ઘરમાં પુસ્તક હોવું, એને વાંચવું અને જીવનમાં ઉતારવું એ ભિન્ન બાબતો છે. વળી, કયા પુસ્તકમાંથી શું અર્થઘટન કરવું એ પણ વ્યક્તિ પર નિર્ભર કરે છે. જે લોકોના ઘરમાં ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત જેવા પુસ્તકો હોય છે ખરાં પરંતુ તે ઘરના સભ્યો એને વાંચે જ છે એવું હોતું નથી અને વાંચતા હોય તો તેમના વ્યવહારમાં એ વાંચન દેખાતું નથી. આવા લોકોએ પુસ્તકના સારને જીવન અને વ્યવહારમાં ઉતાર્યા હોતા નથી. ધર્મની મોટી મોટી વાતો કરનારામાં સ્વાર્થ જોવા મળે છે.
જે વ્યક્તિએ કંઈ ના વાંચ્યું હોય એ ફક્ત ધ્યાનથી ભગવદ ગીતા વાંચે અને જીવન વ્યવહારમાં તેનું પાલન કરે તો તેણે બીજા પુસ્તકો વાંચવાની પણ જરૂર ના પડે. એક દાનેશ્વરી શેઠ મંદિરોમાં લાખો રૂપિયાના સોનાનું દાન કરે પણ તેની પાસે આવેલ ગરીબ માણસ જો વસ્તુનો ભાવ ઓછો કરવાનું કહે તો તે ભાવ ઓછો કરવા રાજી થતો નથી. શું આવા લોકોના ઘરમાં સારા સારા પુસ્તકો નથી હોતાં? આવા લોકો પોતાના જીવન વ્યવહારમાં પુસ્તકોના જ્ઞાનને સ્થાન નથી આપતા. ટૂંકમાં, દરેક ઘરમાં સારૂં પુસ્તક હોવું જરૂરી હોવા સાથે પુસ્તકના વિચારોને વ્યવહારમાં ઉતારીશું નહીં ત્યાં સુધી બધું નકામું છે.
ગોડાદરા, સુરત – પ્રવિણ પરમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.