કેન્દ્ર સરકાર ભારતના અર્થતંત્રનું જેટલું ફુલગુલાબી ચિત્ર રજૂ કરવા માગે છે, તેવું હકીકતમાં નથી. ભારતના અર્થતંત્રની હાલત બીમાર છે, પણ સરકારે તેને દબાવી રાખી છે. ભારતમાં અનેક બેન્કો દેવાળું ફૂંકી ચૂકી છે તો અનેકની હાલત ખરાબ છે. પેટીએમ બેન્ક પર રિઝર્વ બેન્કે નિયંત્રણો લાદ્યાં તે પછી હવે ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેન્ક પણ કટોકટીમાં મૂકાઈ ગઈ છે. ભારતીય રિઝર્વ બેંકે કોટક મહિન્દ્રા બેંક સામે સખત કાર્યવાહી કરી છે અને તેને ઓનલાઈન નવા ગ્રાહકો ઉમેરવા સામે પ્રતિબંધ ફરમાવી દીધો છે.
કોટક મહિન્દ્રા બેન્કને નવા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ જારી કરવાની પણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. કોટક મહિન્દ્રા બેંક એ ભારતની મોટી ખાનગી બેંકોમાંની એક છે, જેના સ્થાપક ઉદય કોટકને દેશના સૌથી શ્રીમંત બેંકર માનવામાં આવે છે. કોટક મહિન્દ્રા બેંક પર ભારતીય રિઝર્વ બેંકે મોટી કાર્યવાહી કર્યા બાદ આ બેંકના શેરમાં તીવ્ર ઘટાડો થયો હતો અને તે શુક્રવારે ૧૨ ટકાથી વધુ ઘટીને ૧,૬૨૫ રૂપિયા પર આવી ગયો હતો. કોટક મહિન્દ્રા બેંકના શેરમાં ભારે ઘટાડાથી તેના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉદય કોટકને ભારે નુકસાન થયું છે. તેમની સંપત્તિમાં રૂ. ૧૦,૩૨૮ કરોડનો ઘટાડો થયો છે. તેમની કુલ સંપત્તિ ૧૩ અબજ ડોલર થઈ છે અને તેઓ વિશ્વના ધનિક લોકોની યાદીમાં ૧૫૫માં સ્થાને આવી ગયા છે.
રિઝર્વ બેંકે બુધવારે કોટક મહિન્દ્રા બેંક સામે આઇટી નિયમોનું વારંવાર પાલન ન કરવા બદલ કાર્યવાહી કરી હતી. રિઝર્વ બેંકને કોટક મહિન્દ્રા બેંકની આઇટી જોખમ સંચાલન અને માહિતી સુરક્ષા કામગીરીમાં ગંભીર ખામીઓ જોવા મળી છે. બે વર્ષ સુધી મોનિટરિંગ કર્યા બાદ રિઝર્વ બેંક દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. રિઝર્વ બેંકે પોતાના નિવેદનમાં ૧૫ એપ્રિલ, ૨૦૨૪ની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. કોટક મહિન્દ્રા બેંકના ઘણા ગ્રાહકો તે દિવસે બેંકની મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શક્યા ન હતા. કેટલાક ગ્રાહકોએ એવી પણ ફરિયાદ કરી હતી કે નેટ બેન્કિંગ, યુપીઆઈ અને ડેબિટ કાર્ડના વ્યવહારો યોગ્ય રીતે થઈ રહ્યા નથી.
ગ્રાહકોની ફરિયાદોના જવાબમાં કોટક મહિન્દ્રા બેંકે તેના અધિકૃત ગ્રાહક સંભાળ હેન્ડલ દ્વારા જણાવ્યું હતું કે અમે તમને જણાવતા ખેદ અનુભવીએ છીએ કે અમારાં ટેકનિકલ સર્વર હાલમાં તૂટક તૂટક ધીમા પડી રહ્યાં છે. અમે સમસ્યાનો ઉકેલ લાવવા અને શક્ય તેટલી વહેલી તકે સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છીએ. આના કારણે થતી કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છીએ. અમે તમારી સમજણ અને ધીરજની કદર કરીએ છીએ.
કોટક મહિન્દ્રા બેંકમાં સતત બે વર્ષ સુધી આઈટી જોખમ અને માહિતી સુરક્ષા કામગીરીમાં ઉણપ હોવાનું જણાયું હતું. ડિસેમ્બર ૨૦૨૦ માં આરબીઆઈએ એચડીએફસી બેંકને ટેક્નોલોજીની ખામીઓ બાદ નવા કાર્ડ જારી કરવા અને નવી ડિજિટલ પહેલ શરૂ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે માર્ચ ૨૦૨૨માં આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે આ પગલાં કોઈ પણ સુપરવાઇઝરી અથવા અમલીકરણનાં પગલાંથી પ્રભાવિત થયા વિના લેવામાં આવ્યાં હતાં. રિઝર્વ બેંક કોઈપણ બેંક સામે આવી કાર્યવાહી કરી શકે છે.
કોટક મહિન્દ્રા બેંકમાં મ્યુચ્યુઅલ ફંડો લગભગ ૧૨.૮૨% હિસ્સો ધરાવે છે. કોટક મહિન્દ્રા બેંકના શેરના ભાવમાં તીવ્ર ઘટાડાથી તેમને આશરે રૂ. ૫,૦૦૦ કરોડનું નુકસાન થવાની ધારણા છે. આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેંકમાં વીમા કંપનીઓ ૮.૬૯% હિસ્સો ધરાવે છે અને જાહેર ક્ષેત્રની કંપની ભારતીય જીવન વીમા નિગમ ૬.૪૬% હિસ્સો ધરાવે છે. આ રીતે કોટકના શેરમાં ઘટાડાનો અર્થ એ થયો કે વીમા કંપનીઓને લગભગ રૂ. ૩,૪૫૬ કરોડનું નુકસાન થયું હતું, જ્યારે ભારતીય જીવન વીમા નિગમને પણ આ કડાકામાં લગભગ રૂ. ૨,૫૬૯ કરોડનું નુકસાન થયું હતું.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કોટક મહિન્દ્રા બેંક પર તેની કાર્યવાહી માટે બેંકની ટેક્નોલોજી સિસ્ટમમાં સતત ક્ષતિઓને જવાબદાર ગણાવી છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર કોટકની ટેક્નોલોજી સિસ્ટમની નિષ્ફળતાને કારણે ગ્રાહકોને ભારે નુકસાન સહન કરવું પડે છે. આરબીઆઈની આ કાર્યવાહી કેટલી મહત્ત્વપૂર્ણ છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે કોટક મહિન્દ્રા બેંકે ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના પરિણામોમાં જણાવ્યું હતું કે તેના બચત ખાતાઓમાં ૯૮% વ્યવહારો ડિજિટલ રીતે અથવા બેંક શાખાઓની મુલાકાત લીધા વિના કરવામાં આવ્યા હતા. જો મોટા ભાગના ગ્રાહકો તેમના વ્યવહારો ઓનલાઈન કરતા હોય અને બેંકનું સર્વર ઠપ થઈ જાય તો ગ્રાહકો મુશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે.
દાખલા તરીકે કોઈ ગ્રાહક હાઈવે પર ટોલ નાકું પસાર કરવા કોટક મહિન્દ્રાનું ફાસ્ટેગ રિચાર્જ કરાવવા માગતો હોય પણ તે ન કરાવી શકે તો તેણે રોકડામાં ડબલ ટોલ ભરવો પડે છે. આરબીઆઈaએ કોટક મહિન્દ્રા બેંકના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ક્ષમતા પર પણ સવાલો ઉઠાવ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે તેની ખામીઓને કારણે તે સતત સમસ્યાઓનો સામનો કરી રહી છે. ૧૫ એપ્રિલ, ૨૦૨૪ ના રોજ આ ખામીઓને કારણે બેંકની ઓનલાઈન સેવાઓ ખૂબ પ્રભાવિત થઈ હતી અને તેના કારણે ગ્રાહકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ ખામીઓને દૂર કરવા માટે બેંક ગંભીર ન હોવા ઉપરાંત તેની પાસે આ માટે પર્યાપ્ત ભંડોળ ન હોવાનો પણ પરોક્ષ રીતે આરોપ રિઝર્વ બેંકે લગાવ્યો છે. એક તરફ જૂની સમસ્યાઓનું નિરાકરણ નથી આવી રહ્યું તો બીજી તરફ બેંકમાં ઓનલાઈન ગ્રાહકોની સંખ્યા વધી રહી છે, જેના કારણે દબાણ વધી રહ્યું છે. હવે લાદવામાં આવેલા નિયંત્રણોની સમીક્ષા બેંક સ્તરે ભવિષ્યમાં લેવામાં આવનારાં પગલાંના આધારે કરવામાં આવશે. રિઝર્વ બેંકે કહ્યું છે કે ખામીઓને દૂર કરવા માટે લેવાયેલાં પગલાંઓ અપૂરતાં કે ખોટાં હતાં. કોટક મહિન્દ્રા બેંક પર આ એક મોટો આરોપ છે અને તે દર્શાવે છે કે ગ્રાહકોના હિતોના સંરક્ષણમાં તેનું વહીવટીતંત્ર કેટલું બેદરકાર છે.
ગુજરાતના રહેવાસી ઉદય કોટકે વર્ષ ૧૯૮૫માં પરિવાર અને મિત્રોની મદદથી રૂ. ૩૦ લાખની લોન લઈને રોકાણ કંપનીની સ્થાપના કરી હતી. પછીના વર્ષે તેમણે આ કંપની ચલાવવા માટે મહિન્દ્રા ગ્રૂપ સાથે ભાગીદારી કરી હતી. બાદમાં ગોલ્ડમેન સૅક્સ ગ્રુપ ઉદય કોટકના પાર્ટનર તરીકે જોડાયું હતું. ત્યાર બાદ આ કંપની કોટક મહિન્દ્રા બેંક બની, જે હવે રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ મુસીબતમાં છે. બેંકના લાંબા સમય સુધી સીઇઓ રહેલા ઉદય કોટકે ૨૦૦૬માં ગોલ્ડમેન સૅક્સ સાથેની ભાગીદારીને સમાપ્ત કરીને બેંક પર પોતાની પકડ વધુ મજબૂત કરી હતી.
કોટક મહિન્દ્રા બેંક ભારતની ચોથા નંબરની સૌથી મોટી બેંક છે. પહેલા નંબરે એચડીએફસી, બીજા નંબરે આઈસીઆઈસીઆઈ અને ત્રીજા નંબરે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે. કોટક મહિન્દ્રા બેંકનું માર્કેટ કેપ ૩.૬૬ લાખ કરોડ રૂપિયાનું છે. તેના ૪.૧૨ કરોડ ગ્રાહકો છે અને તેમાં એક લાખથી વધુ કર્મચારીઓ છે. તેની ૧,૭૮૦ બ્રાંચો છે અને તેના ૨,૯૬૩ એટીએમ છે. તેના ગ્રાહકોના ૩.૬૧ લાખ કરોડ રૂપિયા બેંકમાં જમા છે. કોટક મહિન્દ્રા બેંક દ્વારા ૪૯ લાખ ક્રેડિટ કાર્ડ અને ૨૮ લાખ ડેબિટ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. રિઝર્વ બેંક દ્વારા નવા ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ઇશ્યૂ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે, પણ જૂના કાર્ડ ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોટક મહિન્દ્રા બેંકનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નબળું છે તે કારણ સપાટીપરનું કારણ જણાય છે. હકીકતમાં તેની પાસે પૂરતું ભંડોળ નથી. કદાચ બેંક ખોટમાં ચાલી રહી છે કે લિક્વિડિટીની કટોકટી અનુભવી રહી છે, જે હકીકત જાહેર કરવામાં આવતી નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.