આરજી કર હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યા બાદ હડતાળ પર ઉતરેલા જુનિયર ડોક્ટરોનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળવા તેઓના ઘરે પહોંચ્યું હતું. આંદોલનકારી જુનિયર ડોક્ટરોનું એક જૂથ કોલકાતાના કાલીઘાટ વિસ્તારમાં સ્થિત સીએમ મમતા બેનર્જીના નિવાસસ્થાને પહોંચ્યું હતું. લગભગ 30 ડોક્ટરોનું એક પ્રતિનિધિમંડળ લગભગ 6.45 વાગ્યે બેનર્જીના નિવાસસ્થાને પહોંચ્યું હતું. જોકે સરકારે 15 પ્રતિનિધિઓને બેઠક માટે આમંત્રણ આપ્યું હતું. જો કે રાત સુધી મીટીંગના લાઈવ ટેલિકાસ્ટને લઈને બંને વચ્ચે મડાગાંઠ જોવા મળી હતી.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના મુખ્યમથક ‘સ્વાસ્થ્ય ભવન’ ની બહાર વિરોધ સ્થળ છોડતા પહેલા આંદોલનકારી ડોકટરોએ કહ્યું હતું કે તેઓ અગાઉ સરકાર સમક્ષ મૂકેલી પાંચ માંગણીઓ કરતાં ઓછી કંઈપણ માટે સંમત થશે નહીં. અગાઉ રાજ્યના મુખ્ય સચિવ મનોજ પંતના ઈ-મેલનો જવાબ આપતા આંદોલનકારી ડોકટરોએ જણાવ્યું હતું કે તેઓ બેઠકમાં હાજરી આપશે અને મુખ્યમંત્રી સમક્ષ તેમની માંગણીઓ રજૂ કરશે. આંદોલનકારી ડોક્ટરે કહ્યું હતું કે અમે અમારા પ્રતિનિધિઓ સાથે બેઠકમાં હાજરી આપીશું. અમે અમારી પાંચ માંગણીઓ રજૂ કરીશું. અમે ખુલ્લા મન સાથે બેઠકમાં જઈ રહ્યા છીએ પરંતુ કોઈને એવો ભ્રમ ન હોવો જોઈએ કે અમે અમારી માંગણીઓ પર કોઈ સમાધાન કરીશું.
અગાઉ મુખ્ય સચિવ મનોજ પંત દ્વારા આંદોલનકારી ડોકટરોને મોકલવામાં આવેલ ઈ-મેલમાં કહેવામાં આવ્યું હતું કે આજે સાંજે 6 વાગ્યે તમને મુખ્યમંત્રીના કાલીઘાટ નિવાસસ્થાને આમંત્રિત કરવામાં આવ્યા છે. અમે તમારી સકારાત્મક અપેક્ષા રાખીએ છીએ. દરમિયાન મમતા બેનર્જી શનિવારે અચાનક ડોક્ટરોના વિરોધ સ્થળ પર પહોંચી ગયા હતા અને તેમને ખાતરી આપી હતી કે જે કોઈ પણ દોષિત છે તેની સામે પગલાં લેવાશે. આના થોડા જ સમય બાદ આંદોલનકારી ડોક્ટરોએ પશ્ચિમ બંગાળ સરકારને ઈ-મેઈલ મોકલી મુખ્યમંત્રી બેનર્જી સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
મીટીંગનું જીવંત પ્રસારણ કરવાની માંગ
આંદોલનકારી ડોકટરોમાંના એકે કહ્યું હતું કે અમે મડાગાંઠ ઉકેલવા માટે ગમે ત્યાં અને ગમે ત્યારે મુખ્યમંત્રી સાથે બેઠક કરવા તૈયાર છીએ. આજે બપોરે અમારી મુલાકાત લેવા માટે અમે તેમનું (બેનર્જી) સ્વાગત કરીએ છીએ. આ ખૂબ જ સકારાત્મક પગલું છે. અમે રાજ્ય સરકારને ‘મેલ’ મોકલ્યો છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી ન હતી કે શું તેઓ હજુ પણ આખી મીટિંગના લાઇવ ટેલિકાસ્ટની તેમની માંગ પર અડગ છે કે કેમ. તેમણે કહ્યું કે અમે પારદર્શિતા ઈચ્છીએ છીએ. પશ્ચિમ બંગાળ ‘જુનિયર ડોક્ટર્સ ફ્રન્ટ’એ તેના મેલમાં લખ્યું કે અમે તમારા આભારી છીએ કે તમે આ ખરાબ હવામાનમાં અમારી વચ્ચે આવીને અને તમારા વિચારો અમારી સાથે શેર કર્યા છે. અમે છેલ્લા 35 દિવસથી શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છીએ તે માટે અમારી પાંચ-પોઇન્ટ માંગણીઓ પર સરળ ચર્ચા કરવા માટે અમે આને આવકાર્ય પગલું તરીકે લઈએ છીએ.