કિસાન આંદોલન ફરી સક્રિય થયું છે અને એક સંગઠનનાં નેતા જગજીતસિંહ ડલ્લેવાલ અનશન પર છે. ૨૦થી વધુ દિવસો થયા અને એમની તબિયત બગડતી જાય છે પણ કેન્દ્ર સરકાર કે પંજાબ સરકાર એમને મનાવી શક્યા નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કેટલાક દિશાનિર્દેશ અપાયા છે પણ કોઈ ઉકેલ આવતો નથી. એક સમયે કિસાન આંદોલનના કારણે જ કેન્દ્ર સરકારે કૃષિના ત્રણ કાયદા રદ કરવા પડ્યા હતા અને એ પછી કોર્ટ દ્વારા સમિતિ બનાવી હતી પણ આજ સુધી એમએસપી સહિતની માગણીઓના મુદે્ નિરાકરણ આવ્યું નથી અને હવે ફરી દિલ્હી ચલો આંદોલન શરૂ થયું છે.
જગજીતસિંહ ડલ્લેવાલ ૭૦ વર્ષની ઉંમરના છે અને એ ખેડૂત છે. પંજાબના ફરીદકોટના ખેડુ છે અને એમની પાસે ૧૭ એકર જમીન છે. અને એય એમણે વહુ અને પુત્રના નામે કરી દીધી છે. એ ખેડૂતોનાં હક માટે લડી રહ્યા છે અને અન્ના હઝારેનાં અનુયાયી ગણાય છે. કારણ કે, ૨૦૧૮માં અન્ના હઝારેના આંદોલન સાથે એ જોડાયા હતા અને એ પહેલી વાર અનશન પર ઊતર્યા નથી. અગાઉ ત્રણ ચાર વાર એમણે આ પગલું લીધું હતું.
સંયુક્ત કિસાન મોરચાના એ નેતા છે અને કિસાન સંગઠનો સાથે મળી આંદોલન કરી રહ્યાં છે. કૃષિ કાયદા સામેના આંદોલન વેળા મહેન્દ્રસિંહ ટીકૈતનું નામ ચર્ચામાં હતું અને આજે જગજીતસિંહનું નામ ચર્ચામાં છે. એક વાર એમના અને નરેન્દ્ર મોદી વચ્ચે ચર્ચા થઇ છે પણ કોઈ ઉકેલ આવ્યો નથી. પંજાબ અને હરિયાણાની સરહદે ખાનૌરીમાં એ અનશન પર ઊતર્યા છે. અગાઉ પંજાબની તત્કાલીન કોંગ્રેસ સરકાર સામે એ ઉપવાસ પર ઊતર્યા હતા. ૨૦૧૯માં અને ૨૦૨૧માં પણ એમણે ઉપવાસ કર્યા હતા.
એમણે મોદીને જે પત્ર લખ્યો છે એમાં એક વાત નોંધપાત્ર છે. એમણે લખ્યું છે કે, તમે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રને એવી રજૂઆત કરી હતી કે, વેપારી અને ખેડૂત વચ્ચે કોઈ જણસનો સોદો થાય તો એ ટેકાના ભાવથી નીચે ના થવો જોઈએ અને આ માટે કાયદો બનવો જોઈએ પણ તમે વડા પ્રધાન બન્યા બાદ આ વાત ભૂલી ગયા છો. એમએસપી સહિત ૧૩ માંગણીઓ માટે જ એ અનશન પર ઊતર્યા છે અને એ મુદે્ કેન્દ્ર સરકારે કોઈ ગંભીર સંવાદ એમની સાથે કર્યો નથી. સુપ્રીમ કોર્ટે તો પંજાબ અને કેન્દ્ર સરકાર બંનેને નિર્દેશ કર્યો છે કે, એ જગજીતસિંહની તબિયત અંગે પગલાં લે અને કોર્ટે ખેડૂતોને એમની પાસે આવવા પણ કહ્યું છે.
કિસાન આંદોલન પંજાબ અને હરિયાણાથી શરૂ થાય છે એ વાત સાચી છે પણ મત મેળવવાની નોબત આવે ત્યારે જે તે પક્ષની સરકારો ખેડૂતના દેવાની માફીનાં વચનો આપે છે અને છેલ્લાં દસેક વર્ષમાં ૧૧ જેટલાં રાજ્યોએ કિસાનોનાં દેવાં માફ કર્યાં છે. એ આંકડો સવા લાખ કરોડ જેટલો છે. જો કે, દેશના કિસાનોના માથે ૧૭ લાખ કરોડનું દેવું છે. કેન્દ્ર સરકાર આ દેવું માફ કરવા માટે રાજી નથી અને રાજ્યોને મદદ પણ કરતી નથી. કેટલાંક રાજ્યોમાં પાક વીમા યોજના પણ બંધ થઇ છે. પાછી આ જ કેન્દ્ર સરકાર ભાજપશાસિત રાજ્યોમાં દેવાં માફીની જાહેરાત કરે છે. આ બેવડાં ધોરણો છે.
આજે ૬૦ ટકા ખેડૂતો કરજમાં ડૂબેલાં છે અને એમનાં દેવાં બેંકો માફ કરતી નથી પણ ઉદ્યોગપતિઓની બેડ લોન માફ કરે છે અને દર વર્ષે પૂરતા ભાવ ના મળતાં કિસાનોને બહુ મોટું નુકસાન થાય છે. પણ કેન્દ્ર સરકાર આ મુદે્ કોઈ અસરકારક ઉપાય શોધી શકી નથી. કૃષિકાયદા રદ જરૂર કરવા પડ્યા છે અને સરકાર કિસાનોને બેન્કમાં અમુક રકમ આપી પોતાની જ્વાબદારી નિભાવી લીધી એવું માને છે. આ મુદે્ સરકાર ગંભીર બની કોઈ નિરાકરણ નહિ શોધી શકે તો આ આંદોલન પંજાબ અને હરિયાણાથી આગળ વધી શકે છે અને એ સરકાર માટે ચિંતાનો વિષય બની શકે છે.
આંબેડકર વિવાદ : બધા પક્ષો તક શોધે છે
લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહે આંબેડકર મુદે્ કરેલી ટીપ્પણીથી વિપક્ષને મોકો મળી ગયો છે અને આ મુદે્ વિપક્ષની એકતા તૂટવાના આરે હતી એ બચી જાય એવી શક્યતા ઉપસી છે. બધા વિપક્ષો આ મુદે્ એક થયા છે અને અમિત શાહે માફી માગવી જોઈએ એવી માગણી કરી છે. કોંગ્રેસ અને સપા તો વિરોધમાં છે જ પણ આ તકનો લાભ લેવા મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ પણ કૂદી પડ્યાં છે. ટીએમસીએ પણ નિશાન સાધ્યું છે અને ભાજપ – મોદી સરકાર આંબેડકરવિરોધી છે એવું બયાન આપ્યું છે.
અમિત શાહ માફી માગે એવી માગણી કરી છે. તો અરવિંદ કેજરીવાલે તો મોદી સરકારના સાથી પક્ષોના નેતા નીતીશકુમાર અને ચન્દ્રાબાબુ નાયડુને પત્ર લખી કહ્યું છે કે, એમણે આંબેડકરવિરોધી સરકારને ટેકો આપવા મુદે્ ફેરવિચાર કરવો જોઈએ. કેજરીવાલ લખે છે, અમિત શાહ એમના નિવેદન માટે માફી માગે એ જરૂરી છે. આંબેડકર એ દેશનો આત્મા છે અને ભાજપ એમનું અપમાન કરે છે.
આંબેડકરના વંશજ પ્રકાશે પણ આ મુદે્ કેન્દ્રની ટીકા કરી છે અને જનસંઘે પણ ભૂતકાળમાં આંબેડકરનો વિરોધ કરેલો એની યાદ અપાવી છે. કેન્દ્ર સકરાર આ મુદે્ ભીંસમાં છે અને અમિત શાહ ખુલાસો કરે છે કે, એમના નિવેદનને તોડી મરોડી રજૂ કરાયું છે. બાકી તો કોંગ્રેસે અનેક વાર આંબેડકરનું અપમાન કર્યું છે. ભૂતકાળ ઉલેચવામાં આવ્યો છે. આમ બધા પક્ષો આંબેડકર મુદે્ એકબીજા પર કાદવ ઉછાળે છે પણ આંબેડકરે બંધારણમાં જે ભાવના આલેખી છે એના મૂળની કોઈને પડી નથી. બધા આ વિવાદમાંથી રાજકીય લાભ ખાટવા માગે છે. એનાથી વિશેષ કંઈ નથી.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.