SURAT

કીર્તિ પટેલે ફરી સનસની મચાવી, ખજૂરભાઈ પર કર્યા ગંભીર આક્ષેપ

સોશિયલ મીડિયામાં કુખ્યાત કીર્તિ પટેલે જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી પોતાનો રંગ દેખાડ્યો છે. આ વખતે કીર્તિ પટેલે એક વીડિયો પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકી સમાજ સેવક અને સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ પર ગંભીર આક્ષેપ કર્યા છે. નીતિન જાનીએ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી તેના થોડા જ દિવસમાં કીર્તિ પટેલે તેની સામે છેતરપિંડીનો આક્ષેપ મુકી ખળભળાટ મચાવી દીધો છે.

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલે એક વીડિયો પોસ્ટ મુકી નીતિન જાની પર સુરતના ચકચારી શાહ ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં ભાગીદાર હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે.

કીર્તિ પટેલે વીડિયોમાં શું કહ્યું?
કીર્તિ પટેલે વીડિયો પોસ્ટમાં કહ્યું કે તે પોતે જેલમાં જે બેરેકમાં કેદ હતી તે જ બેરેકમાં શાહ ઈન્વેસ્ટમેન્ટ કૌભાંડ કેસના આરોપી શાહ દંપતિ પૈકી પૂજા શાહ પણ હતી. કીર્તિ પટેલે વીડિયોમાં દાવો કર્યો કે જેલના બેરેકમાં તેની પૂજા સાથે નિયમિત વાત થતી હતી, ત્યારે પૂજા શાહે કહ્યું હતું કે, નીતિન જાની એટલે કે ખજૂરભાઈ માત્ર શાહ દંપતીની કંપનીની જાહેરાત જ નહોતી કરી પરંતુ તે આ આખા ફ્રોડમાં 20 ટકાનો ભાગીદાર પણ હતો.

કીર્તિ પટેલે વધુમાં કહ્યું કે, નીતિન જાની માત્ર પૈસા લઈ જાહેરાત કરતો નથી, તે લગભગ બધી જ જાહેરાતમાં ભાગીદાર જ હોય છે. તેણે શાહ ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ સ્કીમમાં લોકોને છેતરવા માટે ભાગીદારી કરી હતી.

કીર્તિએ વધુમાં આક્ષેપ કર્યો કે ખજૂર કોલ સેન્ટર જેવા ફ્રોડમાંથી મેળવેલા રૂપિયા લોકોને દાન કરે છે. જેના પણ શાહ ઈન્વેસ્ટમેન્ટમાં રૂપિયા ફસાયા હોય તેને પોતાનો સંપર્ક કરવા કીર્તિએ કહ્યું હતું. કીર્તિએ કહ્યું મારી પાસે 10-15 મેટર આવી છે. હું લડીશ બધાને ન્યાય અપાવીશ.

શું છે શાહ ઈન્વેસ્ટમેન્ટ સ્કેમ?
ગયા સપ્ટેમ્બર મહિનામાં સિંગણપોર કોઝવે રોડ પર સિલ્વર સ્ટોન આર્કેડમાં શાહ ઈન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી કરોડોની છેતરપિંડી કરનાર શાહ દંપતીના કારસ્તાનનો પર્દાફાશ થયો હતો. આ શાહ દંપતીએ ગુજરાતી કલાકારો, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પાસે જાહેરાતો કરાવી રોકાણકારોને આકર્ષ્યા હતા. શાહ દંપતી હાર્દિક અને પૂજા વિરુદ્ધ ઠગાઈના બે કેસ નોંધાયા છે. સુરતમાં 30 લાખની છેતરપિંડી બાદ ભાવનગરના બે વેપારીના 1.33 કરોડ ફસાયા સીઆઈડી ક્રાઈમમાં દંપતી વિરુદ્ધ ઠગાઈનો ગુનો દાખલ થયો હતો. હાલ શાહ દંપતી જેલમાં કેદ છે.

Most Popular

To Top