તમારી આ ‘ઈશિતા’ જો ન ભૂલતી હોય તો વર્ષો પહેલાં એક નાટક રજૂ થયેલું, જેનું નામ હતું: ‘ચુંબનચોર મચાવે શોર’. આ ગુજરાતી-પારસી રોમેન્ટિક કૉમેડીએ એ જમાનામાં તખ્તા પર તરખાટ મચાવ્યો હતો. થોડાં વર્ષ પહેલાં પેરિસના ટ્રાફિક જામ રસ્તા પર એક વ્યક્તિ અચાનક પ્રગટીને રસ્તે જતી કોઈ યુવતી કે સ્ત્રીને ચીલઝડપે તસતસતું ચુંબન કરીને નાસી જતી. એનો શિકાર બનતી યુવતી અવાક થઈ જતી. ભરબજારે આવા કિસના કિસ્સા વધવા માંડ્યા. પછી ગમે ત્યારે ત્રાટક્તા પેલા ‘સીરિયલ કિસર’ એટલે કે ચુંબનચોરને ઝડપી લેવા પેરિસ પોલીસે જાળ બીછાવી. લેડી પોલીસને સાદી યુવતી કે મહિલાના સ્વાંગમાં રસ્તા પર ફરતી રાખી. આવી બે-ત્રણ લેડી પોલીસને પણ પેલો ચુંબનચોર કિસ કરીને પલાયન થઈ ગયો. આખરે પોલીસની ધીરજ ફળી ને એક યુવાન કિસ કરતાં ઝડપાઈ ગયો. એની ઊલટતપાસ લીધી ત્યારે પોલીસ ચોંકી ગઈ કારણ કે રસ્તે જતી યુવતીને આ રીતે છેડતો ચુંબનચોર હકીકતમાં કામવાસનાથી પીડાતો ૬૦ વર્ષીય વૃધ્ધ હતો, જે યુવાનના વેશપલટામાં સર્જીકલ સ્ટ્રાઈક સ્ટાઈલમાં ચુંબન કરી ચીલઝડપે છટકી જતો! એ ઘટના હમણાં એટલા માટે યાદ આવી કે આ જ પ્રકારના એક ચુંબનચોર પાછળ મુંબઈ પોલીસ પડી પછી કેવી જહેમત અને સૂઝથી એને ઝડપી લીધો એની વાત ખરેખર કોઈ જાસૂસકથાથી ઓછી રોચક નથી.
થોડા દિવસ પહેલાં મુંબઈ-અંધેરી લોકલ ટ્રેન સ્ટેશન નજીકના એક ATM બુથમાં એક મહિલા મોડી સાંજે કેશ કઢાવવા ગઈ. એ રોકડ લેતી હતી ત્યાં પાછળથી કોઈ યુવક આવ્યો. એને આશ્લેષમાં લીધી-ચુંબન કર્યું. પેલી મહિલા સ્તબ્ધ થઈ ગઈ. એ હજુ પ્રતિકાર કરે એ પહેલાં એના હાથમાં જે રકમ હતી એ ઝૂંટવીને પેલો ભાગ્યો. મહિલાને મદદ કરી શકે એવું કોઈ હતું નહીં. મહિલાએ તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી. ટીવીવાળાની ભાષામાં વાત કરીએ તો પોલીસ તરત જ ‘હરકત’માં આવી. ઘટના બની તે તેમ જ એની અરધી કલાક પહેલાંનાં ATM ક્લોઝડ સરકિટ TVનાં દૃશ્યો ચેક કર્યાં. ઘટના બની એ વખતે જે યુવક દેખાયો એની નોંધ રાખીને ઘટના પછી નજીકના અંધેરી સ્ટેશનથી આગળ-પાછળ ગયેલી બધી જ ટ્રેન જે જે રેલવે સ્ટેશને થોભતી હતી.
એ દરેક સ્ટેશનના વીડિયો ફૂટેજ પોલીસે ચેક કર્યા, જેમાં એટલો ખ્યાલ આવ્યો કે ATM બુથમાં દેખાયેલો યુવક ટ્રેન બદલતો બદલતો એ રાતે છેલ્લે નાલાસોપારા પરાના સ્ટેશને ઊતર્યો હતો. એનો અર્થ એ થયો કે એ ત્યાં જ ક્યાંક રહેતો હશે. હવે ઘટના બની એ પહેલાં બુથમાંથી જેમણે જેમણે રકમ કાઢી હોય એવા લોકોની બધી વિગત પોલીસે જે બૅન્કનું બુથ હતું તેની પાસેથી મેળવી. એમાં પેલા નાલાસોપારાવાળા શંકાસ્પદ યુવાનનો ફોન નંબર તેમ જ ઘરનું સરનામું મળ્યું. હવે ઘટના વખતે એ ક્યાં હતો એની સાબિતી એના મોબાઈલ રેકોર્ડસ પરથી મળી. લૂંટની ઘટના બની એ સ્થળ અને સમય પેલો યુવક ઘટનાસ્થળે હાજર હતો એની ચાડી એના મોબાઈલ લોકેશનના રેકોર્ડસે ખાધી! ઉમેરવાની જરૂર નથી કે પેલા ચુંબન વત્તા રોકડચોર યુવકે ગુનો કબૂલી લીધો. અહીં વિશેષ નોંધવા જેવી વાત એ છે કે આ કિસ- તફડંચીનો સમગ્ર કેસ મુંબઈની ચબરાક પોલીસે માત્ર ૨૪ કલાકની અંદર જ ઉકેલી આપ્યો હતો!
બે પૈંડાં પર દોડતી ઉપાધિ
‘પર્યાવરણ’ અને ‘પ્રદૂષણ’ આ બન્ને શબ્દને એકમેક સાથે જાણે બાપે માર્યા વેર છે. પ્રદૂષણને દૂર રાખો તો પર્યાવરણની રક્ષા થાય. પર્યાવરણની રક્ષા થાય તો જ પૃથ્વી- મા ધરતીની તબિયત ફૂલગુલાબી રહે. આવી સભાનતા સદભાગ્યે આજની યુવા જનરેશન- ‘ઍકસ’માં વિકસી રહી છે એટલે આવી ખુશનુમા- પ્રસન્ન પૃથ્વી માટે એ યુવાનો સતત પ્રયાસ કરતા રહે છે. નાનપણમાં આપણો પહેલો વાહન – પ્રેમ ટ્રાઈસિકલ હતો. પાછળથી એ બાઈસિકલ કે સાઈકલ થયો અને આ જ સાઈકલનો બહોળો ઉપયોગ આપણને પેટ્રોલ-ડિઝલ જેવાં ખનિજ તેલથી પ્રસરતા પ્રદૂષણથી દૂર રાખે છે. વિશ્વના લગભગ બધા જ દેશે સાઈકલને વાહનવ્યવહારના એક અતિ ઉપયોગી – અગત્યના સાધન તરીકે સ્વીકારી લીધી છે. યુરોપના ૪૪થી વધુ દેશમાં સાઈકલના ઉપયોગને સૌથી વધુ મહત્ત્વ અપાય છે. નાગરિકો સાઈકલનો મહત્તમ ઉપયોગ કરે એ માટે એને પ્રોત્સાહન આપવા જાહેર માર્ગ પર આ વાહન માટે ખાસ ટ્રેક કે લેન તૈયાર કરવામાં આવે છે.
પ્રદૂષણની સંખ્યાબંધ આડ-અસર અનુભવ્યા પછી ત્યાં અમુક યુવા વર્ગે તો બે પૈંડાંના આ વાહનને ફંડાથી લઈને ફૅશન સુધી એવું લોકપ્રિય બનાવી દીધું છે કે પેરિસ જેવા મહાનગરમાં સાઈકલનો ક્રેઝ – ઘેલછા બની જઈને ઉપાધિ પણ ઊભી કરી રહ્યો છે. ફ્રાન્સની સરકાર ફૅશન માટે વિખ્યાત મહાનગર પેરિસને હવે યુરોપની સાઈકલ રાજધાની બનાવીને પર્યાવરણ-પ્રેમીઓની ‘વાહ..વાહ’ જીતવા માગે છે એટલે પેરિસના યુવાનોમાં રીતસર સાઈકલનું ઘેલું લગાડવા જાતભાતની યોજના-સુવિધા તૈયાર કરતી રહે છે. સ્થાનિક નેતાઓ સાઈકલસવારી કરી પ્રતીકાત્મક રેલી કાઢે. પરિણામે આજે પેરિસના રસ્તા સાઈક્લવીરોથી ઉભરાવા લાગ્યા છે. એક અંદાજ મુજબ પેરિસના માર્ગો પર રોજના દસ લાખ સાઈકલોની એવી ભીડ થાય છે કે શહેરનો ટ્રાફિક ખોરવાય જાય છે અને જ્યાં આવો ટ્રાફિક જામ થાય ત્યાં સહેજે છે કે સાઈકલસવારો અને રસ્તે ચાલનારા- વટેમાર્ગુ વચ્ચે શરૂ થાય બોલાચાલી ને ગાળીગલોચ, જેની પરાકાષ્ઠા એ થાય રાબેતા મુજબ ફિલ્મી સ્ટાઈલ ‘ઢિસુમ..ઢિસુમ’ ને અન્ય રાહગીરોને જોવા મળે છે રોમેન્ટિક પેરિસગરાઓનાં અવનવાં રુદ્ર સ્વરૂપ. ભગવંત તેરી ગત ન્યારી!
ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
શિયાળો આવી ગયો છે. ફૂલગુલાબી મોસમ છલકે છે પણ કોરોનાનો ડર માથા પર તોળાતો હોવા છતાં ય ચહેરા પર માસ્કની ‘ઢાલ’ ધરી તનના લાભાર્થે મન ન હોય તો પણ ‘વીરે ચાલવાવાળા’ યાહોમ કરીને નીકળી પડે છે. કેટલાક ચાલે-કેટલાક માત્ર ટહેલે તો અમુક જોગીંગ કરે તો તમુક પાછળ લેણદાર પડ્યો તેમ રીતસર રનીંગ કરે-દોડે.. સો વાતની એક વાત, આવી ઋતુમાં એક સવાલ અચૂક પૂછાય : ‘ રોજ ઓછામાં ઓછું કેટલું ચાલવું જોઈએ?’
રોજિંદા ચાલવાવાળા કહેશે: ‘થાકો નહીં ત્યાં સુધી..’ જો કે, ફીટનેસ-તંદુરસ્તી ઍક્સપર્ટ કહે છે : ‘રોજ 10000 ડગલાં ચાલવાનું રાખો તો હાર્ટ- શુગરની તકલીફ નિવારી શકો.’ આ વાતને એક તબીબી અભિપ્રાય તરીકે મોટાભાગના લોકો અનુસરે છે. અલબત્ત, આ થિયરીમાંય હવે નવા ફેરફાર -સૂચન આવ્યાં છે. ‘હાર્વડ યુનિવર્સિટી’ના પ્રૉફેસર આઈ-મીન-લી એમનાં સંશોધન પછી કહે છે કે ૬૦થી વધુ આયુ ધરાવતી સ્ત્રી રોજ ૪૪૦૦ જેટલાં ડગ માંડે તો એમને ભવિષ્યમાં હૃદયરોગ થવાની ૪૦ % સંભાવના ઘટી જાય છે. આવા જ બીજા એક તબીબી સર્વેમાં એવાં તારણ આવ્યાં છે કે લાંબી આવરદા માટે રોજના 10000 ડગલાં ચાલવા જરૂરી નથી. રોજ પાંચથી સાડા સાત હજાર પગલાં માંડો તો પણ ભયો…ભયો!
ગુજરાતના જૈન તીર્થધામ પાલીતાણામાં વિક્ર્મસર્જક ૧૦૦૦થી વધુ દેરાસર છે. આવો જ રૅકોર્ડ ઈટાલીનું ઐતિહાસિક પાટનગર રોમ ધરાવે છે. ત્યાં આશરે ૯૦૦ જેટલાં ચર્ચ છે. એટલું જ નહીં, શિલ્પકળાના અદભુત પ્રતીકસમા 2000થી વધુ ફુવારા પણ રોમ ધરાવે છે.