Columns

કોલકાતા રેપ વીથ મર્ડરને કારણે મમતા બેનર્જી સામે તેમના પક્ષમાં જ બળવો થયો

કોલકાતાની આર.જી. કાર હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટરના બળાત્કાર અને હત્યાની ઘટનાને લઈને તૃણમૂલ કોંગ્રેસમાં ઉભરી રહેલા બળવાખોર સૂરો મુખ્ય પ્રધાન મમતા બેનર્જી માટે મુશ્કેલીનું કારણ બની રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જીએ પોતાના એક ટ્વીટમાં આ ઘટનાની સખત નિંદા કરી અને કોલકાતા પોલીસ કમિશનરને રાજકારણનો રંગ જોયા વિના ૨૪ કલાકમાં તમામ આરોપીઓની ધરપકડ કરવા કહ્યું ત્યારે રાજકીય વર્તુળમાં આશ્ચર્ય ફેલાયું હતું. અભિષેક બેનર્જીએ કોલકાતા પોલીસના એક ટ્વીટને કોઈ ટિપ્પણી કર્યા વિના રી-ટ્વીટ કર્યા સિવાય આ બાબતે મૌન જાળવી રાખ્યું છે. આ પહેલાં પણ પાર્ટીમાં નવા અને જૂના વિવાદમાં તેમનું નામ ચર્ચામાં હતું. હવે ટીએમસીના રાજ્યસભાના સભ્ય સુખેન્દુ શેખર રાય અને ભૂતપૂર્વ સાંસદ શાંતનુ સેને તેમની આકરી ટિપ્પણીથી પાર્ટી અને સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી છે. સુખેન્દુ શેખર રાયે આ મુદ્દે પાર્ટી લાઇનની વિરુદ્ધ જઈને કોલકાતા પોલીસ અને આર.જી. કાર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલની કામગીરી પર સવાલો ઉઠાવીને સરકારને ભીંસમાં લીધી છે.

સુખેન્દુ શેખર રાયના કેટલાક વિવાદાસ્પદ ટ્વીટ્સને કારણે કોલકાતા પોલીસે તેમને સમન્સ મોકલીને પોલીસ હેડક્વાર્ટર લાલ બજારમાં બોલાવ્યા હતા, પરંતુ ત્યાં જવાને બદલે રાયે ધરપકડના ડરથી કલકત્તા હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. તેમની અરજી પર મંગળવારે સુનાવણી થવાની શક્યતા છે. સુખેન્દુ શેખર પક્ષની સત્તાવાર લાઇનથી અલગ સૂર ગાવામાં એકલા નથી. ભૂતપૂર્વ સાંસદ શાંતનુ સેને પણ આ મામલે બળવાખોર વલણ દાખવ્યું હતું. ત્યાર બાદ તરત જ તેમને પાર્ટીના પ્રવક્તાપદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષથી તે મેડિકલ કોલેજમાં ગેરરીતિઓની ફરિયાદો મળી રહી છે અને કેટલાંક લોકો ગેરરીતિઓની માહિતી મુખ્ય મંત્રી સુધી પહોંચવા દેતાં નથી. શાંતનુએ કહ્યું કે તે મૂંઝવણમાં છે કે તેમની પુત્રીને આર.જી. પર મેડિકલ કોલેજમાં નાઈટ ડ્યુટી પર મોકલવી કે નહીં? તેમની પુત્રી ત્યાં અભ્યાસ કરે છે. શાંતનુ સેન પોતે પણ આ જ મેડિકલ કોલેજના વિદ્યાર્થી રહી ચૂક્યા છે.

સુખેન્દુ શેખર રાય ૨૦૦૯ થી ૨૦૧૧ સુધી કલકત્તા હાઈકોર્ટ બાર એસોસીએશનના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ તેમના વિદ્યાર્થી જીવન દરમિયાન રાજકારણમાં પ્રવેશ્યા હતા. તેમની સંસદીય સફર ૨૦૧૧માં ટીએમસીની ટિકિટ પર પ્રથમ વખત રાજ્યસભામાં ચૂંટાયા બાદ શરૂ થઈ હતી. તેઓ ઘણાં સામયિકો અને અખબારોમાં નિયમિતપણે લેખો પણ લખતા રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ સત્તામાં આવ્યા પછી તેઓ ઓગસ્ટ ૨૦૧૧માં પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારથી તેઓ સતત ત્રણ વખત ઉપલા ગૃહમાં ચૂંટાયા છે. આ સમયગાળા દરમિયાન તેઓ રાજ્યસભામાં પાર્ટીના સંસદીય દળના ઉપનેતા અને મુખ્ય દંડક સહિત વિવિધ મહત્ત્વપૂર્ણ સમિતિઓમાં સામેલ થયા છે. તેમને શક્તિશાળી વક્તા માનવામાં આવે છે. તેમણે સંસદમાં વિવિધ મુદ્દાઓ પર સતત પ્રશ્નો ઉઠાવ્યા છે. તેઓ હાલમાં પાર્ટીના મુખપત્ર જાગો બાંગ્લાના સંપાદક પણ છે. તેઓ મુખ્ય પ્રધાન અને પક્ષના વડા મમતા બેનર્જીના વિશ્વાસપાત્ર ગણાતા હતા, પરંતુ આર.જી. કારની ઘટના બાદ તેમનું વલણ વિદ્રોહી બની ગયું છે.

આ ઘટનાની નિંદા કરતાં તેણે ૧૪ ઓગસ્ટના રોજ રિક્લેમ ધ નાઈટ ઝુંબેશમાં ભાગ લેવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે એક પુત્રીના પિતા અને પૌત્રીના દાદા હોવાના નાતે તેઓ મહિલા સુરક્ષાના મુદ્દે આયોજીત આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે. તેઓએ લગભગ ત્રણ કલાક સુધી દેખાવો પણ કર્યા હતા. તે પછી તેમની એક પોસ્ટમાં તેમણે સીબીઆઈને પ્રિન્સિપાલ સંદીપ ઘોષ અને કોલકાતાના પોલીસ કમિશનર વિનીત ગોયલની અટકાયત કરવાની અપીલ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઘટનાના ત્રણ દિવસ બાદ જ સ્નિફર ડોગ્સને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યા હતા. કોલકાતા પોલીસે તરત જ તેમના આરોપને નકારી કાઢ્યો હતો.

સુખેન્દુ શેખર રાયના બળવાખોર સ્વરે મુખ્ય મંત્રી મમતા બેનર્જી અને તેમની પાર્ટીને ભારે મુશ્કેલીમાં મૂકી દીધાં છે. આ જ કારણ છે કે પોલીસે તેને તરત જ સમન્સ મોકલ્યું હતું. ત્યાં જવાને બદલે તેમણે ધરપકડના ડરથી કલકત્તા હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ મામલે રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે ટોચના નેતૃત્વની લીલી ઝંડી વિના પોલીસ શાસક પક્ષના વરિષ્ઠ સાંસદને ટ્વીટ કરવા માટે સમન્સ મોકલી શકી ન હોત. સુખેન્દુ રાયે ભલે જાહેરમાં કંઈ ન કહ્યું હોય, પરંતુ રવિવારના રોજ તેમની એક પોસ્ટમાં રવીન્દ્રનાથ ટાગોરના આમી ભય કરબો ના (હું ડરતો નથી) નાં ગીતો પોસ્ટ કરીને તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પીછેહઠ કરશે નહીં. રવિવારે ઇસ્ટ બંગાળ, મોહન બાગાન અને મોહમ્મડન સ્પોર્ટિંગ ક્લબના સમર્થકોએ સોલ્ટ લેક સ્ટેડિયમની સામે વિરોધ કર્યો ત્યારે સુખેન્દુ રાયે ફૂટબોલ સમર્થકોને વિરોધને વધુ તીવ્ર બનાવવા અપીલ કરી છે.

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આ ઘટના બાદ મમતા બેનર્જી ભારે દબાણમાં છે. અત્યાર સુધી તેમણે આ નેતાઓના બળવાખોર વલણ પર ટિપ્પણી કરી નથી. ઉલટું તેમણે પદયાત્રા પર જવાનું પણ નક્કી કર્યું હતું. પ્રોફેસર પાલ કહે છે કે હાલમાં તે આ મામલાને વ્યૂહાત્મક રીતે ઉકેલવાના માર્ગ પર આગળ વધી રહ્યાં છે. ઉદાહરણ તરીકે શાંતનુ સેનને પાર્ટીના પ્રવક્તાપદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને સુખેન્દુને કોલકાતા પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા હતા. રાજકીય વિશ્લેષક શિખા મુખર્જી માને છે કે મમતા અત્યારે ચારે બાજુથી દબાણ હેઠળ છે. અત્યાર સુધી તે બાહ્ય દબાણનો સામનો કરવા માટે કોઈ નક્કર વ્યૂહરચના ઘડી શક્યાં નથી. હવે પાર્ટીની અંદરથી ઉભરી રહેલા બળવાખોર અવાજો સતત તેમના માથાનો દુખાવો વધારી રહ્યા છે. તેમના ભત્રીજા અભિષેક બેનર્જીનું આ બાબતે અચાનક મૌન પણ રહસ્યમય જણાય છે.

શું પાર્ટી પર મમતાની પકડ ઢીલી પડી રહી છે? હાલમાં આવું કહેવું યોગ્ય નહીં હોય. મમતાની પકડ હજુ પણ મજબૂત છે. ભૂતકાળમાં પણ કેટલાક નેતાઓ ઘણી વાર પાર્ટીલાઇનની વિરુદ્ધ ગયા છે. કુણાલ ઘોષ સહિત આવા અનેક મામલા સામે આવ્યા છે. વરિષ્ઠ પત્રકાર તાપસ મુખર્જી કહે છે કે આ મામલો મમતા બેનર્જી માટે બેધારી તલવાર જેવો છે. વર્તમાન પરિસ્થિતિમાં તેઓ અચાનક કોઈ પણ નેતા સામે કોઈ કડક પગલાં લેવાના પક્ષમાં નથી. તેમને લાગે છે કે આનાથી વિપક્ષને જ ફાયદો થશે. તેમનું કહેવું છે કે સોશ્યલ મીડિયા પર આ ઘટના સાથે જોડાયેલા ઘણા કથિત ભ્રામક સમાચારોએ સરકાર અને પોલીસની છબીને કલંકિત કરીને સમસ્યાઓમાં વધારો કર્યો છે, જેના કારણે સામાન્ય લોકોમાં નારાજગી વધી છે. આ જ કારણ છે કે કોલકાતા પોલીસ આવાં હજારથી વધુ લોકોની ઓળખ કરવામાં અને તેમની પૂછપરછ કરવામાં વ્યસ્ત છે. આ કવાયત હેઠળ સાંસદ સુખેન્દુ રાય સહિત અનેક ડોક્ટરોને સમન્સ મોકલવામાં આવ્યા છે.

મુખ્ય મંત્રી મમતા બેનર્જીના તે નિવેદનની પણ ટીકા થઈ રહી છે, જેમાં તેમણે હડતાળ કરી રહેલાં ડોક્ટરોને કામ પર પાછાં ફરવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર તેમની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવા માંગતી નથી, કારણ કે જો આવું થશે તો તેમનું ભવિષ્ય જોખમમાં આવી જશે કે બગડી જશે. મુખ્ય મંત્રીના નિવેદનોથી એ દેખાવા માંડ્યું છે કે આર.જી. કાર મેડિકલ કોલેજમાં બળાત્કાર અને હત્યાની ઘટના બાદ સામાન્ય લોકોના ગુસ્સાને કારણે મમતા બેનર્જી ભારે દબાણમાં છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે તે પહેલી વાર આટલા દબાણમાં જોવા મળી રહ્યાં છે. આ કેસની તપાસમાં સીબીઆઈ દ્વારા જો મમતા બેનર્જીની નજીકનાં માણસો સામે કોઈ જબરદસ્ત પુરાવા મળી આવશે તો મમતા બેનર્જીની હાલત વધુ ખરાબ થઈ શકે છે.      – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top