નડિયાદ : સરકારી કચેરીઓમાં બનતાં ગેરવહીવટના કિસ્સા અવારનવાર આંખ સામે આવતાં હોય છે. જોકે, ભ્રષ્ટ તંત્ર રૂપિયાના જોરે આવા કિસ્સાઓને દબાવી દેતાં હોય છે. જોકે, કેટલાક કિસ્સાઓ કોર્ટ સમક્ષ પહોંચી જાય ત્યારે ત્યારે સમગ્ર ભાંડો ફુટતો હોય છે અને અવનવા કૌભાંડો બહાર આવે છે. આવો જ એક કિસ્સો ખેડા નગરપાલિકાના ગેરવહીવટનો બહાર આવ્યો છે. જેમાં કોર્ટે ગેરવહીવટ કરનાર ખેડા પાલિકાની મિલ્કતની જપ્તી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે, પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર ગેરહાજર રહી કોર્ટની કાર્યવાહીમાં સહકાર આપ્યો ન હતો.
ખેડા શહેરમાં આજથી દશેક વર્ષ અગાઉ ડ્રિંકીંગ વોટર સપ્લાયની કામગીરી માટે કરોડો રૂપિયાના ખર્ચે એક યોજના મંજુર કરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કાનું કામ કરનાર સિસ્કો ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમીટેડના કોન્ટ્રાક્ટરને નાણાં ચુકવવામાં પાલિકાએ અખાડા કર્યા હતાં. લેણાની રકમ મોટી હોવાથી કોન્ટ્રાક્ટરે અવારનવાર પાલિકાના સત્તાધીશો સમક્ષ માંગણી કરી હતી. તેમછતાં પાલિકાતંત્ર દ્વારા રૂપિયા આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવતાં હોવાથી કોન્ટ્રાક્ટરે કલેક્ટર તેમજ ગાંધીનગર કક્ષાએ રજુઆતોનો મારો ચલાવ્યો હતો. જોકે, કોન્ટ્રાક્ટરની રજુઆતોની કોઈ અસર જોવા મળી ન હતી.
આખરે કોન્ટ્રાક્ટરે હાઈકોર્ટનું શરણ લીધું હતું. આ કેસમાં કોર્ટે બંને પક્ષોના પુરાવા તપાસ્યાં બાદ કોન્ટ્રાક્ટર તરફી ચુકાદો આપ્યો હતો અને પાલિકાએ વહેલીતકે રૂપિયા ચુકવવા હુકમ કર્યો હતો. જોકે, પાલિકાએ આ હુકમનો અનાદર કરી કોન્ટ્રાક્ટરને રૂપિયા ચુકવ્યાં ન હતાં. જેથી કોન્ટ્રાક્ટરે આ મામલે ખેડા કોર્ટમાં અપીલ કરી હતી. જેની મુદ્દતમાં પાલિકા તરફથી કોઈ હાજર રહેતું ન હોવાથી આખરે કોર્ટે પાલિકાની મિલ્કત જપ્તીનો હુકમ કર્યો હતો.
જે મુજબ કોન્ટ્રાક્ટર, તેમના વકીલ સહિતની ટીમે ગત શુક્રવારના રોજ પાલિકાના સત્તાધીશો સાથે મુલાકાત કરી હતી અને મિલ્કત જપ્તી અંગે વાકેફ કર્યાં હતાં. જે બાદ કોન્ટ્રાક્ટર મિલ્કત જપ્તીનો હુકમ સાથે સોમવારના રોજ ખેડા નગરપાલિકા પહોંચ્યાં હતાં. જોકે, તે વખતે પાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર ગેરહાજર રહી કોર્ટના આદેશનો અનાદર કર્યો હતો. સવારે ૧૧ થી સાંજે ૬ વાગ્યા સુધી કોન્ટ્રાક્ટરે પાલિકા કચેરી ખાતે રાહ જોઈ હતી. જોકે,પ્રમુખ અને ચીફ ઓફિસર ફરક્યાં જ ન હતાં. જેથી કોન્ટ્રાક્ટરે ટ્રકમાં ભરેલો સામાન પરત ઉતારી રવાના થયાં હોવાનું જાણવા મળેલ છે.