દેલાડ: સુરતથી (Surat) પોતાના વતન કુવાદ (Kuvad) ગામે ઉત્તરાયણનો (Uttrayan) તહેવાર (Festival) ઊજવવા આવેલા શખ્સ વિરુદ્ધ ચાર ઈસમોએ પતંગ (Kite) ઉપર ગાળો લખી તથા ગામમાં આવશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ૨૫ દિવસ બાદ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ (Complaint) નોંધાઇ હતી.
મૂળ ઓલપાડના સરસ ગામના નવાપરા ફળિયામાં રહેતા જનક પરભુ પટેલ (ઉં.વ.૫૩) હાલમાં દેવઆશિષ સોસાયટી મોરાભાગળ ઘર નં.૩૨માં રહે છે અને ઓલપાડ સાઇનાઇટ કંપનીમાં સિનિયર સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. તા.૧૪/૧/૨૦૨૨ના રોજ ઉત્તરાયણ હોવાથી બપોરે અઢી વાગ્યે સુરતથી જનકભાઈ પોતાની પત્ની સરલાબેન તથા પુત્રી સાથે કુવાદ ગામે આવ્યાં હતાં અને સાંજે પાંચ વાગ્યે તેઓ સુરત નીકળી ગયા હતા. ત્યારબાદ ગામના તેજસ હરિ પટેલે મોબાઇલ ફોનથી જણાવ્યું હતું કે, ગામમાં પતંગ ઉપર તમારા વિશે અપશબ્દો લખીને પતંગ ઉડાડાયો છે અને પતંગ અલગ અલગ જગ્યાએ પડ્યાં છે. આથી જનકભાઈ તા.૧૫/૧/૨૦૨૨ના રોજ કુવાદ ગામે ગયા હતા. અને ધર્મેશ પટેલના ઘરના વાડામાં તથા રંજન પ્રવીણ પટેલના ઘરના વાડામાં કપાઈને આવેલા પતંગ જનકભાઈને આપ્યા હતા. પતંગ ઉપર જનકભાઈ વિશે ગાળો લખી તથા મારી નાંખવાની ધમકી જેવા શબ્દો લખ્યા હતા. આ પતંગો ઉપર પિંકલ બળવંત પટેલ, કાર્તિક કિરણ પટેલ, વિવેક ઈશ્વર પટેલ તથા તેજસ ઈશ્વર પટેલે લખાણ લખી પતંગ ચગાવ્યા હોવાનું જાણવા મળતાં જનકભાઈએ ચારેય વિરુદ્ધ તા.૧૧/૨/૨૦૨૨ના રોજ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આમોદમાં પિતાના કહેવાથી આંકડા ફરકનો જુગાર રમાડતો પુત્ર ઝડપાયો
આમોદ: આમોદ નગરમાં આવેલા વાવડી ફળિયામાં તળાવની પાસે આંક ફરકનો જુગાર રમાતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતાં આંક ફરકનો જુગાર રમાડતાં અકીલ શબ્બીર મલેક (ઉં.વ.૨૭)ને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. તેની અંગજડતીમાં તેની પાસેથી ૨૧૪૦ રૂપિયા રોકડા મળ્યા હતા. ઉપરાંત તેની પાસેથી બુક, આંકડા લખેલી ચિઠ્ઠી, કાર્બનપેપર, બોલપેન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તેના પિતા શબ્બીર નિઝામ મલેકના કહેવાથી તે જુગાર રમાડે છે. આમોદ પોલીસે આરોપીઓ સામે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી પુત્ર અકીલની ધરપકડ કરી તથા તેના પિતા શબ્બીરને વોન્ટેડ જાહેર કર્યો હતો.