ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ)માં અમ્પાયર્સ કોલની ટીકા કરતાં કહ્યું હતું કે તે મૂંઝવણ વધારે છે અને એલબીડબલ્યુથી આઉટ થવાનો નિર્ણય સંપૂર્ણપણે હોલ સ્ટમ્પ સાથે અથડાય તેના પર આધારિત હોવો જોઇએ, પછી ભલે બોલ થોડા અંશે જ અથડાતો હોય. હાલના નિયમો અનુસાર બેટ્સમેનના એલબીડબલ્યુ બાબતે અમ્પાયરે કરેલા નિર્ણય પર ડીઆરએસ દરમિયાન બોલનો ઓછામાં ઓછો 50 ટકા ભાગ સ્ટમ્પ સાથે અથડાયેલો હોવો જોઇએ, એમ ન થાય તો અમ્પાયર્સ કોલ અમલી બને છે.
કોહલીએ ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વન ડે સીરિઝની પહેલી મેચની પૂર્વસંધ્યાએ કહ્યું હતું કે હું ડીઆરએસ વગર લાંબા સમય સુધી રમ્યો છુ. તે સમયે અમ્પાયરે જો કોઇ નિર્ણય કર્યો હોય તો બેટ્સમેન ઇચ્છે કે ન ઇચ્છે તે નિર્ણય માન્ય રહેતો હતો. તેણે કહ્યું હતું કે મારા મતે અમ્પાયર્સ કોલથી મૂંઝવણ વધી જાય છે, જ્યારે કોઇ બેટ્મસેન બોલ્ડ થાય ત્યારે એવું જરૂરી નથી કે બોલનો 50 ટકા હિસ્સો સ્ટમ્પ સાથે અથડાય. તેથી ક્રિકેટની સામાન્ય સમજથી મને નથી લાગતું કે આ મામલે કોઇ ચર્ચા થવી જોઇએ, જો બોલ સ્ટમ્પને વાગે છે તો નિર્ણય આઉટ જ હોવો જોઇએ. તમે તેને પસંદ કરો કે ન કરો.
વન ડેમાં રોહિતના ઓપનિંગ પાર્ટનર તરીકે શિખર ધવન જ ઉતરશે : વિરાટ કોહલી
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે કહ્યું હતું કે ઇંગ્લેન્ડ સામે મંગળવારથી શરૂ થઇ રહેલી વન ડે સીરિઝની પહેલી મેચમાં રોહિત શર્મા અને શિખર ધવન જ ઓપનીંગ કરવા માટે ઉતરશે. હાલમાં જ સંપન્ન થયેલી ટી-20 સીરિઝમાં ભારતીય ટીમ ચાર ઓપનીંગ કોમ્બિનેશન અજમાવ્યા હતા.
જેમાં અંતિમ મેચમાં રોહિતની સાથે કોહલી ઉતર્યો હતો. કોહલીએ પ્રથમ વન ડેની પૂર્વ સંધ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જ્યાં સુધી વાત ઓપનીંગની છે તો એ વાતમાં કોઇ શંકા નથી કે ધવન અને રોહિત જ ઓપનીંગ કરવા માટે મેદાનમાં ઉતરશે. વન ડેમાં રોહિત અને ધવન ઓપનીંગ કરે તેમાં કોઇ સમસ્યા નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે સારું જ કર્યું છે. ધવનનું વન ડેમાં પ્રદર્શન સારું છે, જો કે તેણે જૂન 2-019માં વર્લ્ડકપ દરમિયાન ઘાયલ થયા પછી કોરોના વાયરસને કારણે માત્ર 9 વન ડે રમી છે અને આ 9માંથી બેમાં તો તેણે બેટિંગ પણ કરી નહોતી.