગસ્ટ ૨૦૦૫ ના રોજ જન્મેલો ક્રિશ આ પહેલાં ‘કર્મફલ દાતા શનિ’માં હનુમાનની ભૂમિકા ભજવી ચુકયો છે. તે પહેલાં ‘ફીર ભીના માને બદતમીઝ દિલ’, ‘કોડ રેડ’, ‘રામ સિયાકે લવકુશ’ જેવી સિરીયલો કરી ચુકયો છે. ૨૦૧૮ માં ‘બેક બેન્ચર’ ફિલ્મ આવેલી તેમાં પણ તેણે કામ કર્યું છે. ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર 3’ માં તેણે ભાગ લીધેલો. આ ઉપરાંત ડેટોલ, હોર્લિકસ, ક્રેક, તેની જાહેરાતમાં પણ આવી ચુકયો છે. આ કારણે જ તે આ સિરીયલમાં પણ પ્રભાવી લાગે છે. છોટે સુબેદારજી તરીકેના તેના પાત્રમાં ઘણા વળાંકો છે. અહિલ્યાબાઇના પ્રભાવ નીચે દબાવાનું આવતાં તે હતાશા પણ અનુભવે છે. પિતા સામે લડવું પડે છે. આ બધા જ વળાંકોમાં તે સફળ રહે છે.
‘પૂણ્ય શ્લોક અહિલ્યાબાઇ’ના છ – સાત કેન્દ્રિય પાત્રોમાં એક ક્રિશનું પાત્ર છે, એટલે સ્વાભાવિક રીતે જ તેણે રોજ જ સેટ પર હાજર રહેવાનું હોય છે. તે ૧૬ વર્ષનો છે અને ઘણી બધી સિરીયલો કરી ચુકયો છે એટલે ભણવાનું જરૂર બગડે છે પણ જે ઉંમરે જે પાત્ર ભજવવાના હોય તે પાત્ર ભજવવા ઉંમર વિત્યા પછી વિચાર ન થઇ શકે. તે સહજ અભિનેતા છે ને પોતાના પાત્ર માટે ઘણી મહેનત કરે છે. ‘રામ સિયા કે લવકુશ’ ના કુશનું પાત્ર ભજવી ચુકેલો ક્રિશ સવારે વહેલો ઉઠે છે. પૂજાપાઠ કરે છે. કોરોના સમયમાં તે ગિટાર શીખ્યો છે. સમજો કે તે આવનારા સમયમાં હીરો તરીકે પોતાને જોવા માંગે છે. ‘પૂણ્ય શ્લોક અહિલ્યાબાઇ’ માટે તે મૃદંગમ વગાડવાનું પણ શીખ્યો છે.
ખંડેરાવ હોલ્કર તરીકેનું પાત્ર ભજવવું તેને ખૂબ ગમે છે. તેની બેન સ્નેહા સાથે તે ડાન્સ શીખ્યો છે. ગુજરાતી છે પણ એક પછી બીજી, ત્રીજી સિરયલો હિન્દીમાં કરવાથી તે સહજ રીતે હિન્દી ભાષા બોલે છે. ખંડેરાવના પાત્ર માટે તેણે ઘણો અભ્યાસ પણ કર્યો છે. અલબત્ત, સ્કૂલ અભ્યાસ તે ઓનલાઇનથી ભણે છે. સેટ પર તે કામમાં ડૂબેલો રહે છે. તેને આનંદ છે કે આ સિરીયલના બધા એકટર્સ હાર્ડવર્કિંગ છે. ‘પૂણ્ય શ્લોક અહિલ્યાબાઇ’ના ૯૦ ટકા કળાકારો મરાઠી ભાષી છે પણ તેને વાંધો નથી આવ્યો. ઉલ્ટાનું તો થોડું મરાઠી પણ શીખ્યો છે. આ સિરીયલનું શૂટિંગ ઉમરગાંવમાં વધુ થાય છે એટલે વધારે કમ્ફર્ટ અનુભવે છે. તેને આનંદ એ વાતનો છે કે આ સિરીયલમાં પાંચ-છ બાળ કળાકારો છે એટલે રમી પણ શકાય છે. કળાકાર તરીકે તે હવે મહત્વાકાંક્ષી બની ચુકયો છે ને કયારેક તે હોલીવુડ સુધી જવા માંગે છે. ઓસ્કારમાં નોમીનેટ થવા સુધી વિચારે છે. વડોદરાનો આ છોકરો સાહજિક પ્રતિભા સાથે મહેનતથી સતત આગળ વધી રહ્યો છે.