એવું કહેવાય છે કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા, પરંતુ સરકારને શિક્ષકોની કોઈ કિંમત નથી. સરકાર જાણે શિક્ષકોને અતિ સામાન્ય ગણે છે. સરકારની કોઈ પણ કામગીરી હોય સૌથી પહેલા વારો શિક્ષકોનો જ પડતો હોય છે. તેના લીધે શિક્ષણ કાર્ય કરતા વધુ શિક્ષકો અન્ય પ્રવૃત્તિઓ કરતા નજરે પડતા હોય છે. હાલમાં શિક્ષકો સહિત અનેક સરકારી કર્મચારીઓને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે. મતદાર યાદી સુધારણાની આ કામગીરીનો ભાર કોડીનારનો શિક્ષક ઉઠાવી શક્યો નહીં અને તેણે મરવું પસંદ કર્યું. શિક્ષક જ્યારે આવું અંતિમ પગલું ભરે ત્યારે સરકાર અને સમાજ માટે તે શિક્ષકોની સ્થિતિ પર નજર કરી તે અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર ઉભી થાય છે.
કોડીનારના શિક્ષકની વાત કરીએ તો છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદ મૂળજી વાઢેર (ઉં.વ.40)ને હાલમાં ચાલતી બીએલઓની કામગીરીની જવાબદારી સોંપવામાં આવી હતી. અરવિંદભાઈએ પોતાના વતન દેવળી ખાતે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. અરવિંદભાઈએ એક સ્યુસાઈડ નોટ પત્નીને ઉદ્દેશીને લખી છે, જેમાં બીએલઓની કામગીરી સંદર્ભમાં ઉપલી કચેરીના દબાણને કારણે માનસિક રીતે થાકી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

અરવિંદ વાઢેર છારાની કન્યા શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. આ ઘટનાને પગલે શિક્ષણ વિભાગમાં કામગીરીના વધતા ભાર અને તણાવ અને તેની શિક્ષકો પર થતી અસર અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
સ્યુસાઈડ નોટમાં શું લખ્યું?
મારાથી કોઈ કાળે હવે આ SIRનું કામ થઈ શકે તેમ નથી અને હું છેલ્લાં ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું.
તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે. હું તમને બંનેને ખૂબ જ ચાહું છું. પણ, હવે ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી.
મારો આ થેલો અહીં પડ્યો છે. તેમાં બધું જ કામગીરીનું સાહિત્ય છે, તે સ્કૂલે આપી દેજે.
I am very sorry My Dear Wife Sangita and My Loving Dear son Krishay.
Dt. 21-11-2025
Time – 6.35 am
BLOને આ મુશ્કેલીઓ પડી રહી છે
SIRની કામગીરી માટે જે સરકારી શિક્ષકો, કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે, તેઓ પર કામનું દબાણ ખૂબ વધી ગયું છે. તેઓને પોતાની સરકારી ફરજ ઉપરાંત વધારાનું ચૂંટણી કામ સંભાળવું પડી રહ્યું છે. રાત્રે મોડે સુધી કામ અને વહેલી સવારે ફિલ્ડમાં જવાની ફરજ પડી રહી છે. ટાર્ગેટ સમસર પૂર્ણ કરવા ઉપલા અધિકારીઓ દબાણ કરે છે. મતદારોના વારંવાર ફોન કોલ આવે છે. ઉપરી અધિકારીઓ પણ કોલ અને વોટ્સએપ મેસેજથી સતત મોનિટરીંગ કરે છે. માર્ગ સુવિધા, ટ્રાન્સપોર્ટેશન અને સેફ્ટીનો અભાવ છે. બાળકો, વડીલો અને ઘરકામ વચ્ચે કામગીરીમાં સંતુલન રાખવું મુશ્કેલ બની રહ્યું છે.