SURAT

સુરત જિલ્લાનું મહુવા તાલુકાનું મહાલમાંનું એક ગામ એટલે કોસ ગામ, દેસાઈ અટક સાથે છે ખાસ સંબંધ

મોટા ભાગના રાજપૂતોની અટક ‘દેસાઈ’, રાજા રજવાડાઓના સમયમાં રાજસત્તા માટે કરવેરો ઉઘરાવવાની સત્તા રાજપૂતો પાસે રહેતી અને જે કરવેરો એકત્ર થાય એનો દસમો ભાગ ઉઘરાવનારનો રહેતો, જેને ‘દસાઈ’ કહેવાતું એ શબ્દ પરથી દેસાઈ અટક ઊતરી આવી હતી

ગાયકવાડી સ્ટેટનું છેવાડાનું ગામ એટલે કોસ. હાલે સુરત જિલ્લાના મહુવા તાલુકાનું વાંસદા તાલુકાને એટલે કે નવસારી જિલ્લાની હદને અડીને કોસ ગામ આવેલું છે. વડોદરા રાજ્ય વખતે નવસારી પ્રાંતના મહાલમાંનું એક મહાલ એટલે કોસ. વડીલો અનુસાર વહેવલ તેમજ અનાવલ મહાલથી એક કોસના અંતરે આવેલું ગામ તે કોસ. ગાયકવાડી શાસન દરમિયાન કોસ ગામ એક વ્યાપારી મથક તરીકે જાણીતું હતું. આસપાસના વિસ્તારોમાંથી લોકો કોસ ખાતે ખરીદ-વેપાર માટે આવતા હતા. કોસ ગામની બહુધા વસતી આદિવાસી સમુદાયની અને મોટા ભાગના લોકો કૃષિ સાથે સંકળાયેલા છે.

ભણેલા ફળિયા, કાનજી ફળિયા, માહ્યાવંશી મહોલ્લો, રાજપૂત ફળિયા, કુંભારવાડ, આહીર ફળિયા, લુહાર ફળિયા, મોચી મહોલ્લો, નવા ફળિયા, ખાડી ફળિયા, ગામિત ફળિયા, ઝગડ ફળિયા અને ઉપલી કોસ વગેરે ફળિયાંમાં વહેંચાયેલા કોસ ગામમાં કુંભાર, લુહાર, રાજપૂત, સોની, મોચી, આહીર, ધોડીઆ, ગામીત, જૈન, નાયકા તેમજ હળપતિ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. બહુવિધ સમાજના લોકો વસતા હોવાથી અહીં કુંભાર, મોચી, દરજી, લુહાર, સોની વગેરે કારીગરો પણ ઉપલબ્ધ છે. જેથી આસપાસનાં ગામોથી કોસ ગામે લોકોની અવરજવર રહે છે.

કોસ ખાતે ડાંગર ભરડવાની, દાળ પાડવાની તથા હળદર-મરચું વગેરે દળવાની ઘંટી આવેલી છે. જે ખૂબ જ જાણીતી છે. તેથી અહીં આ કામે દૂર દૂરથી લોકો આવે છે. કોસ ગામનો ભૂતકાળ વર્તમાન કરતાં ભવ્ય હતો. કારણ કે આ ગામ બે પેઢી અગાઉ આ વિસ્તારનું મુખ્ય વેપારી મથક ગણાતું હતું. મુખ્ય વેપારી મથક તરીકેનું સ્થાન સમયના વહેણ સાથે આજે બદલાયું છે. છતાં ગામમાં આજે પણ કુંભાર દ્વારા માટલાં ઘડાય છે. દરજી અને કાપડની દુકાનમાંથી હજીયે દરજીકામ કરનાર તો છે જ. કોસ‌ ખાતે વસતા રાજપૂતો પણ ભૂતકાળમાં શાસકોના ખાસ ગણાતા. અહીંના મોટા ભાગના રાજપૂતો ‘દેસાઈ’ અટક ધરાવે છે. રાજા રજવાડાઓના સમયમાં રાજસત્તા માટે કરવેરો ઉઘરાવવાની સત્તા રાજપૂતો પાસે રહેતી અને જે કરવેરો એકત્ર થાય એનો દસમો ભાગ ઉઘરાવનારનો રહેતો. જેને ‘દસાઈ’ કહેવાતું એ શબ્દ પરથી દેસાઈ અટક ઊતરી આવી હોવાનું મનાય છે.

આજથી લગભગ‌ ચાળીસેક વર્ષ અગાઉ ગામના જ એક વ્યક્તિ સુરજીભાઈ રવજીભાઈ ધોડીઆ દ્વારા બે ગાળા જેટલું મંડપ કપટાવવાનું કાપડ વસાવી મંડપ સર્વિસના વ્યવસાયની શરૂઆત કરવામાં આવી હતી. જે સમય જતાં મોટો વ્યવસાય બન્યો. એ થકી પ્રેરણા પામીને એમના જ કુટુંબના અન્ય સભ્યોએ પણ મંડપ સર્વિસના વ્યવસાયમાં ઝંપલાવતાં એમની હયાતી નથી ત્યારે પણ આજે કોસ ગામનો મંડપ સર્વિસમાં ડંકો વાગે છે. મંડપ વ્યવસાયથી ગામના અન્ય લોકો પણ આકર્ષાતાં આજે કોસ ગામ ખાતે લગભગ સાત જેટલા મંડપ સર્વિસના કોન્ટ્રાક્ટરો છે.

ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય
આ ગામના કૃષકો પણ ધ્યાનાકર્ષક ખેતી અને પશુપાલન કરે છે. સહકારી દૂધ ઉત્પાદક મંડળી, કોસ ખાતે આખા વર્ષ દરમિયાન ૧૨૬૯૪૬૫૩ લીટર જેટલું દૂધ એકત્ર કરી સુમુલ ડેરીએ પહોંચાડવામાં આવે છે. ખેડૂતોની મોટા કદની‌ સેવા સહકારી મંડળી કાર્યરત છે. જેના દ્વારા ખેડૂતલક્ષી કામગીરી કરવામાં આવે છે. ખેડૂત મંડળી દ્વારા રાસાયણિક ખાતર વેચાણ તેમજ કૃષિ ધિરાણ કિસાન ક્રેડિટ કાર્ડ અંગેની સુવિધા પૂરી પાડવામાં આવે છે. સાથે જ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનનું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે.

નર્સરી ઉદ્યોગનો વિકાસ
ગામમાં એક વડીલ એવા હતા કે જેઓ ખેતી વિસ્તરણ અધિકારી તરીકે નિવૃત્ત થયા હતા. આ કલ્યાણભાઈ દેવાભાઈ પટેલે ખેતીનો જીવ હોવાથી સેવાનિવૃત્તિ પછી આ વિસ્તારના ખેડૂતોને પડતી અગવડને ધ્યાને લ‌ઈ શાકભાજીના રોપા તૈયાર કરતી પોતાની નર્સરી વિકસાવી હતી. જેનો વિસ્તાર વધારતાં વધારતાં ઠેર ઠેરથી રોપા ખરીદવા દૂર દૂરથી ખેડૂતો આવતા થયા. આજે એમની હયાતી બાદ આ મારુતિ નર્સરી ફાર્મને એમના દીકરા નરોત્તમભાઈએ વધુ ને વધુ વિકસાવી છે. આજે વર્ષ દરમિયાન લગભગ દસેક લાખ જેટલા રોપા આધુનિક ઢબે તૈયાર કરે છે.

બીલીમોરા-વઘ‌ઈ નેરોગેજ રેલવેની વ્હીસલ ગ્રામજનોને સાંભળવા મળે છે
કોસ ગામ મધ્યેથી અંગ્રેજના જમાનામાં શરૂ થયેલી બીલીમોરા-વઘ‌ઈ નેરોગેજ રેલવે લાઈન પસાર થાય છે. જેની વ્હીસલ સાંભળવાનો અનેરો લ્હાવો આ ગામવાસીઓને પ્રાપ્ત છે. ગામમાંથી વહેતી કોસ ખાડી પર આ ટ્રેન માટે પુલ બન્યો છે એ ‘મોટા પુલ’ તરીકે ઓળખાય છે. એસ.ટી. બસની સુવિધામાં આ ગામે રાત્રિ રોકાણ કરતી બસ સુરતથી આવે છે. ભૂતકાળમાં બીલીમોરા તેમજ નવસારીથી આવતી એસ.ટી. બસની ટ્રીપ હતી. જે ઘણાં વર્ષો અગાઉ બંધ કરાઈ હતી. જે સુવિધા પરત શરૂ કરવાની દરકાર એસ.ટી. વિભાગે લીધી નથી. મુસાફરોએ વધુ એસ.ટી. બસ સુવિધા મેળવવા ત્રણ કિલોમીટર પગપાળા અનાવલ સુધી લાંબા થવું પડે છે.

ધાર્મિક સ્થાનકો
કોસ ગામ મધ્યે રામજી મંદિર, હનુમાનજી મંદિર આવેલું છે. જે ગામઠાણના લોકો ધાર્મિક હોવાની પ્રતીતિ કરાવે છે. આ ઉપરાંત આદિવાસીઓના દેવ થાનકો જેવાં કે કાકા બળિયા, હિંવાર્યા દેવ, બરામદેવ, વાઘ દેવી, પેટફોડી દેવી વગેરે પણ આવેલી છે. જ્યાં પણ ગ્રામજનો અનેરી આસ્થા ધરાવે છે. તાજેતરનાં થોડાં વર્ષોથી ગામમાં સ્વામિનારાયણ મંદિર પણ આકાર પામ્યું છે. કોસ ખાતે ગણેશ ઉત્સવ અને નવરાત્રિ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. આ ઉત્સવ માણવા માટે આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે. ઉપરાંત કૃષ્ણ જન્મોત્સવ તથા આદિવાસી સમુદાયમાં પરંપરાગત એવા વાઘ બારસ, રાત ઉજાણ્ની‌ તેમજ નાંદુર્યો જેવા ઉત્સવોમાં પણ ગામના લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે.

બસ સુવિધા મળે તો ગામનો વિકાસ પૂર્ણ બને
વિકાસ તરફ દોટ ભરી રહેલા કોસ ગામના લોકોની એસ.ટી. બસ સુવિધા અંગેની માંગ જો સંતોષાય તો ગામનો વિકાસ પૂર્ણ બને. કોસ ગામ એવા સ્થાન પર આવેલું છે કે એક અનાવલ ગામ કે જ્યાં શુકલેશ્વર મહાદેવ મંદિર અને મોક્ષમાર્ગી સંપ્રદાયનો વલ્લભાશ્રમ જેવાં ધાર્મિક આસ્થાનાં કેન્દ્રો આવેલાં છે. બીજી બાજુ આંગલધરા ગામે બ્રહ્મલીન સ્વામી શ્રી મનોહરાનંદજી મહારાજનો સનાતન આશ્રમ આવેલો છે. જ્યાં હાલે ધાર્મિક સ્થાન ઉપરાંત કન્યા કેળવણીનું કેન્દ્ર છે. ત્રીજી તરફ ચઢાવ ગામ પછી તરત જ ગરમ પાણીના કુંડ ધરાવતું પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ આવેલું છે. ભૂતકાળમાં ઉનાઈ જતી બસ કોસ થઈને જતી જે હાલે અહીંથી પસાર નથી થતી. બીલીમોરા-કોસ તેમજ નવસારી-કોસ બસ આવતી હતી. જે ઘણાં વર્ષોથી બંધ કરાઈ છે. હાલ ફક્ત બારડોલી ડેપોની સુરત-કોસ નાઈટ બસની જ સગવડ આ ગામને પ્રાપ્ત થાય છે.

આદિવાસીઓની ‘ધોડીઆ’ ભાષાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવનારા ગામના લેખક-કવિ કુલીન પટેલ
નાનકડા કોસ ગામની વસતી ચારેક હજાર જેટલી છે. આ ગામના એક સામાન્ય માણસ કે જે કૃષિ અને તસવીર કલા સાથે સંકળાયેલા છે, તેઓ પોતાની જન્મભાષા એવી ધોડીઆ ભાષા અંગે કામ કરતાં કરતાં ‘ધોડીઆ ભાષા શિક્ષક’ તરીકે ખ્યાતિ પામ્યા છે. આ વ્યક્તિ છે કુલીન પટેલ. કોસ ગામે વસતા લોકોમાં લગભગ એંસી ટકા લોકો ધોડીઆ સમાજના છે. એમની પરંપરાગત ભાષા પણ ‘ધોડીઆ ભાષા’ તરીકે ઓળખાય છે. ગુજરાતભરમાં લગભગ આઠ લાખ જેટલી વસતિ ધોડીઆ આદિવાસીઓની હશે. મહારાષ્ટ્ર રાજ્યમાં પણ ધોડીઆ આદિવાસી સમુદાયના લોકો વસે છે. આદિવાસી સમુદાયમાં પેઢી દર પેઢીથી વ્યવહારમાં છે એવી ધોડીઆ ભાષા આધુનિક સમયમાં ક્યાંક લુપ્ત ન થઈ જાય એ માટે કુલીન પટેલે પ્રયાસ હાથ ધરી પોતીકી ભાષાને હજુયે આગલી પેઢીઓ સુધી ટકાવી રાખવા કમર કસી છે. ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય, ભોપાલ ખાતેના કાર્યક્રમોમાં ધોડીઆ ભાષાના લોક સાહિત્ય તેમજ સ્વરચિત કવિતા પાઠ કરવા ઉપરાંત કેન્દ્રીય સાહિત્ય અકાદેમી, નવી દિલ્હી‌ ખાતે ધોડીઆ ભાષાના કવિ તરીકે પોતાની રચનાઓ પ્રસ્તુત કરીને ધોડીઆ ભાષાને રાષ્ટ્રીય કક્ષાએ લઈ જ‌ઈ ભારતભરમાં પોતીકી ભાષાની ઓળખ પ્રસ્થાપિત કરી છે. ઉપરાંત એમણે આદિવાસી સમુદાય અંગે ઘણું સંશોધન કરી વિવિધ અખબારો તેમજ સામયિકોમાં સંખ્યાબંધ લેખો પણ લખ્યા છે. આકાશવાણીના વડોદરા કેન્દ્ર પરથી પણ એમના વાર્તાલાપ પ્રસારિત થાય છે. એક મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે જે ધોડીઆ લોકો નોકરી-વ્યવસાયના કારણે શહેરી વિસ્તારમાં ઉછર્યા છે તેઓ પોતાની ભાષાથી અજાણ રહી જવા પામ્યા છે, એમના માટે કુલીન પટેલે ધોડીઆ ભાષાના અભ્યાસ વર્ગ સંચાલિત કરીને ધોડીઆ ભાષાના શિક્ષક તરીકેની પણ કામગીરી કરે છે. કોરોના કાળમાં પણ તેઓએ ઑનલાઇન ધોડીઆ ભાષા સભાઓ કરી ભાષાની સેવા કરી હતી.

ધોડીઆ ભાષામાં ગીતો રચીને ગાતા લોકગાયક લીમજીભાઈ ધોડીઆ
કોસના એક ખેડૂત પશુપાલક પોતે ગ્રેજ્યુએટ છે. જેમને ભજનો કે લોકગીતોના ચાહકો સૌ કોઈ સ્નેહપૂર્વક વધાવે એવા લીમજીભાઈ ધોડીઆએ પોતીકી ધોડીઆ ભાષામાં ગીતો લખીને સ્વમુખે ગાઈ અનોખી લોકચાહના મેળવી છે. તેઓ આદિવાસી સમુદાયનો સાંસ્કૃતિક વારસો કહી શકાય એવા ‘ઘેર નૃત્ય’ માં કવિયા તરીકે ગીતો લલકારવામાં પણ આ પંથકમાં ખાસ્સી નામના ધરાવે છે. ભજનો ગાવા એમને દૂર દૂરથી નિમંત્રણ મળે છે. યુ-ટ્યુબ તેમજ ડી.જે. પર એમનાં ગીતો ધૂમ‌ મચાવે છે.

ગીનીશ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર યશ પટેલનો રેકોર્ડ આજે પણ બરકરાર
કોસ‌ ગામના વતની યુવાન યશ પટેલે બાળપણમાં જ વિશ્વમાં ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી હતી. વીસ વર્ષના આ યુવાને માત્ર ૯ વર્ષની વયે ગીનીશ વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરી ગામને ગૌરવ અપાવ્યું હતું. આજે પણ એમનો વર્લ્ડ રેકોર્ડ કોઈ બ્રેક કરી શક્યું નથી. બાળપણથી જ અંગ કસરતમાં માહિર એવા યશ પટેલે ૨૦૧૧ની સાલમાં એક મિનીટમાં ૬૩ કાર્ટ વ્હીલ કરી બ્રાઝિલનો એક મિનીટમાં ૫૫ કાર્ટ વ્હીલ કરવાનો રેકોર્ડ તોડી આ રેકોર્ડ ભારતને નામે કરાવ્યો હતો. આ રેકોર્ડ મુંબઈ ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન સ્થાપિત કર્યો‌ હતો. ત્યાર પછીના દિવસોમાં ઈટાલી જ‌ઈ ભાગ લીધો હતો. ત્યાં પણ તેમણે પોતાનો વર્લ્ડ રેકોર્ડ બરકરાર રાખી ભારત દેશની શાન વધારી હતી. ભારતની લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં પણ એમનો રેકોર્ડ નોંધાયેલો છે. ઉપરાંત ટી.વી. કાર્યક્રમ શાબાશ ઈન્ડિયા જેવા કાર્યક્રમોમાં પણ એમને તક સાંપડી હતી. જ્યાં પણ‌ એમનું પ્રદર્શન કાબિલે તારીફ રહ્યું હતું.

અતિદુર્લભ ‘રાવણ તાડ’નું વૃક્ષ
ઊંચાઈ કે ઊંડાણને તાડ સાથે સરખામણી કરવામાં આવે છે. તાડનું વૃક્ષ સીધું અને સામાન્ય રીતે કોઈપણ શાખાઓ વિનાનું જોવા મળતું હોય છે. પરંતું કોસ ગામે આ વિસ્તારમાં અતિદુર્લભ એવું ‘રાવણ તાડ’નું વૃક્ષ ખાડી ફળિયા ખાતે આવેલું છે. સામાન્ય તાડ વૃક્ષ કરતાં વિપરીત આ વૃક્ષને ઘણી શાખાઓ હોય છે. આવું રાવણ તાડનું વૃક્ષ જોનારને અચરજ પમાડે છે.

આઝાદીનાં ૭૫ વર્ષ દરમિયાન વરાયેલા સરપંચોનાં લોકકાર્યો થકી સમૃદ્ધિના પંથે કોસ ગામ
આઝાદી પહેલાં ગાયકવાડ સરકારની દીર્ઘદૃષ્ટિના પ્રતાપે શિક્ષણનો પાયો ઘણો વહેલો નંખાઈ ગયો હોવાના કારણે સ્વતંત્ર ભારતમાં ગ્રામ પંચાયતની શરૂઆતથી જ આ ગામને જે-તે સમયે શિક્ષિત કહી શકાય એવા ગામના પ્રથમ નાગરિકો એટલે કે સરપંચો પ્રાપ્ત થતા આવ્યા છે. ગામના સૌપ્રથમ સરપંચ તરીકે સુખાભાઈ શોભાનભાઈ પટેલ અને ત્યારબાદ વેલજીભાઈ ઓકરાભાઈ પટેલ કે જેઓ સ્વાતંત્ર્યસેનાની પણ હતા તેઓ સરપંચ તરીકે વરાયા હતા. પછીથી હીરાભાઈ રવજીભાઈ પટેલ, નાનુભાઈ ભીમાભાઈ પટેલ, પરસોત્તમભાઈ અમ્રતભાઈ પટેલ, ભીખુભાઈ લીમજીભાઈ પટેલ, બિપીનભાઈ અમ્રતભાઈ પટેલ, પંકજભાઈ ભીખુભાઈ પટેલ તેમજ રમીલાબેન ડાહ્યાભાઈ પટેલ વગેરેએ સરપંચ તરીકે સેવા બજાવી હતી. હાલે શિક્ષિત યુવાન મહેશકુમાર શિવાભાઈ પટેલ સરપંચ તરીકેની ફરજ બજાવી રહ્યા છે.

કોસ ગામ ખાતે સૌપ્રથમ M.B.B.S.ની ડિગ્રી મેળવનાર દીકરી હેપ્પી પટેલ
બહેનો હોય કે ભાઈઓ હોય કોસ ખાતે બધાએ શિક્ષણ ક્ષેત્રે આગેકૂચ કરી છે. છતાં સંજોગોવસાત કોઈ દીકરીએ M.B.B.S.ની તબીબી ડિગ્રી મેળવી ન હતી. જે ઉપાધી હાંસલ કરવામાં હેપ્પી નરેશભાઈ પટેલ સૌપ્રથમ છે. હેપ્પી પટેલે ૨૦૧૯માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી M.B.B.S.ની ડિગ્રી મેળવ્યા બાદ હાલ‌ વડોદરા ખાતે M.S. Ophthalmology (આંખના રોગનાં નિષ્ણાત)માં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યાં છે. એક આદિવાસી દીકરીએ આવી તબીબી શૈક્ષણિક પદવી પ્રાપ્ત કરી કોસ ગામની યશ કલગીમાં એક નવું છોગું ઉમેર્યું છે.

આઝાદી કા અમૃત મહોત્સવથી દેશભક્તિમય માહોલ
ભારત દેશ અંગ્રેજોના ચુંગાલમાંથી આઝાદ થયાનાં પંચોતેર વર્ષની ઉજવણી આખા ભારત વર્ષમાં ઉમંગભેર થઈ રહી છે. ત્યારે સમગ્ર દેશમાં દેશભક્તિનો ઉત્સવ જોવા મળ્યો છે. ઘર ઘર તિરંગાનો ઉત્સાહ બાળકોમાં પણ જોવા મળ્યો. બાળપણથી જ દેશ માટે અહોભાવ જાગે એ જરૂરી સમજતાં ઘરના વડીલોએ પણ બાળકોને પ્રોત્સાહિત કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. આવા ઉત્સાહભર્યા વાતાવરણથી પ્રભાવિત મહુવા તાલુકાના કોસ ગામે નાનકડો મોક્ષ શાહ રાષ્ટ્રધ્વજ સાથે ફરતો દેખાતાં રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો.

એવા ખેડૂત કે‌ જેઓ નિવૃત્ત થઈ જવાની ઉંમરે પણ યુવાઓને શરમાવે એવી ખેતી કરે છે
આજનો યુવા વર્ગ ખેતી કરવા તરફથી વેગળો થઈ રહ્યો છે. કારણ એ છે કે ખર્ચાળ ખેતી પદ્ધતિમાં મળતળ ઓછું રહે છે. ત્યારે કોસ ગામના ૭૯ વર્ષીય ખેડૂત મોહનભાઈ કાનજીભાઈ પટેલે સંખ્યાબંધ ખેડૂતોને માર્ગદર્શન આપી બેઠા કર્યા છે. તેઓ ઘણાં વર્ષોથી પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી વિવિધ પ્રકારના પાકોનું સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. ઝેર વિનાની ખેતી અંગે આ વિસ્તારના પ્રેરણાસ્ત્રોત એટલે મોહનકાકા. સાદું જીવન જીવતા આ સંનિષ્ઠ ખેડૂતને આટલી ઉંમરે સાઇકલ પર ફરતા જોઈને યુવાનો બોલી ઊઠે છે, આ છે જૈવિક ખાતરો દ્વારા પકવેલા અન્નનો કમાલ! ખેડૂત તરીકે તેઓ અનેક સન્માન પ્રાપ્ત કરી ચૂક્યા છે. વિવિધ ખેડૂત સભાઓમાં અન્યોને માર્ગદર્શિત કરવા એમને નિમંત્રિત કરવામાં આવે છે. ખેડૂત તરીકે એમનો એક જ મંત્ર કે બિનઝેરી ખાઈએ અને અન્યોને પણ ઝેર વિનાનું ખવડાવીએ.

શિક્ષિત યુવા વર્ગ માટે લાઈબ્રેરીની‌ આવશ્યકતા
વાંચન રસિકો તો પોતાના રસના વિષયવાળાં પુસ્તકો મેળવી જ લેતા હોય છે. પરંતુ આજના સમયે શિક્ષણનો વ્યાપ વધતાં યુવા વર્ગ શિક્ષિત બન્યો છે. આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓના સમયે એવાં ગ્રંથાલયોની પ્રસ્તુતતા છે કે જ્યાં દરેક પ્રકારના પુસ્તકો ઉપલબ્ધ હોય. ત્યારે ગામના શિક્ષિત યુવાઓ માટે એક સમૃદ્ધ વાંચનાલય ગામમાં જ હોય એ આવશ્યકતા વર્તાઈ રહી છે.

લુહાર કારીગરોએ પોતાની પરંપરાગત કારીગીરી આજે પણ સાચવી રાખી છે
હવે આપણે ત્યાં આધુનિકીકરણ થતાં મોટા ભાગની ચીજો ફેક્ટરીમાં તૈયાર થતી હોય છે. પણ જે કારીગીરી પેઢીઓથી ચાલી આવે છે એનું મહત્ત્વ પણ અકબંધ રહેવા પામ્યું છે. કેટલીક વસ્તુઓ એવી છે કે લોકો એ માટે પરંપરાગત કારીગરો પર જ વિશ્વાસ મૂકે છે. એ રીતે કોસ ગામના લુહારીકામ કરતા નિષ્ણાત કારીગર પાસે લોઢાના ઓજારો બનાવડાવા માટે દૂર દૂરથી લોકો આવે છે. ગામના લુહારોની આવડત પર પેઢીઓથી સૌનો વિશ્વાસ રહ્યો છે. અગાઉના સમયમાં બળદગાડાના પૈંડાંની વાટ ચઢાવવા અહીં રીતસરની લાઈન લાગતી હતી. હાલ બળદગાડાંનો વપરાશ ઓછો થયો છે. છતાં જ્યાં જ્યાં ગાડાં હજી વપરાય છે એ અહીં હજુ પણ વાટ ચઢાવવા આવે છે. દાતરડું, કોદાળી, કુહાડી, ધારિયું, પંજોટી વગેરે જેવાં ખેતીકામનાં ઓજારો અહીં બને છે. દાતરડું તપરાવવા એટલે કે ધાર કઢાવવા માટે આજના સમયે પણ અહીં ભીડ જામે છે. ઘણા કારીગરોને આધુનિકતાની અસર વર્તાતાં રોજગારી અંગેનું કામ બદલવું પડ્યું છે, છતાં કોસના લુહારોએ પોતાના બાપદાદાથી ચાલી આવતી વ્યવસાયિક આવડત હજુ પણ જાળવી રાખતાં આ કારણે ઘણા લોકોએ કોસની મુલાકાત લઈ ગામ સાથેનો સંબંધ જાળવી રાખ્યો છે. હવે નવા સમય સાથે સાથે આ કારીગરોએ સમય સાથે સાથે નવી પદ્ધતિઓ પ્રમાણેનું વેલ્ડિંગ કરવાનું તેમજ અન્ય પ્રકારના લોખંડ સાથે સંકળાયેલાં કામો પણ કરવાનું શરૂ કરી આધુનિકતાને આવકાર આપવાની સાથે પોતાનું પરંપરાગત કામ પણ જાળવી રાખી કારીગરો થકી ગામની જે ઓળખ હતી એ ટકાવી રાખવાનું કાર્ય સરાહનીય ગણાયું છે.

ડાંગરની સાથોસાથ ભીંડાની ખેતી મહત્ત્વની
કોસ ખાતે કૃષિ ઉત્પાદન જેવાં કે ડાંગર, તુવર, મગ, અડદ, સણ, જુવાર, ઘ‌ઉં તેમજ ખાટી આમલી વગેરે ખરીદ-વેચાણ કરનાર વેપારી પણ ખરા. જેથી ખેડૂતો પોતાનો ખેતી પાક સ્થાનિક સ્તરે જ વેચાણ કરી શકે છે. ગામના ખેડૂતો વિવિધ પ્રકારની ખેતી કરે છે, એમાં ભીંડાની ખેતી પણ મહત્ત્વની ગણાય છે. કોસના ખેડૂતો ભીંડાની પણ‌ ઉન્નત ખેતી કરે છે.

ગામના વરિષ્ઠ આગેવાન બાલુભાઈ ખુશાલભાઈ પટેલ
દરેક ગામમાં કોઇકને કોઇક એવા વ્યક્તિ હોય છે કે, જેમના માર્ગદર્શન થકી આખા ગામનો વહીવટ સુપેરે પાર પડતો હોય છે. આવી જ રીતે કોસ ગામના એક આગેવાન કે જેમની લાંબી મજલના અનુભવનું ભાથું કોસ ગામને ઉત્તરોત્તર પ્રગતિના પંથે દોરી જાય છે. ઈ.સ.૧૯૫૦માં એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા એવા બાલુભાઈ ખુશાલભાઈ પટેલ ઈ.સ.૧૯૭૨થી સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. ઈ.સ.૧૯૯૦થી રાજકીય રીતે સક્રિય ભૂમિકા ભજવતાં એમણે અનેક સંસ્થાઓ સાથે જોડાઈને આ પંથકમાં ખાસ્સી એવી સેવા બજાવી છે. આજે પણ એમની સેવા અવિરતપણે વહે છે. તેઓ ત્રણ ટર્મ મહુવા તાલુકા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે. એમની ઓળખ ખાસ તો સહકારી પ્રવૃત્તિ થકી વધુ છે. અગાઉના સમયમાં તેઓ દુધ ઉત્પાદક મંડળી, કોસના પ્રમુખ તરીકે લાંબો સમય સેવા આપી ચૂક્યા છે. હાલે મોટા કદની ખેડૂત સહકારી મંડળી-કોસના પ્રમુખ, ખેતી પાક રૂપાંતર કરનારી સહકારી મંડળી (રાઈસ મિલ)-અનાવલના પ્રમુખ તેમજ સુરત ડિસ્ટ્રિક્ટ સહકારી કો.ઓપરેટિવ બેંકના ડિરેક્ટર પદે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતોની રાષ્ટ્રીય સંસ્થા ‘ક્રિભકો’માં ડિરેક્ટર, મહુવા સુગર ફેક્ટરીના ડિરેક્ટર તરીકે રહેવા સાથોસાથ મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘ અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-મહુવાના ડિરેક્ટર તરીકે પણ સેવારત રહ્યા હતા.

ગામના પ્રથમ ગ્રેજ્યુએટ એટલે અનાવલ હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક અમરસિંહ દેસાઈ
આજે તો કોસ ખાતે ઘણા લોકો‌ વિવિધ પ્રકારની ઉચ્ચ શૈક્ષણિક ડિગ્રીઓ ધરાવે છે. પરંતુ જે સમયે ખેતરમાં હળ ચલાવતાં ચલાવતાં જો સમય મળે ત્યારે શાળાએ ભણવા જ‌ઈ શકાય એવા વખતમાં અમરસિંહ રામસિંહ દેસાઈ ઈ.સ.૧૯૬૬ની સાલમાં સાયન્સના વિષયો સાથે ગ્રેજ્યુએટ થયા હતા. એમની એ ડિગ્રી કોસ ગામ માટે અતિ ઉપયોગી નીવડી છે. કારણ કે એમણે બાજુના જ અનાવલ ગામની હાઇસ્કૂલમાં મોટા ભાગની નોકરી કરી છે. અને નજીકમાં જ નોકરી હોવાથી રહેવાનું પણ પોતાના જ ગામમાં. અને એ કારણે ગામના અન્ય યુવાનો માટે તેઓ એક પ્રેરકબળ સમાન રહ્યા છે. સંખ્યાબંધ છોકરાંને શાળામાં તો એમણે ભણાવ્યાં જ પણ જેઓ ભણવામાં પાછીપાની કરે એવાને સમજાવી શાળાએ જતા કર્યાં. રાજપૂત સમાજના ૮૧ વર્ષીય આ નિવૃત્ત શિક્ષક અમરસિંહ દેસાઈ એટલે કોસ ગામે શિક્ષણની દીવાદાંડીસમાન છે.

Most Popular

To Top