સુરત: (Surat) ધાબા પર પતંગ ચગાવવા માટે પરિવારના સભ્યો એકત્ર થાય તો પોલીસે કાર્યવાહીની ચીમકી આપી છે. પોલીસ જે પ્રયત્નો કરી રહી છે તે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે કરી રહી છે તેમની વાત સમજી શકાય તેમ છે. પરંતુ સુરતીઓ તો નહીં જ સમજે. શહેરમાં રવિવારે (Sunday) જાણે કે સુરતીઓએ ઉતરાણના (Uttarayan) પર્વનું રિહર્સલ કરી નાંખ્યુ. એક તરફ પતંગ બજાર એવા ભાગળ સ્થિત ડબગરવાડમાં ભર બપોરે ભારે ભીડ જોવા મળી. ત્યાં જ સાંજ પડતાં પડતાં તો ખરીદી કરતા લોકોની સંખ્યા એટલી વધી ગઈ ગઈ કે બજારમાં માસ્ક સાથે શ્વાસ લેવું મુશ્કેલ થઈ પડ્યું હતું. તો બીજી તરફ સાંજે ધાબા પર પણ બાળકો અને જુવાનિયાઓએ પતંગ ઉડાડવાની મજા માણી હતી.
આ તસવીર પરથી સાબિત થાય છે કે, એક છત પર અત્યારથી જ બાળકો એકત્ર થઇ ગયા છે. તે દર્શાવે છે કે સુરતીઓ ગણપતિ બાદ તેમના બીજા નંબરના પ્રિય તહેવાર ઉતરાણમાં એકત્ર થશે જ અને ઉંધિયાની જયાફત પણ માણશે. આ જ કારણ છે કે સુરતમાં દરેક પરિસ્થિતિમાં તહેવારોની મોજ માણવાનો સુરતીઓનો સ્વભાવ આખા વિશ્વમાં વખાણાય છે. જોકે હાલ કોરોના મહામારીને પગલે સાવચેતી અને સલામતી આપણા સૌની પ્રાથમિકતા હોવા જોઈએ પરંતુ ઉતરાણ જેવો બિનસાંપ્રદાયિક અને સામુહિક તહેવાર સુરતીઓ ન ઉજવે તે વાત પણ ગળે ઉતરતી નથી.
ઉતરાણને હવે ફક્ત 3 દિવસ બાકી છે ત્યારે શહેરમાં રાત્રે 10 વાગ્યે કર્ફ્યૂ લાગી જતો હોવાથી સુરતીજનોએ દિવસે પતંગ દોરીની ખરીદી કરવાનો લ્હાવો લઈ લીધો હતો. તેમાં પણ રવિવારે જાણે ખરીદીનો છેલ્લો દિવસ હોય તેમ લોકો ખરીદી કરવા ઉમટ્યા હતાં. ભરબપોરે શહેરના કોટ વિસ્તારમાં આવેલ સૌથી મોટા પતંગ બજાર ડબગરવાડમાં એવો માહોલ સર્જાયો હતો કે પગ મુકવા માટેની જગ્યા પણ દેખાતી ન હતી. આ વખતે પતંગ અને દોરીના ભાવ વધારે હોવા છતાં લોકોને જાણે કીંમતથી કોઈ લેવા દેવા ન હોય તેમ ધૂમ ખરીદી થઈ હતી. ઉતરાણ માટે બનાવેલા અનોખા માસ્ક અને ગોગલ્સની પણ સુરતીઓએ ખરીદી કરી હતી.
બીજી તરફ અગાઉ થી જ ખરીદી કરીને પરવારી ચુકેલા બાળકો અને જુવાનિયાઓએ રવિવારે સાંજે ધાબા પર ચઢી ઉતરાણનું રિહર્સલ કર્યું હતું. સાંજ પડતા મોટાભાગના ધાબા પર પતંગબાજ જોવા મળ્યા હતાં. કેટલીક જગ્યાએ તો ડીજેના તાલે લોકોએ પતંગ ઉડાડવાની મજા માણી હતી. એવામાં તંત્ર અને પોલીસ દ્વારા લોકોને ડીજે નહીં વગાડવા અને વધુ લોકોએ ધાબા પર ભેગા ન થવા બાબતે જે સૂચના આપવામાં આવી છે તેનું કેટલું પાલન થાય છે તે જોવું રહ્યું. પરંતુ એક વાત તો નક્કી સુરતીઓ ઉતરાણમાં તો કોઈને ની ગાંઠે..