National

પીચને બદલે બેટ્સમેનનો વાંક કાઢવાના કોહલીના નિવેદન સાથે આ પૂર્વ ઇંગ્લિશ કેપ્ટન સહમત નથી

લંડન, તા. 26 (પીટીઆઇ) : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ માત્ર બે દિવસમાં જ પૂર્ણ થઇ જવાના કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ સમિક્ષકોની ટીકાનું કારણ બની છે. ઇંગ્લેન્ડના માજી કેપ્ટન એલિસ્ટર કૂકે પણ પીચની ટીકા કરતાં કહ્યું હતું કે પીચને બદલે બેટ્સમેનોનો વાંક કાઢવાના ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નિવેદન સાથે હું સમંત નથી. કોહલીએ મેચ પછી પીચનો બચાવ કરતાં કહ્યું હતું કે બંને ટીમના બેટ્સમેનોએ સારી બેટિંગ કરી નહોતી
કૂકે કહ્યું હતું કે વિરાટ કોહલીએ વિકેટનો બચાવ એવી રીતે કર્યો, જેમ કે બીસીસીઆઇનું કામ હોય. આ વિકેટ પર એ દિવસે બેટિંગ કરવું ઘણું જ મુશ્કેલ હતું. આવા સમયે તમે વિકેટને કોરાણે મુકીને બેટ્સમેનનો વાંક કેવી રીતે કાઢી શકો. તેણે કહ્યું હતું કે અમારી પાસે સ્પિનને સારી રીતે રમતા બેટ્સમેનો છે, તેઓ પણ સંઘર્ષ કરી રહ્યા હતા.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બાબતે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડને કોઇ સમસ્યા નથી.

અમદાવાદ, તા. 26 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અહીં દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ડે એન્ડ નાઇટ ત્રીજી ટેસ્ટ બે દિવસમાં જ પૂર્ણ થઇ ગયા પછી જ્યારે ઇંગ્લેન્ડના માજી કેપ્ટન માઇકલ વોન, ભારતના યુવરાજ સિંહ જેવા ક્રિકેટર્સે પીચનો વાંક કાઢ્યો છે ત્યારે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) દ્વારા આ બાબતને વધુ કોઇ મહત્વ આપવામાં આવ્યું નથી અને તેમના દ્વારા પીચ બાબતે કોઇ સત્તાવાર ફરિયાદ કરવાની કોઇ વિચારણા કરવામાં આવી છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના એક અધિકારીએ કહ્યું હતું કે ટેસ્ટ મેચ બાદ તેમની ઇસીબીના સીઇઓ ટોમ હેરિસ અને ચેરમેન ઇયાન વોટમોર સાથે વાત થઇ છે અને એ બંનેનું એવું કહેવું છે કે પીચ ખરાબ નહોતી. મોટાભાગના અમારા બેટ્સમેનો ટર્નિંગ બોલ પર નહીં પણ સીધા બોલ પર આઉટ થયા છે. તેમના મતે આ પીચ પર તેના કરતાં વધુ સારી બેટિંગ કરી શકાય તેમ હતી.
આ તરફ મેચ પછી પીચ બાબતે આઇસીસી જ નિર્ણય કરશે એવું નિવેદન કરનારા જો રૂટે પણ હવે પોતાનું બોલેલું ફેરવી તોળીને તેના માટે એસજી બોલને જવાબદાર ગણાવ્યો હતો. રૂટે કહ્યું હતું કે બોલ પર લેકરના એકસ્ટ્રા લેયરને કારણે મુશ્કેલી વધી હતી. તેણે કહ્યું હતું કે તેના કારણે બોલ સ્કિડ કરતો હતો અને ઓફ ધ વિકેટ તે વધુ ઝડપથી આવી રહ્યો હતો. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ પીચની ટીકાને નિરાધાર ગણાવતા કહ્યું હતું કે જો એમ જ હતું તો બીજા દાવમાં ભારતીય ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 49 રન કેવી રીતે બનાવ્યા.

ઇંગ્લીશ મીડિયાના એક જૂથે હાર માટે ટીમને તો અન્યએ પીચને કસુરવાર ગણાવી

લંડન, તા. 26 : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં માત્ર બે દિવસમાં પુરી થયેલી પિન્ક બોલ ટેસ્ટ મામલે બ્રિટીશ મિડીયા બે ભાગમાં વહેંચાયું હતું. બ્રિટીશ મીડિયાના એક જૂથે આ પરાજય માટે પોતાની ટીમને જ કસુરવાર ગણાવી હતી, જ્યારે અન્યોએ તેના માટે પીચનો વાંક કાઢ્યો હતો.
મેચ બે દિસવમાં પુરી થતાં માજી ઇંગ્લીશ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે આ પીચ ટેસ્ટ ક્રિકેટ માટે આદર્શ પીચ નહોતી. જો કે ઇંગ્લેન્ડના ધ ગાર્ડિયન અખબારે આ મામલે પોતાની ટીમની જ ટીકા કરી હતી. તેમણે હેડિંગ બનાવ્યું હતું કે ઇંગ્લેન્ડ બે દિવસમાં હાર્યું તેની તપાસમાં કોઇ સરળ જવાબ નહીં મળે. તેણે અહેવાલમાં લખ્યું હતું કે ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં મળેલી નિરાશાજનક હાર માટે કોને કસુરવાર ઠેરવીએ, એ ઘણું મુશ્કેલ છે. અખબારે રોટેશન પદ્ધતિને જવાબદાર ગણાવવાની સાથે સ્થિતિને યોગ્ય રીતે સમજી ન શકવા માટે પણ ટીમને કસુરવાર ગણાવી હતી. ધ સન અખબારે ઇંગ્લેન્ડને અયોગ્ય ગણાવીને તેની પસંદગી નીતિની ટીકા કરી હતી. વિઝડને લખ્યું હતું કે ટેસ્ટ મેચોના ઇતિહાસમાં ક્યારેય ઇંગ્લીશ ક્રિકેટ આટલું ખરાબ લાગ્યું નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top