સોશ્યલ મીડિયામાં તેમજ દેશનાં અખબારોમાં માનનીય વડા પ્રધાન શ્રી દિલ્હીમાં ટનલના નિરીક્ષણ વેળા પ્લાસ્ટિકની બોટલ ઉંચકીને ડસ્ટ બીનમાં નાખતા હોવાના સમાચાર પ્રસિદ્ધ થયેલ છે તે ઉપરથી સાબિત થાય છે કે કોઈ કામ તુચ્છ કે નાનું નથી.ખરેખર વડા પ્રધાનશ્રી અભિનંદનના અધિકારી છે. સારા કામની સરાહના કરવી એ માનવીય ગુણ છે. પણ દેશમાં હજુ પણ કચરો ફેંકવાવાળા ઊંચા અને ઊંચકવાવાળા નીચા એવી માનસિકતા દરેક માનવીમાં જોવા મળે છે, જે માનસિકતા ખરેખર વડાપ્રધાનશ્રીના ઉક્ત કામ જોયા પછી તો ન જ રહેવી જોઇએ.આમ વડા પ્રધાન શ્રી એ ધાર્યું હોત તો બોટલ ઉંચકી લેવા અન્યને સૂચના આપી શક્યા હોત, પણ જાતે ઉંચકીને આત્મનિર્ભરતાનો સંદેશો દેશવાસીઓને આપ્યો, ખરેખર સલામ છે.
આમ કહેવાય કે માનવીની ઓળખ જન્મથી નહીં, કર્મ આધારે થવી જોઇએ પણ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે દેશના કેટલાક ભાગોમાં હજુ જ્ઞાતિની ઓળખ યથાવત્ છે. વડાપ્રધાન શ્રી એ સાબિત કરી દેખાડ્યું કે, આપણી કરેલ ગંદકી કે કચરો જાહેર રસ્તા ઉપર નાખીએ, એ ઉઠાવવાનો ઈજારો કોઈ ચોક્કસ જ્ઞાતિનો નથી. એ તો પેટ ખાતર, ભૂખ ઠારવા માટે સફાઈનું કામ કરવું પડે એટલે કરવું પડે.દરેક માનવીએ જાતે સ્વચ્છ રહેવા, શહેરને, દેશને સ્વચ્છ રાખવા બીજા ઉપર આધાર ન રાખતા, વડાપ્રધાન શ્રીએ કરેલ કામને અનુસરવું જોઇએ, તો ખરા અર્થમાં કોઈ કામ તુચ્છ અને નાનું નથી એમ સાબિત થશે એમ કહીએ તો ખોટું નથી.
સુરત – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.