કોરોનાને મહામારીને નાથવા અને તેના વિકરાળ ચેપને ફેલાતો અટકાવવા પશ્ચિમી વિકસિત રાષ્ટ્રો જે કિટ અપનાવે છે તેનાથી બહેતર અને સજ્જડ સુરક્ષા કવચ પુરૂ પાડતી 6 લેઅર હાઈગ્રેડ કિટ બનાવવામાં સુરત ડંકો વગાડી ચુક્યું છે.
કોરોનાનો કહેર દિનબદિન આગળ વધી રહ્યો છે. કોરોનાના વાઈરસના કેરિયરથી શરૂ કરી પોઝિટિવ દર્દી સુધીના પડાવ વચ્ચે લોકો ટપોટપ મોતને ભેટી રહ્યા છે. કોરોનાના દર્દીઓને સારવાર કરતા ડોક્ટર, નર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફની પણ વાઈરસ સામે અગ્નિ પરીક્ષા થઈ રહી છે. ભારતભરમાં કેટલાક ઠેકાણે દર્દીની સારવાર કરતા ડોકટર અને નર્સને પણ કોરોના વાઈરસે અડફટે લીધા છે અને ઘાતક ચેપએ તેમને પથારીવશ કરી દીધા છે. કોરોનાની આ ભયાનક પરિસ્થિતિ વચ્ચે પશ્ચિમી રાષ્ટ્રોએ વિકસાવેલા પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ કિટ પણ કામ નથી લાગતા. જેને કારણે કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં તબીબો અને નર્સ પણ કફોડી સ્થિતિમાં મુકાતા હતા.
સમગ્ર વિશ્વ અને ભારતભરના મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ માટે સુરત શહેરને ટેક્ટાઈલ ઇન્ડસ્ટ્રિ આશાનું કીરણ લઈને આવી છે. સુરતમાં 6 લેઅર પીપીઈ શુટ ડેવલપ કરનારા આશિષ વૈદ્યએ જણાવ્યું હતું કે, તેમણે આ પડકાર ઝીલી લીધો છે. અને તબીબો તેમજ નર્સ માટે યુદ્ધના ધોરણે તાબડતોબ કિટ તૈયાર કરી દીધી છે. આ કિટ ટેસ્ટિંગ માટે કોઈમ્બતુર સ્થિત સાઉથ ઇન્ડિયન ટેક્સટાઈલ રિસર્ચ એસોસિએશનની લેબોરેટરીમાં મોકલવામાં આવી હતી. જ્યાં ટેસ્ટિંગ સફળ થયું છે. તદ્ઉપરાંત ભારત સરકારની ગ્વાલિયર ખાતે આવેલી ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ લેબમાં પણ મોકલી દેવાઈ છે. આગામી દિવસોમાં આ કિટ એપ્રુવ થયા બાદ સમગ્ર વિશ્વભરના મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ માટે ઉપયોગી બની જશે.
પીપીઈમાં શું શું આવે છે?
માસ્ક, હેન્ડ ક્લોવસ, આઈ કીપર, શુ કવર, હેડ કવર, શુટ
કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ થ્રી લેઅર કિટ ચાલે પણ સુરતે 6 લેઅર કિટ બનાવી
કોરોનાની સારવાર આપતા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ માટે પીપીઈ કિટ બનાવનાર ઉદ્યોગકાર આશિષ વૈદ્યએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કોરોના દરમિયાન દર્દીની સારવાર કરતા સ્ટાફ માટે થ્રી લેઅર શુટની ભલામણ કરી છે. પરંતુ તેમણે કેન્દ્ર સરકારની ભલામણ કરતા પણ વધુ સુરક્ષા કવચ પુરૂં પાડે તેવી 6 લેઅર કિટ બનાવી છે. આ કિટ બનાવવા માટે જે ફેબ્રિક્સ અને મટિરિયલ વપરાયું છે તેમાં નોન વુલ અને પોલીથિન લેઅરનો સમાવેશ થયો છે. જે કોરોનાના વાઈરસ તો 0.1 માઈક્રો મીટર સાઈઝના હોય છે તેને પણ શરીરમાં પ્રવેશતા અટકાવી શકે છે.