‘ગુજરાતમિત્ર’અખબારની રવિવારીય પૂર્તિમાં ‘બહુશ્રુત’કોલમના લેખક ચિરંતના ભટ્ટના ‘યર ઓફ મિલેટ’લેખ માહિતી રસપ્રદ રહ્યો. ‘કોદરી’વિશે જાણકારી મળી. સાંઠના દાયકાની ચોખાની અછતના કારણે ચોખાની અવેજીમાં કોદરીનું ચલણ ખૂબ વધી ગયુ હતુ એ બરોબર યાદ આવે છે. એ સમયે લોકો ભાતની જગ્યા પર કોદરી ખાતા હતા. રોજિંદા આહારમાં એનું ચલણ વધી ગયુ હતુ. દાળ કે કઢી સાથે કોદરીનો ટેસ્ટ મનભાવન બની ગયો હતો. શુભ અશુભ પ્રસંગમાં પણ કોદરીનું ચલણ ખાસ્સો સમય સુધી ચાલ્યુ હતું. કોદરી પચવામાં પણ થોડી સહેલી હતી એ ખાવાથી આળસ આવતી નહોતી. આજે ચોખાનો ભાત ખાવાથી જમ્યા પછી કેટલાંક લોકોને આરમ કરવાની જરૂર પડે છે. બગાસા આવે છે એવું કોદરી ખાવાથી બનતુ ન હોતું. જમ્યા પછી માણસ પોતે પોતાના કાર્યક્ષેત્રમાં જોડાય જતો. હજુ આજે પણ એવા ઘણાં બધા પરિવારોના વડીલો ચોખાની જગ્યા પર કોદરી ખાવાનું પસંદ કરે છે. એવા પરિવારમાં અન્ય સભ્યો પણ કોદરી ખાતા થયા છે. કેટલીક હોસ્પિટલોમાં દર્દીઓને ભોજનમાં કોદરી આપવામાં આવે છે જો કે વિશેષ ડાયાબિટિસના દર્દીઓને કોદરી આપવામાં આવે છે. જેનાથી સુગર કાબુમાં રહે છે. તાજેતરમાં હોસ્પિટલમાં એક મારા મિત્રની ખબર કાઢવા જવાનું બન્યુ. એ મારા મિત્રે મને કોદરીની વાત કરી ત્યારે મને પણ વર્ષો પહેલાનાં કોદરીનો ટેસ્ટ યાદ આવી ગયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેટલાંક સાંસદોએ મિલેટની વાનગીને ઉમદા ઉત્તમ ખોરાક તરીકે પ્રશંસા કરી. નાણાંમંત્રી નિર્મલા સિતારમણે આ વર્ષના બજેટમાં ‘મિલેટ્સ’પ્રત્યે જાગૃતિ કેળવાય એ હેતુથી મિલેટના પ્રચાર પ્રસાર કરવાની વાતની પણ લેખકે વિશેષ નોંધ લીધી છે.
સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પેટ આપ્યું છે તો રોટલો આપ
તા. 5-2-23નાં ‘ગુજ-મિત્ર’’ની રવિવારીય પૂર્તિમાં શ્રી દિનેશ પંચાલની ‘‘જીવન સરિતાને તીરે’’ કોલમમાં માણસને અન્નની વધુ જરૂર છે એ અંગે વાસ્તવિક વાત એમણે એમના લેખમાં કરી છે કહેવત છેને કે બુભુક્ષીત કિમ ન કરોતિ પાપમ. ભુખ્યો માણસ ક્યું પાપ કરતો નથી? પેટ કરાયે વેઠ. આજકાલ મંદિરોમાં અન્નકુટ ભરાય અને મંદિરની બહાર ભુખ્યા ટળવળે. કોઈ કવિએ સાચે જ લખ્યું છે કે તે દિન આંસુ ભીના રે હરિના લોચનીયાં મેં દીઠા આજકાલ મોંઘવારીએ માઝા મૂકી છે. આવક જાવકના બે છેડાનો મેળ ખાતો નથી. કેટલાક નાના બાળકને પહેલાં મારી નાંખી ત્યારબાદ માતા પિતા પણ આત્મહત્યા કરે છે. પેટનો ખાડો પુરાતો ન હોવાથી આત્મહત્યા કરે છે. માણસને કામ આપો. આજકાલ અસંખ્ય મંદિર, મસ્જિદો, ચર્ચ વગેરે બને છે. પરંતુ રોજીરોટી મળે એ માટે ઉદ્યોગ ધંધા, ગૃહઉદ્યોગ જરૂરી છે. લેખકનો કહેવાનો ઉદ્દેશ પણ એજ છે. જીવનનાં અન્નનું ઉત્પાદન વધુ થાય તો જીવન સમૃદ્ધ બને. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે જે ધર્મ ભૂખ્યાને રોટી ન આપી શકે એ ધર્મ હું માનતો નથી. ‘‘રોટી’’ ફિલ્મમાં હિરો રાજેશ ખન્ના ભગવાનને કહે છે કે તૂને પેટ દિયા હૈ તો રોટી દે અગર તુ રોટી ન દે શકે તો તુઝે આદમી પૈદા કરને કા હક નહીં હૈ. માણસ ભૂખ્યો ઊઠે પણ ભૂખ્યો સૂવે નહીં એ જરૂરી છે.
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.