મહારાષ્ટ્રભરના હજારો ખેડૂતો રવિવારે સાંજે રાજ્યના પાટનગર મુંબઇ આવી પહોંચ્યા હતા જેઓ પ્રજાસત્તાક દિનના એક દિવસ પહેલા સોમવારે મુંબઇમાં એક વિશાળ રેલી કેન્દ્ર સરકારના ત્રણ નવા વિવાદાસ્પદ કૃષિ કાયદાઓના વિરોધમાં યોજનાર છે. ઓલ ઇન્ડિયા કિસાન સભાના મહારાષ્ટ્ર એકમે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નાશિકથી ૧પ૦૦૦ જેટલા ખેડૂતો રાજ્યના પાટનગરમાં આવવા માટે રવાના થઇ ગયા હતા. તેમાંના ઘણા ટેમ્પોમાં રવાના થયા હતા. અન્ય વાહનોમાં પણ ખેડૂતો રવાના થયા હતા જેઓ રવિવારે સાંજ સુધીમાં મુંબઇ આવી પહોંચ્યા હતા. નાસિકથી એક રેલીના આકારમાં પણ ખેડૂતો મુંબઇ આવવા રવાના થયા હતા એમ જાણવા મળે છે.
સોમવારે દક્ષિણ મુંબઇના આઝાદ મેદાનમાં ખેડૂતોની એક વિશાળ સભા યોજાનાર છે જે સભાને એનસીપીના વડા અને દેશના ભૂતપૂર્વ કૃષિ મંત્રી શરદ પવાર તથા મહારાષ્ટ્રના શાસક ગઠબંધન મહા વિકાસ અઘાડી(એમવીએ)ના કેટલાક અન્ય પીઢ નેતાઓ પણ સંબોધન કરનાર છે એમ જાણવા મળે છે. આ સભાને ધ્યાનમાં રાખીને પોલીસે આઝાદ મેદાન ખાતે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે અને ત્યાં રાજ્ય અનામત પોલીસ(એસઆરપી)ના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમ પર નજર રાખવા માટે ડ્રોન્સનો પણ ઉપયોગ થશે એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
સોમવારે આ રેલી યોજાય તે પહેલા શનિવારે અને રવિવારે પણ રેલીઓ યોજાઇ હતી. એમ જાણવા મળે છે કે મહારાષ્ટ્રના વિવિધ સ્થળના ખેડૂતો નાસિકમાં ભેગા થયા હતા અને મુંબઇ તરફની તેમની કૂચ શનિવારે શરૂ કરી હતી. ઘણા ખેતમજૂરો રસ્તામાં તેમની સાથે જોડાયા હતા એમ કિસાન સભાએ જણાવ્યું હતું. આ કૂચમાં જોડાયેલા લોકોએ રાત્રિ રોકાણ ઇગતપુરી હિલટાઉન નજીક ઘંટાદેવી ખાતે કર્યુ હતું. રવિવારે સવારે સંખ્યાબંધ ખેડૂતોએ કસારાઘાટ ખાતે પણ મુંબઇ જવા માટે એક કૂચ કાઢી હતી, સાત કિલોમીટર લાંબી આ કૂચમાં ઘણી મહિલા ખેડૂતો પણ જોડાઇ હતી જે કૂચ સવારે ૯ વાગ્યે શરૂ થઇને ૧૧.૩૦ કલાકે પૂરી થઇ હતી અને બાદમાં તેમણે આગળની કૂચ વાહનોમાં કરી હતી.