વિરાટ કોહલીના ખરાબ ફોર્મના નબળા દિવસો હવે પૂરા થઈ ગયા છે. ફરી પાછો એ છેલ્લાં કેટલાક સમયથી એના અસલી મિજાજમાં આવી ગયો છે. ભારતીય ક્રિકેટ માટે એ એક સારી નિશાની ગણાય. 2022ના ટવેન્ટી ટવેન્ટી વર્લ્ડ કપમાં એની વિરોધી ટીમની સામેની ચાર મેચમાંની ત્રણ શાનદાર ફિફટી ભારતીય ટીમની જીત માટે ઉપયોગી સાબિત થઈ છે. આ એના વિરાટ સ્વરૂપનું વિરાટ દર્શન સતત જળવાય તો ભારત 2022ના વર્લ્ડ કપ માટે બેશક દાવેદાર બની શકે. એના ત્રણ મેચના કુલ 208 રન અન્ય ટીમના કોઈ પણ ખેલાડી કરતાં વધારે છે.
હજુ પણ ભારતીય ટીમમાં કેટલીક કમી દેખાય છે. કમનસીબ બાંગ્લાદેશ સામેની વરસાદી મેચમાં ભાગ્યશાળી ભારતીય ટીમની જીત થવાથી ભારત હવે 6 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગયું છે. 2011 બાદ 11 વર્ષના લાંબા ઈંતઝાર પછી ભારતની સામે સુવર્ણ તક આવી પહોંચી છે. સંગઠનશક્તિ સાથે એડી-ચોટીના જોરથી કેપ્ટન રોહિત શર્મા આ મુશ્કેલ લાગતું ભગીરથ કાર્ય આસાનીથી પાર કરી શકે એમ છે. પ્રત્યેક ભારતીય ક્રિકેટપ્રેમીઓની આ એક આશા છે. 2022ની આ ચેમ્પિયન ટ્રોફી આ નવા વર્ષમાં ભારતના આંગણે આવે એવી શુભેચ્છા જરૂર રાખી શકાય.
સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જીવનમાં પ્રેય અને શ્રેય માર્ગનું મહત્ત્વ
મનુષ્યના જીવનમાં બે માર્ગ મળે છે. એક માર્ગ પ્રેય અને બીજો માર્ગ શ્રેય.પ્રેય માર્ગ એટલે જીવનને પ્રિય માર્ગે લઈ જવું અને શ્રેય માર્ગ એટલે જીવનને કલ્યાણ માર્ગે લઈ જવું. પ્રિય માર્ગ બહુધા સહેલો અને સરળ હોય છે જેના થકી સુખનાં સાધનો સુધી પહોંચી જીવનમાં સગવડતા પ્રાપ્ત કરવું. સગવડ પ્રાપ્ત કરવા માટે સાધનો જરૂરી હોય તે મેળવવા પણ અથાક પ્રયત્નો જરૂરી હોય છે, એટલું જ નહીં નીતિ માર્ગે બહુધા પ્રાપ્ત થઈ શકતાં ના હોય છેવટે બહુધા દુ:ખ જ પામે છે. પ્રેય કલ્યાણ માર્ગે પણ કઠીન હોય છે. તેમાં સાધના કરવી પડે છે જેમાં માણસ પોતાની ભીતર સત્ય-પ્રેમ-કરુણા-પવિત્રતાને જન્માવે છે અને માણસ પરમાત્મા સુધી પહોંચી જાય છે. તેમાં પણ કંઈક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમાં પણ કંઈક મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેમકે લોક નિંદા ટીકાઓ અર્થ વિનાની કૂથલીઓનો સમાવેશ હોય જ છે. પ્રેય માર્ગે છેવટે દુ:ખ પ્રાપ્ત થાય છે. નિજાનંદ પણ ખોવાય છે. જ્યારે શ્રેય માર્ગે મુશ્કેલીઓ છતાં મનુષ્ય નિજાનંદ અને ભીતરી મસ્તી પામે છે. હવે મનુષ્યે જ નક્કી કરવું રહ્યું. પ્રેય માર્ગે જવું કે શ્રેય માર્ગે જવું.
નવસારી – ગુણવંત જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.