આણંદ: આણંદ જિલ્લા પંચાયતની ગુરૂવારના રોજ મળેલી સામાન્ય સભામાં કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવાના મુદ્દે વિપક્ષે શાસકોનો ઉધડો લીધો હતો. જિલ્લા પંચાયતની ઓક્ટોબર માસમાં યોજાયેલી સામાન્ય સભામાં ચાર કંપનીઓ સમયસર કામ પૂર્ણ ન કરી શકતાં બ્લેક લીસ્ટ કરવા માટે ઠરાવ કર્યો હતો. જોકે, પાછળથી જિલ્લા પંચાયત પ્રમુખે પત્ર લખી બ્લેક લીસ્ટ ન કરવા ભલામણ કરી હતી. આ ડબલ ગેમ મુદ્દે ઉગ્ર ચર્ચા થઇ હતી. આ ઉપરાંત સભા અને સભ્યોને ગેરમાર્ગે દોરવા બદલ અધિકારી સામે પગલાં ભરવા માંગણી કરી હતી.
આ ઉપરાંત અન્ય 23 જેટલા મુદ્દા પર ઉગ્ર ચર્ચા કરવામાં આવી હતી.
આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગુરૂવારના રોજ પ્રમુખ હંસાબહેન પરમારની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠક દરમિયાન વિવિધ 26 જેટલા ઠરાવો પસાર કરવામાં આવ્યાં હતાં. જોકે, પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મામલો ગરમ બની ગયો હતો. ખાસ કરીને પ્રમુખ દ્વારા કોન્ટ્રાક્ટરની ભલામણ કરતો પત્ર વિવાદનું કેન્દ્ર બન્યો હતો. વિપક્ષ નેતા નટવરસિંહ મહિડાએ કેટલા કોન્ટ્રાક્ટરને બ્લેકલીસ્ટ કર્યાં ? તેના પ્રશ્નના જવાબમાં ખેવના ઇન્ફ્રાસ્ટ્રકચર (અમદાવાદ), જેડેક્ષ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (વડોદરા), ભવાની કન્સ્ટ્રકશન (અમદાવાદ), નીલમ કન્સ્ટ્રકશન કંપની (સુરત)ની વિગતો બહાર આવી હતી. આ કોન્ટ્રાક્ટરો દ્વારા સમયસર કામ પૂર્ણ ન કરતાં પગલું ભરાયું હતું.
આ મુદ્દે વિપક્ષ નેતા નટવરસિંહે સભામાં ખોટી વિગતો રજુ કરનારા અધિકારી સામે કડક પગલાં ભરવા માંગણી કરી હતી અને જો અધિકારી સાચા હોય તો પ્રમુખે શા માટે કંપનીને બ્લેક લીસ્ટ ન કરવા ભલામણ કરી ? તે મુદ્દો ગરમાયો હતો. આ પ્રકરણમાં જિલ્લા પંચાયત પ્રમુખે 14મી માર્ચના રોજ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીને પત્ર લખી ખેવના ઇન્ફ્રાસ્ટ્રકચરને બ્લેક લીસ્ટ ન કરવા ભલામણ કરી હતી. આ બેઠકમાં ,પ્રમુખ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના સહિત સભ્યો, અધિકારો, પદાધિકારીઓ વિગેરે હાજર રહ્યાં હતાં.
15 કરોડના વિકાસ કામો મંજુર કરાયાં
આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબહેન પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી સામાન્ય સભામાં પાણી, ગટર, રસ્તા, વિજળીકરણ જેવા વિકાસના લોકોપયોગી નવિન કામો સ્વભંડોળ સદરેથી સામાન્ય સભામાં 2022-23ના વર્ષ માટે મંજુર કરવામાં આવ્યાં હતાં. જેમાં 15મા નાણા પંચ 2022-23 વર્ષના આયોજનમાં 786 લાખના કામ, સિંચાઇ હેડે 32.25 લાખ, બાંધકામ હેડે 92 લાખ, રેતી કંકર હેડે રૂ.161.85 લાખના કામો, વિકાસ હેડે રૂ.62 લાખના કામો, સમાજ કલ્યાણ અનુ. જાતિ હેડે રૂ.11 લાખ, સમાજ કલ્યાણ બક્ષીપંચ હેડે રૂ.18 લાખના કામો અને રૂ.4 કરોડથી વધુના વિવિધ હેડે ગત વર્ષના સ્લપ ઓવર કામો મંજુર કરવામાં આવ્યાં છે. આમ કુલ 15 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી કામો મંજુર કરવામાં આવ્યાં હતાં.
દુકાનોની જાહેર હરરાજી કરવામાં આવશે
આણંદ જિલ્લા પંચાયતના જુના મકાનમાં પડી રહેલી અગિયાર જેટલી દુકાનોની હરરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દુકાનોની અપસેટ કિંમત નક્કી કર્યા બાદ જાહેર હરાજી કરવામાં આવશે અને તેનું ભાડું નક્કી કરવામાં આવશે. આ આવક સ્વભંડોળમાં જમા કરવામાં આવશે. આ ઉપરાંત જુની જિલ્લા પંચાયતમાં પડી રહેલો સામાન અને વાહનોનો નિકાલ કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો.
પ્રોસીડિંગમાંથી સર્વાનુમત્તે’ શબ્દ હટાવવા માંગ આણંદ જિલ્લા પંચાયતની સામાન્યસભા દરમિયાન ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જોકે, આ ઠરાવ સંદર્ભે વિપક્ષ નેતા નટવરસિંહ મહિડાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, બહાલીમાં તમામ ઠરાવ
સર્વાનુમત્તે’ મંજુર કરાયાંનું લખ્યું છે. હકિકતમાં કેટલાક મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો. આથી, વિરોધ દર્શાવેલા મુદ્દા આગળથી `સર્વાનુમત્તે’ શબ્દ હટાવવો જોઈએ.
કાંઠાગાળામાં શિક્ષકો નથી અને સરકાર પ્રવેશોત્સવનો તાયફો કરે છે
આણંદ જિલ્લાના કાંઠાગાળાના ગામોમાં શિક્ષકોનો અભાવ જોવા મળી રહ્યો છે. જિલ્લાના કુલ 480 શિક્ષકોની ઘટમાં 211 શિક્ષકો તો કાંઠાગાળાના ગામોમાં જ છે. અંતરિયાળ, પછાત વિસ્તારની શાળામાં શિક્ષકો જોવા મળી રહ્યાં નથી. સામાન્ય સભા દરમિયાન પુછાયેલા સવાલના જવાબમાં શિક્ષક વિભાગે કબુલ્યું હતું કે, આણંદમાં 76, ઉમરેઠમાં 31, બોરસદમાં 100, આંકલાવમાં 22, પેટલાદમાં 83, સોજિત્રામાં 12, ખંભાતમાં 111 અને તારાપુરમાં 45 મળી કુલ 480 શિક્ષકની ઘટ છે. કાંઠાગાળાના બાળકોના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી છે. સરકાર એક તરફ પ્રવેશોત્સવનો તાયફો કરે છે. બીજી તરફ ગામોમાં શિક્ષકોની ઘટ દેખાઇ રહી છે.
માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ સભાને ગેર માર્ગે દોરતા શો-કોઝ નોટીસ આપી
આણંદ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ સામાન્ય સભામાં તમામને ગેરમાર્ગે દોર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ અંગે પ્રમુખે શો-કોઝ નોટીસ આપતા જણાવ્યું હતું કે, આણંદ જિલ્લા પંચાયેતની 14મી ઓક્ટોબર,21ની મળેલી ખાસ સામાન્ય સભાના ઠરાવ નં.43માં આણંદ જિલ્લામાં કામ કરતી કુલ 4 એજન્સીને બ્લેક લીસ્ટ કરવા ઠરાવ કર્યો છે. કુલ 4 એજન્સી પૈકી આપના દ્વારા ફક્ત એક જ એજન્સીને બ્લેક લીસ્ટ કરવાની દરખાસ્ત જે તે કચેરીને કરી છે. જે બાબતે આપના દ્વારા એકપક્ષી કાર્યવાહી કરવા બાબતે રજુઆત મળી છે.
આ બાબતે આપના દ્વારા કોઇ ચોક્કસ પાર્ટી, એજન્સીને લાભ પહોંચાડવાના ઇરાદે જે તે સમયે અમારી સમક્ષ ખોટી વિગતો રજુ કરી, અમોને ગેરમાર્ગે દોરી અમારી પાસે જે તે સામાન્ય સભામાં ઠરાવ કરાવ્યો હોવાનું અમોને લાગે છે. જો ચાર એજન્સીઓને બ્લેક લીસ્ટ કરેલી હતી, તો ચાર પૈકી એકની સામે જ કાર્યવાહી કેમ ? આ બાબતે આપના દ્વારા ખેવના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી કામ ન કરતી હોવાનું કારણ દર્શાવવામાં આવે છે અને અન્ય એજન્સી કામો કરતી હોય બ્લેકલીસ્ટ અંગે દરખાસ્ત કરેલી નથી, એવું જણાવવામાં આવે છે.
તો આપના દ્વારા 14મી ઓક્ટોબર,21ની સામાન્ય સભામાં કામો કરતી એજન્સીઓને બ્લેક લીસ્ટ કરવા અમોને કોટી વિગતો રજુ કરી એજન્સીઓ વિરૂદ્ધ ખોટો ઠરાવ કરાવ્યો હોવાનું ફલિત થાય છે. વધુમાં કોવિડ -19 મહામારીની પરિસ્થિતિ તથા બાંધકામના મટીરીયલ્સમાં થયેલી અસહ્ય ભાવ વધારા તથા આખા રાજ્યમાં એજન્સીઓને નડતા પ્રશ્નોને કારણે સંબંધિત ખેવના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અમોને મળેલી રજુઆતને ધ્યાને લઇ માનવીય અભિગમના ધોરણે બ્લેકલીસ્ટની કાર્યવાહી હાલ પુરતી મુલતવી રાખી તેમને કામ શરૂ કરવાની એક તક આપી કામો પૂર્ણ કરવા વધારાનો 31મી ઓક્ટોબર,22 સુધીનો (ચોમાસાના ચાર મહિનાને ધ્યાને રાખી) સમય આપવા 14મી માર્ચ,22ના પત્રથી જણાવેલ હોવા છતાં આપના દ્વારા ફક્ત એક જ એજન્સીને હેરાન, નુકશાન પહોંચાડવાના ઇરાદે કાર્યવાહી કરી હોવાનું ધ્યાને આવ્યું છે.
તો આપના દ્વારા અમો પ્રમુખને ગેરમાર્ગે દોરી કોઇ ચોક્કસ એજન્સીને લાભ પહોંચાડવાના ઇરાદે જિલ્લા બહારની એજન્સીઓને બ્લેકલીસ્ટ કરવા અમારી પાસે ખોટો ઠરાવ કરાવી, ઠરાવ કરાવ્યા બાદ પણ ફક્ત એક જ એજન્સીને નુકશાન પહોંચાડવાના ખોટા ઇરાદે કાર્યવાહી કર્યા બાબતે આગામી સામાન્ય સભામાં આપની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા તમારી વિરૂદ્ધ ઠરાવ કેમ ન કરવો ?