ગુજરાતના જાણીતા લોકગાયક કિર્તીદાન ગઢવી દ્વારા તા.-૦૬/૦૮/૨૦૨૫ ના રોજ મોટર વેહિકલ એક્ટનો ભંગ કરીને પોતે ધર્મપત્ની સાથે બાઈક પર સવારી કરતા એક વીડીયો બનાવ્યો હતો. આ વીડિયો કિર્તીદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પોસ્ટ કર્યો હતો. આ વીડિયો પોતાના પત્નીના જન્મદિવસના દિવસે બનાવવામાં આવ્યો હતો તેવું પોસ્ટના કેપશનમાં લખ્યું હતું.
કિર્તીદાન ગઢવી અને એમના પત્ની સોનલ ગઢવી બંને આ બાઈક સવારી દરમિયાન હેલ્મેટનો ઉપયોગ કર્યો નહોતો. આ રીતે કિર્તીદાને વાહન અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૨૯ ખાસ કરીને ડ્રાઇવર અને પાછળ બેઠેલા કોઈ પણ સવાર બંને માટે રક્ષણાત્મક હેડગિયરની આવશ્યકતા ધરાવતું કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું. સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ નો ભંગ કરીને બાઈક ચલાવે તે ગંભીર બાબત છે અને અન્ય લોકોને પણ આ પ્રકારના નિયમ ભંગ કરવા દુષ્પ્રેરણા આપે છે.
સામાન્ય વાહન ચાલકોને ઉભા રાખીને ઈ – મેમો આપી માંડવાળ ફી ઉઘરાવતા પોલીસ સત્તા પક્ષને પ્રમોશન કરનાર આવા VVIP કલાકારો સામે કાર્યવાહી કરવા ડર બતાવી રહ્યા હતા.
સુરતના જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા વારંવાર આ મામલે ફરિયાદ કરાઈ હતી. છતાં 3 મહિના સુધી કોઈ કાર્યવાહી અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી ન હતી. અંતે પોલીસની નિષ્ક્રિયતા સામે પોલીસ કંપ્લેન્ટ ઓથોરિટી, ગાંધીનગર ખાતે ફરિયાદ કરાઈ હતી.
તેથી અમદાવાદ પોલીસ તત્કાલ એક્શનમાં આવીને કિર્તીદાન ગઢવીનો સંપર્ક કરીને હેલમેટ પહેર્યા વગર વાહન ચલાવવા માટે રૂ. 500/- અને HSRP રેજીસ્ટ્રેડ નંબર પ્લેટ ન હોવાથી (ફેન્સી નંબર પ્લેટ) રૂ.300/- સાથે ફૂલ રૂ. 800/- ની ઈ મેમો તા. 12.11.2025 ના રોજ સવારે 11 વાગ્યાની મોકલ્યો હતો. કિર્તીદાન ગઢવીએ એક કલાકમાં આ રકમ ભરપાઈ કરીને મામલો થાળે પાડી દીધો છે.